રતનપુર સરપંચ મોતીભાઈ દ્વારા બે ત્રણ દિવસ પહેલા જંગલખાતાને જાણ કરવામાં આવી હતી
રતનપુર પાસે ઓરસંગ નદી કિનારે ત્રણ ચાર દિવસ પહેલા મગર આરામ ફરમાવતો જોવા મળ્યો
સંખેડા: સંખેડા તાલુકાના રતનપુર ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીના કિનારે આરામ ફરમાવતો મગર દેખાયો હતો. ગત સપ્તાહે જ મગરે એક બકરીનું મારણ કર્યું હતું. મગર દેખાતા આસપાસના રહીશોમાં ભય જોવા મળ્યો હતો .

સંખેડા તાલુકાના છેવાડે આવેલા રતનપુર ગામ પાસેથી ઓરસંગ નદી પસાર થાય છે. ગત સોમવારે અહીંયા નદી કિનારા પાસે એક પશુપાલક પોતાની બકરીઓ ચરાવતો હતો. એ દરમિયાન બકરીઓને પાણી પીવડાવવા નદીએ ગયો હતો. એ વખતે નદીમાંથી આવીને મગર એક બકરીને પોતાના મોઢામાં દબાવીને નદીની વચ્ચે લઈ ગયો હતો.
મગરે બકરીનું મારણ કર્યાના સમાચાર આસપાસના ગામોમાં ફેલાઈ જતા પશુપાલકોમાં ભયની લાગણી ફેલાઈ હતી.રવિવારે સાંજના સમયે રતનપુર નજીક ઓરસંગ નદીના કિનારે મગર આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. મગર દેખાયો હોવાની વાત પણ વાયુવેગે ફેલાતા આસપાસના રહીશોમાં વધુ એક વખત ભયની લાગણી ફેલાઈ હતી. જેને લઇ જંગલ ખાતાના અધિકારીને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગને જાણ કરતા પિંજરું મુકવામાં આવ્યું હતું. જે બાદ બહાદરપુર એનિમલ રેસક્યુ ટીમના સચિનભાઈ પંડિત તેમજ તેમના વોલીએન્ટર સહિતની ટીમ રાત દિવસ નજર રાખી જહેમત બાદ મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે રતનપુરના સરપંચ મોતીભાઈ તેમજ ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો . હજુ પણ એક મગર હોવાને આશંકા હોવાના કારણે એક પિંજરૂ ત્યાં મુકવામાં આવ્યું છે.
સરપંચ મોતીભાઈએ જણાવ્યું હતું કે જે આવી સેવાકીય એનિમલ રેસક્યુ ટીમ જે પોતાનો જીવ જોખમમાં મૂકી રાત દિવસ સેવા અર્થે જતા હોય છે તેના માટે સરકારને તેમજ જંગલ ખાતાના અધિકારીઓને રજૂઆત કરી હતી કે આવા સેવાકીય સંસ્થાને પગાર તેમજ વેતન આપવું જોઈએ. જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા પણ ઠરાવ કરી એને આગળ રજૂઆત કરવી જોઈએ.
સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા