Vadodara

મંગળ બજારમાં પાલિકાની કડકાઈ સામે ‘મહિલા શક્તિ’નો મોરચો

મારી જ લારી કેમ?” ના આક્ષેપ સાથે રસ્તા વચ્ચે મોપેડ આડી નાખી​

દબાણ શાખાની ટીમ અને લારીધારક મહિલા વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા; ગરીબ પરિવારની મહિલાના આક્રંદથી ભરચક બજારમાં અફરાતફરી

વડોદરા શહેરના સૌથી ભરચક અને વેપારી મથક ગણાતા મંગળ બજાર વિસ્તારમાં શુક્રવારે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. શહેરના માર્ગો પર વધતા જતા દબાણોને દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. ખાસ કરીને એક મહિલા લારીધારક અને પાલિકાના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બની ગયું હતું.
દબાણ શાખાની ટીમે જ્યારે મંગળ બજારમાં નાના-મોટા દબાણો હટાવવાનું શરૂ કર્યું, ત્યારે એક મહિલાની લારી કબજે કરવામાં આવી હતી. પોતાની રોજીરોટી છીનવાતી જોઈ મહિલાએ આક્રમક વલણ અપનાવ્યું હતું. મહિલાએ પોતાની મોપેડ મહાનગરપાલિકાના ટ્રેક્ટરની આગળ આડી ઊભી રાખી દીધી હતી અને પાલિકાના વાહનને આગળ વધતું અટકાવ્યું હતું.
મહિલાએ રડતા અવાજે પાલિકાના અધિકારીઓ પર પક્ષપાતનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “વારંવાર મારી જ લારી કેમ કબજે કરવામાં આવે છે?” મહિલાએ પોતાની પારિવારિક સ્થિતિ અને બીમારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેના સંતાનોને તકલીફ છે અને તેની પાસે દંડ ભરવાના પૈસા નથી. વિરોધ દરમિયાન મહિલાએ રોષે ભરાઈને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને લારી છોડાવવા માટે રસ્તા પર જ બેસી ગઈ હતી.
જોકે, દબાણ શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે દબાણ દૂર કરવા અનિવાર્ય છે. મંગળ બજારમાં ગ્રાહકોની ભારે ભીડ રહેતી હોય છે, તેવામાં લારી-ગલ્લાઓના કારણે અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. લાંબો સમય ચાલેલી બોલાચાલી અને વિરોધ બાદ પણ પાલિકાની ટીમે કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી હતી.
આ ઘટનાને પગલે મંગળ બજારમાં થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોમાં આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જેમાં કેટલાક લોકો દબાણ હટાવવાની કામગીરીને યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક ગરીબ લારીધારકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે.

Most Popular

To Top