Charchapatra

મોંઘવારી ભથ્થાના વધારા કયાં સુધી?

કેન્દ્રની મોદી સરકારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓને ૧૭ ટકા મોંઘવારી ભથ્થું વધારીને ગયા માસે ૧૧ ટકાના વધારા સાથે ૨૮ ટકા ચુકવવાની જાહેરાત કરી અર્થાત્ ૧ લાખના પગારદાર સરકારી કર્મચારીને પગાર સાથે ૨૮ હજાર તો માત્ર મોંઘવારી ભથ્થાના મળશે! આની સામે કરોડો ખાનગી નોકરિયાતોને શું મળશે? એ તો બિચારા ૧૦/૧૫ કે ૨૦ હજાર માત્ર પગાર મેળવે છે. એમને કોઇ શેઠિયો ૫૦૦ રૂા. પણ મોંઘવારી ભથ્થું નથી આપતો, છતાં આ કરોડો લોકો જીવે છે, કારણ કે એમની તરફે કોઇ બોલતું નથી! સરકાર આ કરોડો ખાનગી નોકરિયાતોના ભોગે જ સરકારી કર્મચારીઓને બખ્ખા કરાવે છે.

કેમ કે જે વધારો ચુકવાય છે તેને સરભર કરવા સરકાર પેટ્રોલ-ડીઝલના અને રેલવે ભાડાં વધારે છે. જેનો સીધો માર સામાન્ય માનવીને જ પડે છે. સરકારે વિચારવું જોઇએ કે ૧૦/૧૫ કે ૨૦ હજાર કમાનાર જો જીવે છે તો ૭૦/૮૦ હજાર કે લાખ રૂા. ના પગારદાર સરકારી કર્મચારીને જ મોંઘવારી લાગે છે? મોંઘવારી સ્થિર કરવા માગતી હોય તો કર્મચારીઓના પગાર / ભથ્થા સ્થિર કરે એ જરૂરી છે. પરંતુ સરકારમાં આવડત દેખાતી નથી. ચોથા વર્ગના કર્મચારીને ય આજે ગ્રેજયુએટ યુવાન કરતાં વધુ પગાર મળે છે. કોઇ સરકારી કર્મચારી ભૂખે મરતો દેખાય છે? અરે રીટાયર્ડ થયા પછી યે આ લોકો એ.સી. માં રહે છે. સુરત     -જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top