વડોદરા તા.15
મસાજ કરવાના બહાને મેડિકલ ઓફિસરને હની ટ્રેપમાં ફસાવી એક લાખ રૂપિયા પડાવનાર દંપતિના વધુ એક દિવસના રિમાન્ડ ગોત્રી પોલીસે મેળવ્યા છે. જ્યારે અન્ય બે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
મંજુસરની કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરતા ડોક્ટરને એક મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે તબીબે રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે ચેટિંગ શરૂ થઈ હતી જેમાં મહિલાએ તબીબને પોતાનો મોબાઈલ નંબર આપી હું મસાજ નું કામ કરું છું. જેથી મેડિકલ ઓફિસર મહિલાના ગોત્રી વિસ્તારમાં આવેલા મકાનમાં મસાજ માટે ગયો હતો ત્યારે મહિલા એકલી હતી. મહિલા તબીબને જેવી બેડરૂમમાં લઇ ગયા બાદ જેવા તેઓ કપડાં કાઢ્યા કે તુરંત જ બે શખ્સો દોડી આવ્યા હતા અને પોલીસ ઓળખ આપી તરે પોલીસ કેસમાં ફસાવવું ન હોય તો રુ.10 લાખ આપવા પડશે તેમજ કહી તેમને ઘરે લઈ જઈ એટીએમ દ્વારા ઉપાડી એક લાખ બંને આપ્યા હતા. ત્યારબાદ તેમને હજુ એક લાખ આપવા પડશે નહિ આપે તો તને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની તથા તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મેડિકલ ઓફિસરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યોગેશ ભરતસિંહ લબાના તેની પત્ની જાગૃતિ ઉર્ફે જુહી લબાના, સન્ની રાજૂ બારોટ અને અનિલ મનહર બારોટને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા હતા. ચારેયના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. જોકે સોમવારે રિમાન્ડ પૂરા થતાં તમામ આરોપીઓને કોર્ટમાં ફરી રજૂ કરતાં કોર્ટે સન્ની બારોટ અને અનિલ બારોટને સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા. જ્યારે દંપતિના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.