ડીસેમ્બર ૨૦૧૯માં ચીનમાં એક ભેદી રોગચાળો શરૂ થયો હોવાના સમાચારો બહાર આવવા માંડ્યા, આ રોગચાળો એક નવા પ્રકારના કોરોનાવાયરસથી થતો હોવાનું સાબિત થયું, આ રોગચાળો ધીમે ધીમે વિશ્વમાં ફેલાવા માંડ્યો, ભારતમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં પ્રથમ કેસ નોંધાયો, માર્ચના અંતભાગમાં દેશવ્યાપી લૉકડાઉન લાદવામાં આવ્યું, ત્યારથી લઇને અત્યાર સુધી આ રોગચાળાની બાબતમાં ઘણુ બધુ બની ગયું છે. ભારતમાં આ રોગચાળાની બે લહેરો આવી ગઇ અને બીજી લહેર તો જાણે લોકોને અને સરકારને અંધારામાં રાખીને અચાનક ત્રાટકી અને દેશભરમાં હાહાકાર મચી ગયો. હવે ત્રીજી લહેરની વાતો ચાલે છે ત્યારે એક કંઇક રાહત જનક અહેવાલ એ પણ બહાર આવ્યા છે કે હુના ભારતીય મૂળના જ મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે ભારતમાં હવે આ રોગ સામાન્ય પ્રકારનો સ્થાનિક રોગ બની જવાની તૈયારીમાં છે અને લોકો આ વાયરસની સાથે જીવતા શીખી જશે.
કોવિડ-૧૯નો રોગ હવે ભારતમાં કેટલાક પ્રકારે સ્થાનિક સ્વરૂપના રોગનું સ્વરૂપ ધારણ કરવાના તબક્કામાં છે એમ વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું. આ રોગ કંઇક પ્રકારે એન્ડેમિસિટીના તબક્કામાં પ્રવેશી રહ્યો છે એમ તેમણે જણાવ્યું હતુ. એન્ડેમિક સ્ટેજ એ એવો તબક્કો છે જેમાં વસ્તી વાયરસની સાથે જીવતા શીખી જાય છે. તે એપિડેમિક સ્ટેજ કરતા ઘણો જુદો તબક્કો છે જ્યારે વાયરસ આખી વસ્તી પર ઝળુંબતો હોય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ૨૦૨૨ના અંત સુધીમાં આપણે રસીકરણ છત્ર પ્રાપ્ત કરી શકવાની સ્થિતિમાં હોઇશું, કહો કે ૭૦ ટકા વસ્તીનું રસીકરણ થઇ જશે અને ત્યારબાદ દેશો સામાન્ય સ્થિતિ તરફ પાછા જઇ શકશે એમ તેમણે કહ્યું હતું.
બાળકોમાં કોવિડના પ્રવર્તવા અંગે તેમણે કહ્યું હતું કે વાલીઓએ ગભરાવાની જરૂર નથી. અન્ય દેશો તરફથી જાણવા મળ્યું છે કે બાળકોને ચેપ લાગી શકે છે અને તેઓ ચેપ ફેલાવી શકે છે પણ સદભાગ્યે તેમની માંદગી મોટા ભાગે બહુ મર્યાદિત હોય છે. જો કે ભારતમાં કોવિડ એ એન્ડેમિકમાં ફેરવાઇ જવાની વાત એક રીતે રાહતરૂપ છે. આ રોગ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થઇ શકવાની આશા ઘણા લોકો રાખતા હતા પણ તે આશા ફળીભૂત થાય તેવી શક્યતા હવે બહુ દેખાતી નથી. આ રોગના વાયરસના નવા વેરિઅન્ટો આવી રહ્યા છે અને આ વેરિઅન્ટોને કારણે આ રોગ કદાચ સંપૂર્ણ નાબૂદ નહીં થાય, પણ હવે વસ્તીમાં હર્ડ ઇમ્યુનિટી પેદા થઇ જાય અને આ રોગ બહુ ઘાતક નહીં રહે અને સામાન્ય પ્રકારનો સ્થાનિક રોગ બનીને રહી જાય તે પણ રાહત રૂપ બાબત છે.