SURAT

મિનીએચર કલાકૃતિઓનો સંગ્રહ છે અનોખો, યાદગીરી છે જીવનભરની

દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કળા છુપાયેલી હોય છે. જો તેને સમય રહેતા તરાશવામાં આવે તો તે વ્યક્તિ ઇન્ડિયા કે લિમ્કા કે ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન પામે છે. સુરતમાં બહુ ઓછા એવા આર્ટિસ્ટ છે જે મિનીએચર આર્ટમાં પાવરધા છે. પેન્સિલની અણી પર કે ચોખાના દાણા પર એફિલ ટાવર બનાવવો કે પછી શિવલિંગ બનાવવું નાના બાળકોના ખેલ નથી. પણ સુરતમાં રહેતા પવનકુમાર શર્મા એક એવા વિરલ કલાકાર છે જેઓએ મોતી, સોંય, પેન્સિલની લેડ, સોપારી પર મિનીએચર આર્ટથી આંખોને આંજી દે તેવી 0.5 એમ.એમ. થી 20 એમ.એમ.ની યુનિક કલાકૃતિઓ તૈયાર કરી છે.

લોકોને સોયનું કાણું નરી આંખે પણ માંડ દેખાય તેવા કાણામા દોરો પીરવવો મુશ્કેલ લાગે છે ત્યારે આ વિરલ કલાકારે સોંયના કાણામાં રહેલી જગ્યામાં ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે. કાપડના ધંધા સાથે જોડાયેલા આ કલાકારે મિનીએચર આર્ટનો શોખ પૂરો કરવા રવિવારની રજાની મજાને બાજુ પર મૂકી છે તો સવારે જ્યારે લોકો મીઠી નીંદર માણતા હોય ત્યારે તેઓ વિદ્યાર્થીઓએ ફેંકી દીધેલા પેન્સિલના ટુકડામાંથી અનોખી કલાકૃતિ બનાવતા હોય છે. પવનકુમાર શર્માને મિનીએચર આર્ટનો શોખ કઈ રીતે જાગ્યો? તેમની કઈ મિનીએચર કલાકૃતિ માટે રેકોર્ડ બન્યો? તેમના સંગ્રહસ્થાનમાં કેટલી કલાકૃતિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે? તે આપણે તેમના શબ્દોમાં જાણીએ.

બાળપણમાં નિરમા પાઉડરની કોથળી અને ઝાડુની સળીથી બનાવ્યો પતંગ
પવનકુમારે જણાવ્યું કે, મારું બાળપણ રાજસ્થાનમાં વીત્યું છે. ગામમાં હું કોઈની ઘડિયાળ બગડી ગઈ હોય તો તે રીપેર કરી આપતો. એકવાર નિરમા વોશિંગ પાઉડરની કોથળી અને ઝાડુની સળીથી પતંગ બનાવ્યો હતો. કોથળી પર ગુંદર ચોંટે નહીં એટલે કોથળીના નાના ટુકડાને પથ્થરના ઉપયોગથી ચોંટાડી પતંગ બનાવતો. સુરત આવીને વસ્યો ત્યારે અહીંના કાઈટ ફેસ્ટિવલને જોઈ મને પતંગ બનાવવામાં મિનીએચર આર્ટના ઉપયોગનો આઈડિયા આવ્યો. મેં એક M.M. થી લઈને 9 M.M. સુધીના 10થી 12 પતંગ બનાવ્યા. તેમણે જણાવ્યું કે મારા આર્ટની કદર મારા ઘરના લોકો મારી ક્લાકૃતિઓની પ્રસંશા કરીને કરે છે. હું જ્યારે નવી કલાકૃતિ બનાવતો હોવ ત્યારે મને ઘરનું કોઈ ડિસ્ટર્બ નથી કરતું. મારી આ કળા કોઈ બીજી વ્યક્તિ શીખવા માંગતી હોય ત્યારે તેને પણ શીખવાડું છું જેથી ભવિષ્યમાં પણ મારી આ કળા જીવંત રહે.

કલાકૃતિ આચ્છાદિત પાંદડાને સુકવવામાં પણ આર્ટ છે
પવનકુમાર શર્માએ જણાવ્યું કે, પીપળાના લીલા પાંદડા પર કાર્વિંગ કરીને 40 કલાકૃતિ બનાવી છે જેમાં જયશ્રી રામ, મહાત્મા ગાંધી, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, હનુમાનજી, મહારાણા પ્રતાપ, રતન ટાટા, મેક ઇન ઇન્ડિયાનો લોગો, આત્મ નિર્ભર ભારતનો લોગો બનાવેલ છે. આ પાંદડાને સુકાવવું પણ એક આર્ટ છે. કાર્વિંગ કરેલા પાનને એક ફાઈલમાં મૂકી દેવાય જેથી તેની નમી (ભીનાશ) કાગળ શોષી લે છે. ફરી બે દિવસ બાદ તેને કાગળના બીજા પાનાની અંદર મુકાય છે આમ, 15 દિવસમાં તે સુકાય છે.

પેન્સિલની અણી પર બંદૂક-તલવાર સહિત 150 કૃતિઓ બનાવી
પેન્સિલની અણી પર ગણેશજી, કમળનું ફૂલ, શંખ, બંદૂક, તલવાર, ચાકુ, કાંસકી, ભારતનો નકશો, એફિલ ટાવર, શર્ટના બટન, કુહાડી, વૉચ ટાવર, એરોપ્લેન, વર્લ્ડ કપની કલાકૃતિઓ બનાવી છે. ચોખાના દાણા અને મોતી પર શ્રી ગણેશ બનાવ્યા છે. રબર અને રેકઝીનથી 10 એમ.એમ.ના શૂઝ અને ચમ્પલ તો સોપારી પર A to Z આલ્ફાબેટ, પાણીની માટલી, ઓમ, સ્વસ્તિક, જવેલરી બોક્સ, રામમંદિર, શિવલિંગ, ઑડી ગાડીના લોગો, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અશોક સ્તંભની કલાકૃતિ બનાવી છે.

ઈસ્ત્રી અને હિટર ઉપયોગમાં લઇ શકાય છે
17 એમ.એમ.ની ઈસ્ત્રી એટલે કે આંગળીના ટેરવા પર આવી જાય એવી ઈસ્ત્રી વેસ્ટજ આઈટમ જેમકે, એલ્યુમિનિયમ, અબરખ, સ્ટેનલેસ સ્ટીલના તારમાંથી બનાવી છે. તે ડીસી પાવર 12 વોલ્ટ પર વર્ક કરે છે. બાર્બી ડોલના કપડાને તેનાથી ઈસ્ત્રી કરી શકાય. સ્ટેનલેસ સ્ટીલના તાર, ચીનાઇ માટીથી હિટર બનાવ્યું છે તે પણ વર્ક કરે છે.

પેન્સિલના ટુકડામાંથી ગણપતિ બનાવ્યા જેને ઇન્ડિયા બુક રેકોર્ડમાં સ્થાન મળ્યું
વિદ્યાર્થીઓ માટે નકામા બની ગયેલા પેન્સિલના ટુકડામાંથી 2 × 3 M.M.ના ગણપતિ બનાવ્યા. જેને ઇન્ડિયા બુક રેકોર્ડમાં સ્થાન મળ્યું. આ રીતે મારા મિનીએચર આર્ટને લોક ચાહના મળવા લાગી. તે બાદ તો મારા ઘણા રેકોર્ડસ ઇન્ડિયા બુક, લિમ્કા બુક અને ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યા. અત્યાર સુધીમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં 7 રેકોર્ડ, એશિયા બુકમાં એક, લિમ્કા બુકમાં 3, યુનિક વર્લ્ડમાં 3 અને OMG બુક ઓફ રેકોર્ડમાં એક રેકોર્ડ નોંધાયો છે.

Most Popular

To Top