મતદારો સાથે ગદ્દારી કરતાં નેતાઓને પ્રજાએ રાજકારણ ભૂલાવી દેવું જોઇએ

સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરે સત્તાવાર રીતે કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટર વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે આજે તમામ આપ નેતાઓને વિધિવત પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા. પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ઋત્વિજ પટેલ પણ સામેલ થયા હતા. તેમણે આપના કોર્પોરેટરને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર રૂતા દૂધાતરાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ મારા પર અત્યાચાર કર્યો છે.

આ અત્યાચાર કરનારા તમામ સામે ફરિયાદ કરીશ. બીજા કોર્પોરેટર ભાવના સોલંકીએ કહ્યું હતું કે, ચૂંટણી પહેલાં અમારામાં આમ આદમી પાર્ટી પ્રત્યે ઉત્સાહ હતો. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે પાર્ટી દલિત અને એસટી સમાજને પછાત ગણે છે. આ સમાજના કાર્યકરો સાથે ભેદભાવ ભર્યું વર્તન થાય છે. કોર્પોરેટર જ્યોતિકા લાઠિયાએ કહ્યું હતું કે, અમે પૈસા લીધા હોય તો સાબિત કરી બતાવો. અમે દબાણને કારણે કંટાળીને પક્ષ છોડ્યો છે. અમારી પર દરેક વસ્તુ કેવી રીતે કરવાની તેનું દબાણ કરવામાં આવતું હતું.મનિષા કુકડિયાએ કહ્યું હતું કે અમે કોઈ લોભ અને લાલચથી ભાજપમાં નથી ગયા પણ શહેરના વિકાસ માટે જ ગયાં છીએ. અમે જનતાની સાથે જ છીએ.

આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ગંભીર આક્ષેપો કરતાં કહ્યું હતું કે, પૈસાની લાલચથી કોર્પોરેટરો ભાજપમાં જોડાયાં છે. વિપુલ મોવલિયા ભ્રમિત કરીને કોર્પોરેટરોને ભાજપમાં લઈ ગયો છે. કોર્પોરેટરો પર દબાણ કરવામાં આવતું હતું. સી.આર.પાટીલના બે મળતીયાઓએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પૈસા આપ્યાં છે. આવા આયારામ ગયારામની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. અહીં માત્ર આમ આદમી પાર્ટી એટલે કે એક પાર્ટીની વાત નથી. દરેક પાર્ટીમાં આવા નેતાઓ હોય છે જેને મતદારો ખોબા ભરી ભરીને મત આપે છે પરંતુ તેઓ આ મતદારો સાથે જ ગદ્દારી કરીને આર્થિક કારણસર અથવા તો પદ અને પ્રતિષ્ઠા માટે અન્ય પાર્ટીમાં જોડાઇ જાય છે. હવે સુરતની જ વાત કરીએ તો અહીં સ્થાનિક કક્ષાએ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસ પાર્ટી અને ભાજપ બંને સબક શિખવવા માટે સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ ધરાવતાં વિસ્તારોમાં મતદારોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂકીને તેમને જીતાડ્યા હતાં. આ ઉમેદવારોએ પાર્ટી નહીં પરંતુ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

કારણ કે, તેમને પાર્ટીએ નહીં પરંતુ મતદારોએ જીતાડ્યા હતાં. નગરસેવક તો નાની વાત છે પરંતુ ધારાસભ્યો અને સાંસદો પણ મતદારોની પીઠમાં ખંજર મારતા અચકાંતા નથી. તેમને વાંધો પાર્ટી સાથે હોય તેમાં મતદારોનો શું વાંક? હવે પંજાબની જ વાત કરીએ તો કેપ્ટન અમરિંદરસિંગને કોંગ્રેસે પ્રદેશમાં જે બે મુખ્યપદ હોય તે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંને તેમના કાર્યકાળ દરમિયાન આપ્યા હતાં તો પણ તેમને પાર્ટીએ અન્યાય કર્યો હોય તેવું લાગતું હતું. કોઇ વ્યક્તિ કોઇ પાર્ટી પસંદ કરે ત્યારે ન્યાય કે અન્યાય જોઇને નહીં પરંતુ તેની વિચારધારા જોઇને પસંદ કરે છે. જો પાર્ટીની વિચારધારા બદલાઇ અને પક્ષ છોડવાની નોબત આવે તો બરાબર છે પરંતુ કોઇ પદ કે પ્રતિષ્ઠાના કારણે પાર્ટી છોડીને મતદારો સાથે અન્યાય કરે તે કોઇકાળે સાંખી લેવાઇ તેમ નથી. એટલે આવા આયારામ ગયારામોને પ્રજાએ એવો સબક શિખવવો જોઇએ કે રાજકારણનું નામ લેતા પણ ભૂલી જાય.

Most Popular

To Top