Vadodara

યુનાઈટેડ વેના ટ્રસ્ટીઓની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં અનધિકૃત રીતે ગરબા યોજ્યા

ધંધાદારી ગરબા આયોજકો ફરી એકવાર વિવાદમાં…

*સમગ્ર ગરબાનું આયોજન સંયુક્ત ચેરિટી કમિશનર તથા પોલીસ વિભાગ હસ્તક કલેક્ટરની સૂચના મુજબ કરાવવાની અરજી સાથે પોલીસ કમિશનરને રજૂઆત*

(પ્રતિનિધિ) વડોદરા તા. 16
શહેરમાં શારદીય નવરાત્રીની તડામાર તૈયારીઓ વચ્ચે ફરી એકવાર યુનાઈટેડ વે ગરબા વિવાદમાં આવ્યું છે. યુનાઈટેડ વે ગરબાના ટ્રસ્ટીઓની ટ્રસ્ટી તરીકેની મુદ્ત પૂરી થઈ ગયા છતાં ચેરિટી કમિશનરને તથા પોલીસ, કલેકટર તમામ વિભાગોને અંધારામાં રાખીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે પોલીસ કમિશનર ને અરજી સાથે રજૂઆત કરવામાં આવી છે.
સંસ્કારી નગરી વડોદરામાં શારદીય આસો નવરાત્રી ખૂબ મોટાપાયે ઉજવવામાં આવે છે. જેમાં કેટલાક મોટા ધંધાદારી ગરબાઓમાં શહેરનો યુવાવર્ગ મોંઘાદાટ પાસ ખરીદીને નવલી નવરાત્રીમાં ગરબા રમવા જાય છે. ત્યારે આવું જ ગરબા માટેનું એક મોટું નામ એટલે યુનાઈટેડ વે દર વર્ષે કોઇને કોઇ કારણોસર વિવાદોમાં સપડાતુ હોય છે. જેની પાછળનું કારણ યુનાઇટેડ વે ના ટ્રસ્ટીઓની બેદરકારી હોય છે.ગતવર્ષે પણ ખેલૈયાઓને વાહન પાર્કિંગની અસુવિધા, વરસાદ બાદ ગરબા મેદાનમાં કીચડમાં ગરબા મેદાનમાં પ્રવેશવા, ગરબા રમવા મજબૂર બન્યા હતા જે બાબતે ઘણો હોબાળો થયો હતો. અહીં સ્ટેજ તૂટવાની, ગરબા મેદાનમાં ખેલૈયાઓને પગમાં કાંકરા વાગવાની ઘટના, ગરબા મેદાનમાં ધૂમ્રપાન એટલે કે સિગારેટ પીવાની ઘટના જેવા અનેક વિવાદોને લઇને ચર્ચામાં રહેતું આવ્યું છે પરંતુ પૈસા તથા રાજકીય પીઠબળ ને કારણે દરેક વિવાદો છતાં આયોજક ટ્રસ્ટીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે હવે ટ્રસ્ટીઓ એટલા મનમાની કરી રહ્યા છે જાણે સમગ્ર તંત્ર તેઓના ખિસ્સામાં હોય.
યુનાઈટેડ વે ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. યુનાઈટેડ વે ઓફ બરોડા જેનો રજીસ્ટ્રેશન નંબર એફ/1044 છે તેના દ્વારા આયોજિત ગરબા મહોત્સવના ટ્રસ્ટીઓ ની ટ્રસ્ટી તરીકેની મુદ્ત ગત તા. 07-08-2025 ના રોજ પૂર્ણ થઇ ગઇ હોવા છતાં સંસ્થા વતી ટ્રસ્ટી તરીકે કામગીરી કરવા અધિકૃત ન હોવા છતાં ગરબાનું આયોજન કર્યું હોવાના આક્ષેપ સાથે હર્ષ પ્રફુલ્લ કુમાર પંડ્યા દ્વારા શહેર પોલીસ કમિશનરને અરજી સાથે રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમણે ગરબાની પરવાનગી આપતાં પહેલાં હકિકત ચકાસણી કરવા તથા ટ્રસ્ટી તરીકે પરવાનગી આપતાં ભવિષ્યમાં કોઇપણ પ્રકારના અનિચ્છનીય બનાવો બને તો તેના માટે જવાબદાર કોણ તે બાબતે ગરબાના આ ટ્રસ્ટીઓ ને પરવાનગી આપતાં પહેલાં ચેરિટી કમિશનર દ્વારા વર્ષ 2025 થી 2027 માટે ચેરિટી કમિશનરમાથી તેઓની ટ્રસ્ટી તરીકે ની નિમણુંક ને મંજૂરી આપવામાં આવી હોય તો તેને લગતા હૂકમની ખરાઇ કરવા અને હકિકત તેઓએ છૂપાવેલી હોય તો તેવા સંજોગોમાં તેઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.વધુમા સમગ્ર ગરબાનું આયોજન ચેરીટી કમિશનર તથા પોલીસ વિભાગ ના હસ્તક લઈ કલેક્ટરની સૂચના મુજબ આયોજન કરવાની માંગ કરાઇ છે.


આ ટ્રસ્ટીઓની મુદત પૂરી થઈ છે
1.યનાઇટેડ વે ઓફ બરોડા
2.અમીત ગોરડિયા
3.શિવિન્દરસિંઘ ચાવડા
4.રાકેશ અગ્રવાલ
5.મિનેશ નટુભાઇ પટેલ
6.પ્રિતીબેન વિમલભાઇ પટેલ
7.પરેશ સરૈયા
8.ભરત પટેલ
9.સમીર આર.પરીખ
10.પિનાકીન શાહ
11.હેમંત પી. શાહ
12.અરવિંદ નારાયણ નોપાણી
13.શ્રીમતી હરનીલકૌર ચાવલા
14.કુંજલભાઇ લલિતભાઇ પટેલ
15.અતુલ હીરાભાઇ પટેલ


ભળતાં નામ સાથે બે સંસ્થામાં એક જ સરખા વ્યક્તિઓ ડાયરેક્ટર અને ટ્રસ્ટીઓ છે?*

ગરબામાં યુનાઈટેડ વડોદરા ફાઉન્ડેશન નામની સેક્શન -8 કંપની જે *’નોટ ફોર પ્રોફિટ’* કંપની છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની જ નથી. તેમ છતાં ‘મેનેજ્ડ બાય’ શબ્દ લખી છેતરપિંડીનું કૃત્ય કર્યુંના આક્ષેપ છે. યુનાઇટેડ વે ઓફ બરોડા સંસ્થાના નાણાં આશરે રૂ.50,00,000 યુનાઇટેડ વડોદરા ફાઉન્ડેશન નામની કંપનીમાં નાખી યુનાઈટેડ વે ઓફ બરોડા સંસ્થાના ફંડની ઉચાપત પ્રથમ દર્શનીય જણાતી હોય આ વર્ષે પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થઇ રહ્યું છે. જેથી આ સંસ્થાના નાણાં મેનેજ્ડ બાય યુનાઈટેડ બરોડા ફાઉન્ડેશન લખી કે જે બંને સંસ્થામાં એક જ સરખા વ્યક્તિઓ ડિરેક્ટર અને ટ્રસ્ટી છે. આમ સમાંતર નામ ધરાવતી સંસ્થાઓ દ્વારા ખેલૈયાઓને ગુમરાહ કરી નાણાં યુનાઈટેડ વે ઓફ બરોડા ના બદલે સમાંતર નામ ધરાવતી સંસ્થામાં ટ્રાન્સફર ન કરવામાં આવે તે અંગેની અરજી પણ શહેર પોલીસ કમિશનર ને કરવામાં આવી છે.

Most Popular

To Top