Vadodara

“માંડવી દરવાજો માત્ર ઈમારત નહીં પરંતુ વડોદરાની ઓળખ છે, તેની જાળવણી આપણી સામૂહિક ફરજ છે”: રાધિકારાજે

મહારાણી રાધિકા રાજે ગાયકવાડે માંડવી દરવાજાની મુલાકાત લઈ ઐતિહાસિક ઇમારત બચાવવા પહેલ કરી

વડોદરા: શહેરના જાગૃત નાગરિકો દ્વારા શરૂ કરાયેલી માંડવી દરવાજા રેસ્ટોરેશનની માંગના પગલે મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ સ્થળ મુલાકાત લઈ પુરાતત્વવિદો અને હેરિટેજ કમિટીના સભ્યો સાથે ચર્ચા કરી દરવાજો બચાવવાની ઝુંબેશને સમર્થન જાહેર કર્યું હતું.



વડોદરાની ઇતિહાસિક ધરોહર “માંડવી દરવાજા”ના કાંગરા ખસ્યા બાદ શહેરમાં આ હેરિટેજ ઈમારતના સંરક્ષણ માટે જાગૃતિ લાવનાર મુહીમ આજે વધુ મજબૂત બની રહી છે. વિઠ્ઠલ મંદિરના પુજારી હરિ ઓમ વ્યાસે દરવાજાના રેસ્ટોરેશનની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતું. તેમની આગેવાનીમાં કરાયેલા વિરોધ પ્રદર્શન બાદ હવે રાજકીય અને સામાજિક સ્તરે પણ પ્રશ્ન ગંભીરતાથી લેવાઈ રહ્યો છે.

ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ બાદ આજે વડોદરાના રાજવી પરિવાર તરફથી મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ માંડવી દરવાજાની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં જઈ અને હરિ ઓમ વ્યાસ સહિત હેરિટેજ કમિટીના સભ્યો તથા આરક્યોલોજિસ્ટ સાથે વિસ્તૃત ચર્ચા કરી. તેમણે કહ્યું કે, “આ દરવાજો માત્ર ઈમારત નહીં પરંતુ વડોદરાની ઓળખ છે. તેની જાળવણી આપણી સામૂહિક ફરજ છે.” પુજારી હરિ ઓમ વ્યાસે જણાવ્યું કે, “અમે માત્ર રિસ્ટોરેશન નહીં, પણ સતત જાળવણીની વ્યવસ્થા પણ માંગીએ છીએ. આ અમુલ્ય ઇતિહાસે આગામી પેઢી સુધી ટકી રહેવું જોઈએ.”



માંડવી દરવાજા રેસ્ટોરેશન મામલે હવે એક વિશેષ પેનલની રચના કરી તેના ટેક્નિકલ એસેસમેન્ટ માટે એક્સપર્ટ્સની મદદ લેવામાં આવશે. મહારાણી રાધિકા રાજે ગાયકવાડે અંતે જણાવ્યું કે, “આપણી ધરોહર માટે હવે દરેક નાગરિકે એલર્ટ રહેવું જરૂરી છે.”

Most Popular

To Top