કોરોના વાયરસે ત્રણ વર્ષ પહેલાં દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો. કોરોના વાયરસ જેટલો ભયંકર હતો, તેના કરતાં મિડિયા દ્વારા તેને ક્યાંય વધુ ભયંકર ચિતરવામાં આવ્યો હતો. તેને કારણે સરકારે જડબેસલાક લોકડાઉન લગાવ્યું હતું, જેમાં લોકોની રોજીરોટી ઝૂંટવાઈ ગઈ હતી. કોરોના વાયરસને કારણે જેટલાં લોકો મર્યાં તેના કરતાં વધુ લોકો તેના ડરને કારણે અને ખોટી ચિકિત્સાને કારણે મર્યાં હતાં. જે રેમડેસિવિર જેવી દવા હાનિકારક હતી, તેને ડોક્ટરો દ્વારા આડેધડ લખી આપવામાં આવતી હતી, જેને કારણે પણ હજારો લોકો મરી ગયાં હતાં.
કોરોના વાયરસ નામનું દુ:સ્વપ્ન હજુ માનવજાત ભૂલી નથી ત્યાં મિડિયા દ્વારા મંકીપોક્સ નામનો નવો રાક્ષસ ઊભો કરવામાં આવ્યો છે. આ વાયરસ કોરોના વાયરસ કરતાં ક્યાંય ઓછો ભયાવહ છે, પણ મિડિયાના ભડકામણા રિપોર્ટને કારણે લોકો તેનાથી ડરી રહ્યા છે. અધૂરામાં પૂરું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંકી પોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે, જેને કારણે દવા તેમ જ વેક્સિન બનાવતી કંપનીઓ માટે મંકીપોક્સથી ડરેલાં લોકોને લૂંટવાના દરવાજા ખૂલી ગયા છે.
કોરોના અને એમપોક્સ બંને રોગો વાયરસથી થાય છે, પરંતુ બંનેનાં લક્ષણો તદ્દન અલગ છે અને તેના ફેલાવાની રીત પણ અલગ છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંકી પોક્સને લઈને વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી ત્યારે સમગ્ર વિશ્વમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું Mpox નવો કોરોના છે? વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતોનો જવાબ છે કે ના, એવું નથી. યુરોપમાં ડબ્લ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ના પ્રાદેશિક નિર્દેશક ડૉ. હંસ ક્લુગે જણાવ્યું હતું કે એમપોક્સ નવો કોરોના વાયરસ નથી. તેનાથી સામાન્ય લોકો માટે જોખમ ઓછું છે.
એમપોક્સને કેવી રીતે નિયંત્રિત કરવો તે આપણે જાણીએ છીએ. યુરોપમાં આ ચેપને કેવી રીતે અટકાવવો તે પણ અમે જાણીએ છીએ. કેન્યાની આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલના પ્રોફેસર રોડની એડમ કહે છે કે બે રોગો વચ્ચે સમાનતા કરતાં વધુ તફાવત છે. જો બંને વાયરસોના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે તો પણ મંકીપોક્સ વાયરસમાં જરાય ડરવા જેવું નથી. એમપોક્સ પહેલાં મંકી પોક્સ તરીકે ઓળખાતું હતું. આ રોગ ૧૯૫૮ થી હાજર છે. આ વાયરસ સૌ પ્રથમ ડેનમાર્કમાં વાંદરાઓમાં જોવા મળ્યો હતો. આ વાયરસથી સંક્રમિત માનવીનો પ્રથમ કેસ ૧૯૭૦માં જોવા મળ્યો હતો.
સ્થળ હતું ડીઆર કોંગો. ત્યારથી આ વાયરસ પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં ઘણી વખત ફેલાયો છે. MPOX સંબંધિત વૈશ્વિક આરોગ્ય કટોકટી સૌ પ્રથમ ૨૦૨૨ માં જાહેર કરવામાં આવી હતી. આ વાયરસ અત્યાર સુધીમાં ૭૦ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ૨૦૧૯માં ચીનના વુહાનમાં કોવિડનો પહેલો કેસ જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં તે વૈશ્વિક રોગચાળો બની ગયો હતો. વૈજ્ઞાનિકો કહે છે કે બંને વાયરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. પરંતુ હવે આપણે કોરોના કરતાં MPOX વિશે વધુ જાણીએ છીએ. Mpox કોરોના જેટલો ચેપી નથી, કારણ કે તે હવા દ્વારા ફેલાતો નથી.
જો કે બંને રોગો નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે, કોરોના વધુ ઝડપથી ફેલાય છે કારણ કે તે હવામાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના દાવા મુજબ, કોરોના ખાંસી, છીંક, બોલવા, ગાવા કે વ્યક્તિ સાથે બેસવા દ્વારા પણ ફેલાય છે. તે જ સમયે, જ્યારે કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત વ્યક્તિની ખૂબ નજીક આવે છે ત્યારે એમપોક્સ ફેલાય છે. તમે ચેપગ્રસ્ત દર્દીની ત્વચાને સ્પર્શ કરો છો, શારીરિક સંબંધો બાંધો છો, ચેપગ્રસ્ત વ્યક્તિના પલંગ પર સૂઈ જાઓ છો અથવા તેનાં કપડાંનો ઉપયોગ કરો છો કે લાંબા સમય સુધી સામસામે વાત કરવાથી પણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં MPOX ફેલાય છે.
ડિસેમ્બર ૨૦૧૯ થી ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં ૭૬ કરોડથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, મે ૨૦૨૨ થી અત્યાર સુધીમાં વિશ્વભરમાં MPOXના લગભગ માત્ર એક લાખ કેસ જ નોંધાયા છે. આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું છે કે લગભગ ૧૮,૯૧૦ કેસ નોંધાયા છે અને ૬૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે. દુનિયાની ૮૦૦ કરોડની વસ્તીમાં જે રોગના માત્ર એક લાખ કેસ જ નોંધાયા હોય તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. હકીકતમાં તેને વૈશ્વિક મહામારી જાહેર કરવાની પણ જરૂર નથી. કોરોનાના કિસ્સામાં સૌથી મોટો પડકાર એ હતો કે તેની રસી તૈયાર નહોતી. વૈજ્ઞાનિકો સામે પડકાર હતો કે એક રસી બનાવવી પડશે, પછી તેનું પરીક્ષણ કરવામાં આવશે, પછી તેને મંજૂરી આપવામાં આવશે અને પછી જ કોરોનાને નિયંત્રિત કરી શકાશે. Mpox સામે રક્ષણ માટે રસી બજારમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. એમપોક્સ શીતળા જેવું છે.
રસી દ્વારા તેનો મુકાબલો કરવાની વ્યવસ્થા ૧૯૮૦માં કરવામાં આવી હતી. આ રોગ ૨૦૨૨ માં ફેલાયો હતો ત્યારે જણાયું હતું કે શીતળાનો સામનો કરતી તમામ સમાન રસીઓ એમપોક્સ સામે પણ રક્ષણ આપે છે. જ્યારે ૨૦૨૨ માં આ રોગ યુરોપ અને ઉત્તર અમેરિકામાં ફેલાયો ત્યારે વૃદ્ધોમાં જોખમ ઓછું હતું, કારણ કે આ વૃદ્ધ લોકોએ અગાઉ શીતળાની રસી લીધી હશે. શીતળાની રસી પર આધારિત એમપોક્સની રસી એમવીએ-બીએન રસી તરીકે ઓળખાય છે. રસી બનાવતી કંપની બાવેરિયન નોર્ડિકે દોઢ કરોડથી વધુ રસીના ડોઝ સપ્લાય કર્યા હતા. આ રસી ૭૬ દેશોમાં મોકલવામાં આવી હતી. રસી બનાવતી કંપની માટે નફો રળવાની નવી તક ઊભી થઈ છે.
ઘણાં લોકોના મનમાં એવો ડર હતો કે જ્યારે એમપીઓક્સને વૈશ્વિક રોગ જાહેર કરવામાં આવ્યો અને ઈમરજન્સી જાહેર કરવામાં આવી ત્યારે સ્થિતિ ૨૦૨૦ જેવી થઈ જશે. જ્યારે સમગ્ર વિશ્વમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને સરહદો પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. કેટલાં લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી અને પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. પરંતુ MPOX સાથે અત્યાર સુધી આવું બન્યું નથી. છેલ્લાં બે વર્ષમાં Mpox આફ્રિકાના ૧૬ દેશોમાં ફેલાઈ ગયો છે. પરંતુ આફ્રિકા સીડીસીએ સરહદ બંધ કરવાની અથવા લોકડાઉન લાદવાની વાત કરી નથી. આફ્રિકા સીડીસીના મહાનિર્દેશક ડો. જીન કાસિયાના જણાવ્યા અનુસાર હાલમાં એવા કોઈ પુરાવા નથી કે જેના આધારે લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા સામાનની અવરજવર બંધ કરવામાં આવે. અમે તેનો મુકાબલો કરવા માટે વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છીએ.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ઈમરજન્સી પ્રોગ્રામ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. માઈક રેયાન પણ સંમત છે. ડૉ. માઇકે કહ્યું કે MPOX એ એક વાયરસ છે જેને યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવાથી નિયંત્રિત કરી શકાય છે. Mpox સામાન્ય રીતે પ્રમાણમાં હળવો વાયરસ છે અને લોકો બે થી ચાર અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે. જો કે, કેટલાંક લોકોની હાલત વધુ ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. તમે Mpox થી સંક્રમિત વ્યક્તિ અથવા તેનાથી સંબંધિત વસ્તુઓના સંપર્કથી દૂર રહીને આ વાયરસથી બચી શકો છો. તમે ઘા અથવા ખીલને સ્પર્શ્યા પછી હાથ ધોઈને અને સેનિટાઈઝરનો ઉપયોગ કરીને આને ટાળી શકો છો. આવી પરિસ્થિતિમાં એવું લાગતું નથી કે આ Mpox વાયરસ કોરોના જેવી મહામારી બની જશે.
વિશ્વમાં કોરોના કે મંકીપોક્સ જેવા કરોડો વાયરસ અસ્તિત્વ ધરાવે છે. તેમાંના કેટલાક વાયરસ માનવજાત માટે ઉપકારક હોય છે તો કેટલાક તદ્દન નિર્દોષ હોય છે. બાળકો માટીમાં રમતાં હોય છે ત્યારે પણ તેમના શરીરમાં બેક્ટેરિયા કે વાયરસ પ્રવેશી જતાં હોય છે. તેનાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે. કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયાથી ડરવાને બદલે જો રોગપ્રતિકારક શક્તિ વિકસાવીએ તો વાયરસ આપણું કાંઈ બગાડી શકતા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.