Columns

રશિયાનું ક્રુડ ઓઇલ ભારતમાં રિફાઇન્ડ થઈને અમેરિકામાં વેચાઈ રહ્યું છે

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે જગતનું અર્થકારણ નવો આકાર ધારણ કરી રહ્યું છે, જેનો ખ્યાલ બહુ ઓછા લોકોને આવી રહ્યો છે. યુક્રેન યુદ્ધને કારણે જો કોઈને સૌથી વધુ નુકસાન ગયું હોય તો તે યુરોપના દેશો છે. યુરોપના દેશોમાં રશિયાના ખનિજ તેલ અને ગેસની આયાત મર્યાદિત થવાને કારણે ઊર્જાના ભાવો વધી ગયા છે અને ફુગાવો પણ વધી ગયો છે. અમેરિકા દ્વારા રશિયાને સજા કરવા માટે તેના પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, પણ તેનું સૌથી ઓછું નુકસાન અમેરિકાને થયું છે. યુદ્ધ પહેલાં અમેરિકા રશિયા પાસેથી વર્જિન ગેસ ઓઈલ ખરીદતું હતું, જેમાંથી ડિઝલ જેવાં બળતણો તૈયાર કરવામાં આવતાં હતાં. યુદ્ધને કારણે અમેરિકાએ રશિયા પાસેથી વર્જિન ગેસ ઓઈલ ખરીદવાનું બંધ કરીને તે ભારત પાસેથી ખરીદવાનું ચાલુ કર્યું છે. ભારતમાં રિલાયન્સ અને નયારા જેવી કંપનીઓ રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદીને તેનું વર્જિન ગેસ ઓઈલ બનાવે છે અને અમેરિકાને વેચે છે. અમેરિકા આડકતરી રીતે રશિયાનું જ વર્જિન ગેસ ઓઈલ ખરીદે છે, જેને કારણે અમેરિકા ઘરઆંગણે બળતણના ભાવો અંકુશમાં રાખી શક્યું છે.

ભારતની કંપનીઓ ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં પ્રતિદિન ૧૨ લાખ બેરલના હિસાબે રશિયાનું ક્રુડ તેલ ખરીદતી હતી, જે પોતે એક રેકોર્ડ હતો. હવે જાન્યુઆરી મહિનામાં ભારતે પ્રતિદિન ૧૭ લાખ બેરલ રશિયન ક્રુડ તેલ ખરીદવાનું શરૂ કર્યું છે, જે નવો વિક્રમ છે. ભારતમાં દૈનિક ૫૪ લાખ બેરલ ક્રુડ તેલની ડિમાન્ડ હોય છે. યુદ્ધ શરૂ થયું તે પહેલાં ભારત તેના માંડ બે ટકા ક્રુડ તેલ રશિયા પાસેથી ખરીદતું હતું. હવે તે ટકાવારી વધીને ૩૦ ટકા પર પહોંચી ગઈ છે. ભારતની જરૂરિયાતનું માંડ ૧૫થી ૨૦ ટકા ક્રુડ તેલ જ આપણા દેશમાં પેદા થાય છે. બાકીના ૫૦ ટકા તે સાઉદી અરેબિયા, ઇરાન, સંયુક્ત આરબ અમીરાત વગેરે દેશો પાસેથી ખરીદતું હતું. હવે રશિયાથી ક્રુડ તેલની ખરીદી વધી ગઈ હોવાથી સાઉદી અરેબિયા વગેરે ઓપેકના દેશો પાસેથી ભારતની ખરીદી ઘટી ગઈ છે.

ભારત જ્યારે ૨૦૨૨ના ડિસેમ્બરમાં દૈનિક ૧૨ લાખ બેરલના હિસાબે રશિયાનું ક્રુડ તેલ ખરીદી રહ્યું હતું ત્યારે જાણકારો વિચારી રહ્યા હતા કે આટલા બધા ક્રુડ તેલનું ભારત શું કરે છે? યુરોપના દેશો તો ભારતની કંપનીઓ પાસેથી રિફાઇન્ડ ક્રુડ તેલ ખરીદતા નથી. તેમને જ્યારે ખબર પડી કે તેમાંનું મોટા ભાગનું ક્રુડ તેલ રિફાઇન થઈને અમેરિકા જાય છે, ત્યારે તેઓ અચંબામાં પડી ગયા હતા.

તેમનું કહેવું હતું કે ભારત દૈનિક ૧૨ લાખ બેરલથી વધારે ક્રુડ તેલ ખરીદી જ નહીં શકે. પરંતુ ભારતની કંપનીઓએ તે ધારણા ખોટી પાડી છે. અમેરિકા દૈનિક બે લાખ બેરલ જેટલું વર્જિન ગેસ ઓઈલ ભારતમાં મુખ્યત્વે રિલાયન્સની રિફાઇનરીમાંથી ખરીદી રહી છે. બીજા નંબરે નયારા કંપની આવે છે, જે પહેલાં એસ્સાર તરીકે ઓળખાતી હતી. અત્યાર સુધી રિલાયન્સ અને નયારા જેવી ખાનગી કંપનીઓ જ રશિયાનું ક્રુડ તેલ ખરીદતી હતી, પણ હવે જાહેર ક્ષેત્રની કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ પણ તેની સાથે સ્પર્ધામાં છે.

ભારતને રશિયા દ્વારા ક્રુડ તેલની ખરીદી પર બેરલદીઠ ૧૦ ડોલરનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એક ટેન્કરમાં આશરે એક લાખ બેરલ ક્રુડ તેલ હોય છે. રિલાયન્સ અને નયારા જેવી કંપનીઓ ટેન્કર દીઠ ૧૦ લાખ ડોલર (આશરે ૮૦ કરોડ રૂપિયા) નો વધારાનો નફો કરી રહી છે. રિલાયન્સ કંપની રશિયાથી જે ક્રુડ તેલની ખરીદી કરી રહી છે તે બધી સ્ટીમરો જામનગર નજીક આવેલા સિક્કા બંદરે ઊતરે છે. ઇન્ડિયન ઓઇલના ટેન્કરો પારાદીપ બંદરે ખાલી થાય છે તો ભારત પેટ્રોલિયમના ટેન્કરો કોચી બંદરે લાંગરે છે. કેટલાંક ટેન્કરો મુંબઈ, મેંગલોર, ચેન્નાઈ, મુન્દ્રા, વિશાખાપટ્ટનમ તરફ પણ આગળ વધી રહ્યા છે. હાલમાં રશિયાનું ક્રુડ તેલ લઈને આવેલાં આશરે ૬૮ ટેન્કરો ક્યાં તો ભારતનાં બંદરો પર લાંગરેલાં છે; ક્યાં ભારત તરફ આગળ વધી રહ્યાં છે.

યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારત પર અમેરિકાનું સખત દબાણ હતું કે તેણે રશિયાનું ક્રુડ તેલ ખરીદવું જોઈએ નહીં. ભારતે અમેરિકાના દબાણની ઉપેક્ષા કરીને રશિયા પાસેથી ક્રુડ તેલ ખરીદવાનું વધારી દેતા દલીલ કરી હતી કે તેને પોતાના ૧૪૦ કરોડ નાગરિકોની જરૂરિયાતને સંતોષવા માટે રશિયાનું ક્રુડ તેલ ખરીદવું જરૂરી છે. હવે ભારત પોતાની જરૂરિયાત કરતાં પણ વધારે ક્રુડ તેલ રશિયા પાસેથી ખરીદી રહ્યું છે. ભારત રશિયા ઉપરાંત સંયુક્ત આરબ અમીરાતમાં અને સિંગાપોરમાં પણ વર્જિન ગેસ ઓઈલની નિકાસ કરી રહ્યું છે. ઓપેકના દેશો દ્વારા અમેરિકાને ભીડાવવા માટે ક્રુડ તેલના ભાવો વધારી મૂકાયા તેનો જવાબ રશિયાનું વર્જિન ગેસ ઓઈલ છે.

ભારત દુનિયામાં ખનિજ તેલનો વપરાશ કરનારો અમેરિકા અને ચીન પછીનો ત્રીજા નંબરનો મોટો દેશ છે. ભારત રોજના ૫૦ લાખ બેરલ અથવા વાર્ષિક ૧૮૦ કરોડ બેરલ ખનિજ તેલની આયાત કરે છે. ૨૦૨૧-૨૨ના વર્ષમાં ભારતે ૧૦૦ અબજ ડોલર કરતાં વધુ ખનિજ તેલની આયાત કરી હતી. તેમાંથી માંડ બે ટકા આયાત રશિયાથી કરી હતી. બાકીની ૯૮ ટકા આયાત અમેરિકા, ઇરાન તેમ જ આરબ દેશોમાંથી કરવામાં આવતી હતી. અમેરિકા દ્વારા જ્યારે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા ત્યારે ધારવામાં આવ્યું હતું કે યુરોપના દેશો અગાઉ રશિયા પાસેથી જે ખનિજ તેલ ખરીદતા હતા તે હવે અમેરિકા પાસેથી ખરીદશે અને અમેરિકા તેના શેલ ઓઈલનું ઉત્પાદન વધારશે.

જો યુરોપના દેશો અગાઉની જેમ રશિયા પાસેથી જ ખનિજ તેલ ખરીદવાનું ચાલુ રાખે તો અમેરિકાની પોતાનું શેલ ઓઈલ વેચીને કમાણી કરવાની યોજના પણ ધૂળમાં મળી જાય તેમ છે. અમેરિકામાં જે શેલ ઓઈલ પેદા કરવામાં આવે છે તે સામાન્ય ખનિજ તેલ કરતાં મોંઘું પડે છે. રશિયા ભારતને જે ભાવે ખનિજ તેલ વેચી રહ્યું છે તેના કરતાં અમેરિકાના શેલ ઓઈલની કિંમત વધારે છે. આ કારણે અમેરિકા રશિયાના સસ્તા ખનિજ તેલની સ્પર્ધામાં ઊતરી શકે તેમ જ નથી.

જો રશિયા દ્વારા ભારતને સસ્તા દામમાં ખનિજ તેલ વેચવામાં કાંઇ વિઘ્ન ન આવે તો આવતી કાલે ચીન પણ પોતાની જરૂરિયાતનું બધું ખનિજ તેલ રશિયાથી ખરીદી શકે છે. જો ચીન રશિયાથી ખનિજ તેલ ખરીદે તો તેની ચૂકવણી પણ તેણે રૂબલમાં જ કરવી પડે. જો ચીન પણ રૂબલમાં ખરીદી કરવા લાગે તો રૂબલની ડિમાન્ડ વધી જાય અને તેના ભાવો પણ વધી જાય. જો ભારત, ચીન અને રશિયા જેવી એશિયાની ત્રણ મહાસત્તાઓ ડોલરને બદલે રૂબલ, રૂપિયા અને યુઆનમાં વેપાર કરવા લાગે તો તેમની ડોલરની જરૂરિયાત પણ ઘટી જશે. તેને કારણે ડોલરના ભાવો ગગડી જશે. જો દુનિયાના ઘણા દેશો ડોલર વગર વેપાર કરવા લાગે તો ડોલરનું રિઝર્વ કરન્સી તરીકેનું સ્થાન જોખમાઈ જાય. જો ડોલર રિઝર્વ કરન્સી મટી જાય તો અમેરિકાની તાકાત પણ ખતમ થઈ જાશે.

અમેરિકા લગભગ અડધી સદીથી ડોલરની નોટો છાપી છાપીને દુનિયાને આપતું રહ્યું છે અને તેની સામે દુનિયાની તમામ સુખસાહ્યબી મફતમાં ખરીદી રહ્યું છે. હવે દુનિયામાં ડોલરનો ભરાવો થઈ ગયો છે. જો ડોલરના ભાવો ગગડવા લાગે તો ચીન, કોરિયા, જપાન અને ભારત જેવા દેશો ડોલરના ભંડારો કાઢીને સોનું ખરીદવા દોટ મૂકશે ત્યારે સોનાના ભાવો આસમાને ચડશે. જો દુનિયાના દેશોમાં ડોલરની ડિમાન્ડ તૂટી જશે તો અમેરિકાનું અર્થતંત્ર પાયમાલ થઈ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top