- એક જ પ્રકલ્પનું બે વખત ખાતમુહૂર્ત કરવાની ફરજ કેમ પડી?
- પ્રથમ તબક્કામાં 27 કીમીનો રિંગ રોડ નિર્માણ પામશે
વડોદરા શહેરની ફરતે 66 કીમીનો રિંગરોડ બનાવવાનું આયોજન છે. જેમાં પ્રથમ તબક્કાના રોડ બનાવવાની કામગીરીનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો. આ કામનું ખાતમુહૂર્ત થોડા જ દિવસો અગાઉ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરી ગયા હતા. તો શનિવારે આ કામગીરીનું પુનઃ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારે એક જ કામના બે બે વખત ખાતમુહૂર્ત કરવાની જરૂર શું પડી તેવી ચર્ચાએ શહેરમાં ભારે જોર પકડ્યું છે.
શહેરના ટ્રાફિકને ધ્યાનમાં રાખી ચારેય તરફ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફ રિંગ રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 66 કીમીના આ રિંગ રોડ માટે 317 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તાજેતરમાં જ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ વડોદરા ખાતે આવ્યા હતા અને તેઓએ આ કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. 317 કરોડના રિંગ રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયા બાદ શનિવારે પુનઃ આ જ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, મેયર પિંકી સોની, ભાજપાના શહેર પ્રમુખ ડો. વિજય શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, તેમજ સ્થાનિક સરપંચો ઉપસ્થિત રહ્યા હતા ખટંબા અને સામિયાલા પાસેથી આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રથમ તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ એમ બે વિસ્તારને જોડતો રિંગ રોડ બનાવવામાં આવશે. જેમાં પૂર્વ વિસ્તારમાં 10.60 કિમિ જે ગોરવાને જોડવા માટે આજવા રોડ તેમજ ડભોઇ રોડથી નિર્માણ થશે તો પશ્ચિમ વિસ્તારમાં કોયલી થી પાદરા સુધીનો 16 કીમીનો માર્ગ તૈયાર કરવામાં આવશે. જે કામનો પ્રારંભ શનિવારથી કરવામાં આવ્યો. આ કામગીરી આગામી 2 – 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે તેમ દંડક બ્લુ શુક્લએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્ય પ્રધાન જયારે એક વખત કોઈ કામનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરો દેતા હોય તો પછી સ્થાનિક નેતાગીરીએ બીજી વખત ખાતમુહૂર્ત કરવાની શું જરૂર પડી? આગામી લોકસભાની ચૂંટણીમાં લોકોને આકર્ષવા માટે એક જ કામ બે બે વખત બતાવવામાં આવી રહ્યા છે કે કેમ તેવી પણ ચર્ચા હાલ નગરમાં ચાલી રહી છે.