Sports

યુએસ ઓપન : રાડુકાનુ, ઓસાકા અને વિનસ પહેલા રાઉન્ડમાં હારીને આઉટ

ન્યૂયોર્ક : યુએસ ઓપન (US Open) ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં દિગ્ગજ વિનસ વિલિયમ્સે સતત બીજીવાર પ્રથમ રાઉન્ડમાં (Round) હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન એમ્મા રાડુકાનુ અને મહિલા સિંગલ્સમાં અન્ય માજી ચેમ્પિયન નાઓમી ઓસાકા પણ પ્રથમ રાઉન્ડમાં હારીને આઉટ (Out) થઇ ગઇ હતી.

જૂનમાં પોતાનો 42મો જન્મદિવસ ઉજવનાર વિનસને આર્થર એસેસ સ્ટેડિયમમાં સીધા સેટમાં હારવા દરમિયાન તેની નાની બહેન સેરેના અને સાત વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન જેટલું પ્રેક્ષકો તરફથી સમર્થન મળ્યું નહોતું. મંગળવારે રમાયેલી મેચમાં વિનસ એલિસન વાન યુટવાન્ક સામે 6-1, 7-6 (5) થી હારી ગઈ હતી. સેરનાએ નિવૃત્તિ લેવાની વાત કરી છે, જ્યારે વિનસે હજુ સુધી આવો કોઈ સંકેત આપ્યો નથી. વિનસ 2020 પહેલા ક્યારેય યુએસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ન હતી. તેણે ગયા વર્ષે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો ન હતો. દરમિયાન, રાડુકાનુ પ્રથમ રાઉન્ડમાં હારનાર માત્ર ત્રીજી યુએસ ઓપન ચેમ્પિયન બની હતી. તેને એલિસ કોર્નેટે 6-3, 6-3થી હરાવી હતી.

રાદુકાનુએ ગયા વર્ષે યુએસ ઓપનમાં ક્વોલિફાયર તરીકે ભાગ લીધો હતો અને તે ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી પરંતુ આ વખતે તે કોર્નેટની સામે જીતી શકી નહોતી. યુએસ ઓપનમાં બે ટાઇટલ જીતનાર ઓસાકા પણ સીધા સેટમાં પરાજય પામી હતી. મધ્યરાત્રિ પછી સમાપ્ત થયેલી મેચમાં તેને ઓસ્ટ્રેલિયન ઓપનની રનર-અપ ડેનિયલ કોલિન્સે 7-6, 6-3થી હરાવી હતી. વિમેન્સ સિંગલ્સમાં હવે વાન યુટવાન્કનો મુકાબલો ક્લેરા બુરેલ સામે થશે, જેણે વિમ્બલ્ડન ચેમ્પિયન એલેના રિબાકીનાને 6-4, 6-4થી હરાવી હતી.

2017ની ચેમ્પિયન સ્લોએન સ્ટીફન્સ, નંબર વન ઇંગા સ્વીટેક, છઠ્ઠી ક્રમાંકિત આર્યના સબાલેન્કા, આઠમી ક્રમાંકિત જેસિકા પેગુલા, નવમી ક્રમાંકિત ગાર્બાઈન મુગુરુઝા, 13મી ક્રમાંકિત બેલિન્ડા બેન્સીક અને 22મી ક્રમાંકિત કેરોલિના પ્લિસ્કોવા પણ આગળ વધી છે.

Most Popular

To Top