Vadodara

મહાશિવરાત્રી પર્વે સંસ્કારી નગરી બન્યું શિવમય, વિવિધ ભોલેનાથના મંદિરો ભક્તોના ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા

શ્રધ્ધાળુઓએ બિલીપત્ર,ધતૂરાના ફૂલ, દૂધ, દહીં,ફૂલ, ફળ,શક્કરીયાં, કાળા અડદ,લીલા મગ,મધ સહિતની વસ્તુઓ સાથે ભગવાન ભોળાનાથની પૂજા કરી

(પ્રતિનિધિ) વડોદરા તા.26

બુધવારે મહાશિવરાત્રિ પર્વની સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે સંસ્કારી નગરી વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં આવેલા શિવજી મંદિરોમાં વહેલી સવારથી જ બમ બમ ભોલે,હર હર મહાદેવ ના જયનાદ સાથે ભક્તોએ ભોલેનાથની પૂજા કરી હતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

બુધવારે મહાશિવરાત્રિ પર્વે સંસ્કારી નગરી વડોદરાના ભક્તો શિવમય બન્યા હતા.ભગવાન શિવ એ જીવ માત્રનું કલ્યાણ કરનાર છે આપણા હિન્દુ ધર્મમાં, શાસ્ત્રોમાં વિવિધ દેવી દેવતાઓના વર્ણન જોવા મળે છે જેમાં દરેક દેવ અને દેવીઓની વિવિધ સવારી બતાવવામાં આવી છે પરંતુ ભગવાન શિવ એક માત્ર એવા દેવ છે જેઓ પત્થર પર આસન જમાવીને બેસે છે તેથી જ તેઓ પૃથ્વી પરના દેવતા પણ કહેવાય છે. જગતના કલ્યાણ માટે તેમણે હળાહળ વિષને પણ ધારણ કર્યું હતું.ભગવાન શિવ ભક્તો પર ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે તેઓ શુધ્ધ ભાવથી જળના અભિષેક માત્રથી પણ ભક્તો પર કૃપા વરસાવે છે ત્યારે બુધવારે મહાશિવરાત્રિ પર્વે સંસ્કારી નગરી વડોદરા શહેરના વિવિધ શિવાલયોમાં તેમજ જિલ્લામાં પણ પૌરાણિક શિવાલયોમાં વહેલી સવારથી શ્રધ્ધાળુઓએ ભગવાન ભોળાનાથની વિવિધ રીતે પૂજન કર્યું હતું તેમજ દર્શન કર્યા હતા.ઘણા મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યા હતા . સંસ્કારી નગરી વડોદરા શહેરમાં સાંજે પ્રતાપનગર વિસ્તારમાં આવેલા રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સુવર્ણ જડીત શિવ પરિવારની શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.શહેર પોલીસ પ્રશાસન, ટ્રાફિક પોલીસ, સહિતના ફાયરબ્રિગેડ ની ટીમ, આરોગ્ય શાખાની ટીમ તથા વીજ કંપનીના કર્મચારીઓ સતત ખડેપગે રહી શિવજી કી સવારી કાર્યક્રમ સફળ રીતે પાર પડે તે માટે ફરજ બજાવી હતી.

વડોદરા શહેરથી 25 કિલોમીટર દૂર આવેલા ભીલાપુર ખાતે પૌરાણિક સંગમેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે મહાશિવરાત્રી પર્વ છે ભગવાન ભોલેનાથની રાત્રિ ચાર પ્રહરની પૂજા કરી ભગવાન શિવની આરાધના સાથે તેમની કૃપા પામવાનો પર્વ છે.મહાશિવરાત્રી પર્વની દેશ દુનિયામાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરથી આશરે 25 કિલોમીટર દૂર ડભોઇ જવાના માર્ગે આવેલા ભીલાપુર ખાતે દેવ અને ઢાઢર નદીના સંગમ તટે શ્રી સંગમેશ્વર મહાદેવ નું પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ અહીં મંદિરમાં આવેલું છે.અહી બાપી મહરાજની કૃપા અને નિશ્રામાં જંગલો અને ખેતરો વચ્ચે કુદરતી સૌંદર્યમય વાતાવરણમાં અહીં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે અહીં મેળો લાગે છે અહીં આસપાસના ગ્રામ્યના શ્રધ્ધાળુઓ જ નહીં પરંતુ વડોદરા શહેર જિલ્લા, ગુજરાત રાજ્ય ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતનાં દૂર દૂરથી શ્રધ્ધાળુઓ આવે છે અહીં ભોળાનાથ સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તેવી શ્રધ્ધાળુઓની આસ્થા છે.સાથે જ લોકો બાપી મહારાજના આશીર્વાદ કૃપા માટે આવતા હોય છે.અહી લોકવાયકા મુજબ પાવાગગઢના પતઇ રાજા માતાજીના શાપ થી પત (એક ચર્મરોગ) થી પીડિત હતો તેણે મહાદેવની કૃપાથી દેવ ઢાઢર નદીમા સ્નાન કરી કિનારે સંગમેશ્વર મહાદેવ ની પૂજા તપસ્યા કરતા તેનું પત રોગ નષ્ટ થયું હતું. અહીં મહાશિવરાત્રી ની આગલા દિવસથી જ દૂર દૂરથી ભક્તો આવી પહોંચ્યા હતા. આશરે 550 વર્ષ પૌરાણિક આ મંદિર હોવાનું જાણવા મળ્યું છે જો કે હકીકતમાં કોણે અને ક્યારે આ શિવલિંગ ની સ્થાપના કરાઇ હતી તે વિશે અહીં વૃધ્ધોને પણ જ્ઞાત નથી.આજે મહાશિવરાત્રી પર્વે અહીં 25000રુદ્રાક્ષની માળાથી, ફૂલોથી મંદિર સજાવવામાં આવ્યું હતું.અહી ભકતો માટે ફળાહાર મહાપ્રસાદીનું તેમજ ભાંગ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ અંગે બાપી મહારાજે વિસ્તૃત માહિતી આપી હતી.

Most Popular

To Top