કોરોનાના સમય પછી અને દક્ષિણની ફિલ્મો હિન્દી ક્ષેત્રમાં ઘણી કમાણી કરી ગઇ પછી નિર્માતાઓ હવે શાણા થયા છે. બહુ મોટા સ્ટાર્સનો આગ્રહ વિના તેઓ જૂદી રીતનું કાસ્ટિંગ કરે છે. આ કાસ્ટિંગમાં એવા અભિનેતાઓને હીરો તરીકે ફિલ્મો મળી રહી છે. જેની ધારણા જ ન હોય. ટોપ સ્ટાર્સ સાથે જેમને ખલનાયકની ભૂમિકા જ મળે તેવા હોય. હવે હીરો-હીરોઇન-વિલનવાળું સેટઅપ પણ નથી રહ્યું. કારણ કે એવી રોમેન્ટીક ફિલ્મો પણ નથી બનતી. આ બધા સંજોગોમાં સાઉથની અભિનેત્રીઓનો પણ ચાન્સ લાગી રહ્યો છે. ત્યાં તેઓ ટોપ પર હોય પણ હિન્દીમાં નવી અભિનેત્રી તરીકે કામ કરવા તૈયાર થઇ જાય છે. માલવિકા મોહનન એવી જ અભિનેત્રી છે અને તમિલ ફિલ્મોમાં તેનો દબદબો છે. મુંબઇની વિલ્સન કોલેજમાં તે માસ મિડીયા ભણી છે. તેના પિતા કે.યુ. મોહનન સિનેમેટોગ્રાફર હતા. ફેરનેસ ક્રીમની જાહેરાતમાં શૂટિંગ દરમ્યાન અભિનેતા મામુટ્ટી સાથ મળવાનું થયું અને તેમણે પટ્ટમ પોલ ફિલ્મમાં તેને રિયાની ભૂમિકા આપી. એ ફિલ્મનો હીરો મામુટ્ટીનો દીકરો દલકીર સલમાન હતો. દક્ષિણના નિર્માતાઓ દરેક નવી અભિનેત્રીના કામ પર નજર રાખતા હોય છે. એટલે માલવિકાને બીજી ફિલ્મો મળવા માંડી. 2017માં તો તેને બિયોન્ડ ધ ક્લાઉડ નામની હિન્દી ફિલ્મ પણ મળી. એ મજિદ મજિદા જેવા ઇરાનિયન દિગ્દર્શકની ફિલ્મ હતી. જે વિશાલ ભારદ્વાજે લખી હતી. માલવિકાનો હીરો ઇશાન ખટ્ટર હતો. જો રણબીર કપૂર, સલમાન, શાહરૂખની હીરોઇન હોય તો તરત ચર્ચામાં આવી જાય કારણ કે તે ફિલ્મના પ્રમોશનનો જ એક હિસ્સો હોય. ઘણી અભિનેત્રીઓ એ કારણે જ ટોપ સ્ટાર્સની ફિલ્મોમાં બે-ત્રણ દૃશ્ય માટે પણ તૈયાર થઇ જાય છે. માલવિકા માટે સારા દિગ્દર્શકની ફિલ્મમાં કામ કરવું મહત્ત્વનું હતું. તે સારા પર્ફોમન્સથી હિન્દી ફિલ્મોમાં પ્રવેશવા માંગતી નથી પણ આપણા ફિલ્મોદ્યોગનું એવું કે સફળ ફિલ્મના કળાકારને જ સ્ટાર ગણવા. માલવિકા આમા શું કરી શકે. માલવિકા આવો અનુભવ સાઉથમાં પણ કરી ચૂકી છે પણ તેણે વૈવિધ્ય જાળવ્યું છે. એક ફિલ્મમાં તે બેલે ડાન્સર હતી તો બીજીમાં આદિવાસી યુવતી પણ એમ કરતાં જ તે પ્રશંસા મેળવતી થઇ છે. •
હિન્દીમાં મજિદ મજિદોની ફિલ્મ સાથે જ તેણે ધોબીઘાટમાં તારા નામની ગરીબ યુવતીની ભૂમિકા ભજવેલી. બિયોન્ડ ધ ક્લાઉડ માટે તો દીપિકા પાદુકોણે અને કંગના રણૈાતે ઓડીશન આપેલો પણ પસંદ થયેલી માલવિકા. •
- માલવિકા મોહન કેમેરા સામે એકદમ નેચરલ રહે છે અને પોતાના પાત્રમાં સ્વાભાવિક રહી કામ કરે છે. આ કારણે જ રજનીકાંત, વિજય સેતુપથી અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત પેટ્ટામાં તેને ભૂમિકા મળેલી. એ તેની પહેલી જ તમિલ ફિલ્મ હતી અને તમિલ ભાષાના ટ્યૂટર રાખીને તે તમિલ શીખેલી. તેની આ મહેનતને પરિણામે જ તમિલ એક્શન થ્રીલર માસ્ટર મળેલી જેમાં તે ચારુલતા નામની કોલેજ લેક્ચરરની ભૂમિકામાં હતી. 2022માં તે ધમુન સામે મારનમાં આવી હતી. અત્યારે તે તમિલ ફિલ્મ થંગાલનમાં વિક્રમ સામે કામ કરે છે જે એક ઐતિહાસિક વિષય ધરાવતી એક્શન ફિલ્મ છે. રાજાસાબ નામની ફિલ્મમાં તે પ્રભાસ સાથે આવી રહી છે.
યુધ્રા ફિલ્મમાં માલવિકા મોહનનું હોવું ઘણાની નજરે ચડશે કારણ કે એ ફિલ્મ ફરહાન અખ્તર નિર્માતા તરીકે બનાવી રહ્યો છે. તેણે જ આ ફિલ્મ લખી પણ છે. સિધ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ જેવા સહઅભિનેતા છે. આ ફિલ્મમાં હાર્ડકોર એક્શન અને રોમાન્સ દર્શાવાશે. માલવિકા આ ફિલ્મ માટે ઘણી ઉત્સાહિત છે. અત્યારે હિન્દી ફિલ્મો નવી અભિનેત્રીઓ ઇચ્છે છે. જો માલવિકા કોઇ ફેશનેસ ઉમેરે તો મહત્ત્વનું ઉમેરણ ગણાશે. સાઉથથી રશ્મિકા મંદાના, પ્રિયમણી, નયનતારા વગેરે આવી છે. તેમાં માલવિકા મોહનન વધુ થશે. હિન્દી ભાષા સાથે તે એકદમ કમ્ફર્ટ છે તેથી તેનો આત્મવિશ્વાસ પણ જૂદો હશે. આ વર્ષમાં તે કયો રંગ ભરે તેની રાહ જોઇએ.