મંગળનું ધન રાશિમાં પરિભ્રમણ : 5 રાશિના જાતકો માટે સંઘર્ષપૂર્ણ સમયના સંકેત

માથાફરેલ, હઠાગ્રહી, લડાયક ખમીરવાળો, હાર કબૂલ ન કરનાર પણ હાથમાં લીધેલું કુશળતાથી કામ પાડનાર, ભવિષ્યની ચિંતા કર્યા વિના આજે તો મોજ કરી લો એવી માનસિકતા ધરાવનાર માણસ જુઓ તો એવું માનવું કે તેના પર મંગળનો પ્રભાવ છે. મંગળ માનવીને સાહસિક અને મહત્ત્વાકાંક્ષી પણ બનાવે છે. ગાંધીજીની કુંડળીમાં લગ્નસ્થાનમાં એટલે કે પહેલા સ્થાનમાં સ્વગૃહી શુકની સાથે મંગળ હતો. લગ્નેશ અને મંગળના સંબંધવાળો માણસ નિર્ભય અને સાહસિક થાય છે. ગાંધીજી પણ નિર્ભય, સાહસિક અને મકકમ મનના હતા. મોરારજીભાઈ દેસાઈની કુંડળીમાં લગ્નેશ બુધ આઠમા ભાવમાં હતો અને મંગળ પણ ઉચ્ચમાં થઈ આઠમા ભાવમાં હતો. આમ લગ્નેશ અને મંગળનો સંબંધ હતો. મોરારજીભાઈ પણ ગાંધીજીની માફક નિર્ભય મકકમ મનોબળવાળા હતા.

શિવાજીની કુંડળીમાં લગ્નેશ બુધ ૧૧મા ભાવમાં મેષ રાશિમાં અને તેના પર આઠમા ભાવમાં બેઠેલા મકરના મંગળની દ્રષ્ટિ હતી. ટૂંકમાં, લગ્નસ્થાનમાં એટલે કે પહેલા ભાવમાં મંગળ હોય અગર લગ્નેશ સાથે યુતિ અથવા દ્રષ્ટિ સંબંધ હોય તો માણસ નીડર, પરાક્રમી અને મકકમ મનોબળવાળો થાય છે. એ જ રીતે જન્મકુંડળીમાં ૩ જા, ૧ લા સ્થાનમાં મંગળ માણસને પ્રતાપી બનાવે છે. મંગળ ગ્રહે તા. ૧૬ જાન્યુઆરીના રોજ વૃશ્ચિક રાશિ છોડીને ધન રાશિમાં પ્રવેશ કર્યો છે અને ૪૧ દિવસ સુધી મંગળ ધન રાશિમાં પરિભ્રમણ કરશે. આ ૪૧ દિવસના મંગળના ધન રાશિ એટલે કે ગુરુની રાશિમાં પરિભ્રમણથી વિવિધ રાશિઓ પર અલગ અલગ અસર પડશે. ખાસ કરીને પાંચ રાશિઓ મેષ, વૃષભ, મિથુન, કૃષ્ણ અને મકર આ પાંચ રાશિ માટે સંઘર્ષપૂર્ણ સમયના સંકેત હોવાનું જણાય છે.

મેષ:   ભાગ્યનો સાથ ઓછો મળે. મહેનતના પ્રમાણમાં લાભ ઓછો પ્રાપ્ત થાય.
વૃષભ: અકસ્માતથી સાચવવું, ખોટા ખર્ચા થાય, કામકાજમાં વિઘ્ન આવે.
મિથુન: જીવનસાથી સાથે નાનામોટા મતભેદ રહ્યા કરે. ખોટા ખર્ચા થાય.
કર્કઃ નોકરીધંધામાં હરીફો પર વિજય મળે. જાહેરજીવન યા રાજકીય ક્ષેત્રે સફળતા મળે. નોકરીમાં પ્રમોશન મળી શકે.
સિંહઃ શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેના ઇન્વેસ્ટમેન્ટથી ધનલાભ થઈ શકે. શુભ કાર્યમાં ખર્ચ થાય.
કન્યા : વાહન, માતા, પિતા અંગે ચિંતા રહે. પારિવારિક જીવન સામાન્ય રહે.
તુલા: સ્વપરાક્રમે સંઘર્ષ પછી કીર્તિ અને સફળતા મળે. વ્યાપાર ધંધામાં સફળતા અને ધનલાભ મળે.
વૃશ્ચિક: અકસ્માતથી સાચવવું, સંઘર્ષ પછી સફળતા મળે.
ધનઃ માન-સન્માન પ્રાપ્ત થાય. કામકાજમાં ચિંતા અને વ્યગ્રતા રહે.
મકર: ખોટા ખર્ચા થાય. ધનહાનિ થાય. જીવનસાથી સાથે મતભેદ રહ્યા કરે. આંખને લગતી તકલીફ જણાય.
કુંભઃ જમીનમિલકતો સંબંધિત કાર્યો થકી ધનલાભ થાય.
મીન: જમીન-મિલકત સંબંધિત કાર્યો અને વ્યવહારો થકી લાભ થાય. જાહેરજીવન, રાજકીય ક્ષેત્રે સફળતા મળી શકે.

Most Popular

To Top