(પ્રતિનિધિ), વડોદરા. તા.13
વડોદરા શહેરની ધાર્મિક આસ્થા અને પવિત્રતાને જાળવી રાખવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 15 મી ફેબ્રુઆરી 2026, રવિવાર ના રોજ સમગ્ર દેશમાં ‘મહાશિવરાત્રી’ ના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવનાર છે. આ પવિત્ર દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતા અને વેપારીઓ માટે વિશેષ સૂચના જારી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અને ધાર્મિક પર્વોની મર્યાદાને ધ્યાનમાં રાખીને, મહાશિવરાત્રીના દિવસે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાનાઓ (Slaughterhouses) સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. પાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં માંસ, મચ્છી, ચિકન તેમજ સી-ફૂડનો વ્યવસાય કરતા નાના-મોટા તમામ વેપારીઓને જાણ કરવામાં આવે છે કે, 15 ફેબ્રુઆરીના રોજ તેઓએ પોતાનો વ્યવસાય સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો રહેશે. આ પવિત્ર દિવસે શહેરમાં કોઈપણ સ્થળે માંસ-મચ્છીનું વેચાણ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આ દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ કરવામાં આવશે. જો કોઈ વેપારી આ જાહેર સૂચનાનું ઉલ્લંઘન કરતા જણાશે, તો વડોદરા મહાનગરપાલિકાના નિયમો અનુસાર તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ વેપારી ભાઈઓને આ ધાર્મિક પર્વની ગરિમા જાળવવા અને પાલિકાના તંત્રને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.