(પ્રતિનિધિ) નડિયાદ
ભારતીય જનતા પાર્ટી, ખેડા જિલ્લા દ્વારા સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે. ખેડા જિલ્લા ભાજપ કાર્યાલયમાંથી તા. 12-02-2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ જિલ્લા સંગઠન, વિવિધ મોરચા તેમજ વિભાગોમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને અન્ય જવાબદારીઓ સોંપવામાં આવી છે.

જાહેર થયેલી યાદી મુજબ યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા અને ઓબીસી મોરચામાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે જિલ્લા ભાજપ સંગઠનમાં પણ ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ અને વિવિધ વિભાગોના ઇન્ચાર્જની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ મોરચા, અનુસૂચિત જનજાતિ મોરચા તથા લઘુમતી મોરચામાં પણ પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે.

પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, આ નિમણૂકો ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન અને પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા બાદ કરવામાં આવી છે. નવી ટીમ આવનારા દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ જનતા સુધી પહોંચાડવા, સંગઠન વિસ્તરણ, બૂથ મજબૂતીકરણ અને આગામી ચૂંટણીની તૈયારીઓમાં સક્રિય ભૂમિકા ભજવશે, નવી નિમણૂક પામેલા તમામ હોદ્દેદારો પાર્ટીની વિચારધારા મુજબ સંપૂર્ણ નિષ્ઠા, શિસ્ત અને સમર્પણ સાથે કાર્ય કરશે અને જિલ્લામાં ભાજપને વધુ મજબૂત બનાવશે.

આ સંગઠનાત્મક ફેરફારોથી ખેડા જિલ્લામાં ભાજપની પ્રવૃત્તિઓને નવી દિશા અને ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખામાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે ધરખમ ફેરફારો સાથે નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની પરામર્શ બાદ જિલ્લા પ્રમુખ દ્વારા આજે સંગઠનાત્મક નિમણૂકોનો પત્ર જાહેર કર્યો છે. આ નવા માળખામાં નડિયાદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પંકજ દેસાઈનો દબદબો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નડિયાદ શહેર અને તાલુકાના પૂર્વ હોદ્દેદારોને જિલ્લા કક્ષાના સંગઠનમાં મહત્વનું સ્થાન આપીને આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકીય સમીકરણો સાધવાનો પ્રયત્ન કરાયો છે.
ખેડા જિલ્લા ભાજપના જાહેર કરાયેલા નવા સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે 8 સભ્યોની વરણી કરવામાં આવી છે, જેમાં નડિયાદ શહેરના પૂર્વ પ્રમુખ રંજનબેન વાઘેલા અને નડિયાદ નગરપાલિકાના પૂર્વ ચેરમેન પરાગ બારોટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કિરણસિંહ ડાભી, મનિષાબેન પરમાર, નિલેશભાઈ પટેલ, જનકસિંહ ઝાલા, વિવેક પટેલ અને છગનભાઈ ભરવાડને પણ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ છે. જિલ્લા મહામંત્રી તરીકે અમિતભાઈ ડાભી, રાજેશભાઈ પટેલ અને દીપકભાઈ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી છે. મંત્રી તરીકે દીપકભાઈ રોહિત, ઈન્દ્રજીતસિંહ ચાવડા, વિમલબેન સોલંકી, નલીનીબેન પટેલ, ચિરાગ પટેલ, ભૂમિકાબેન ત્રિવેદી, ભૂપતસિંહ ચૌહાણ અને દર્શનાબેન સુથારને સ્થાન મળ્યું છે. કોષાધ્યક્ષ તરીકે સમિર શાહ અને કાર્યાલય મંત્રી તરીકે હર્ષદ પારેખની નિમણૂક કરવામાં આવી છે. સોશિયલ મીડિયા વિભાગમાં ચિનમય સોની, આઈ.ટી. વિભાગમાં આશિત પટેલ અને મીડિયા વિભાગમાં તેજશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. વિવિધ મોરચાઓની વાત કરીએ તો, યુવા મોરચાના પ્રમુખ તરીકે પ્રતિક પટેલ અને મહિલા મોરચાના પ્રમુખ તરીકે ધર્મીષ્ઠાબા મહીડાની વરણી કરાઈ છે. કિસાન મોરચાની કમાન કિરણભાઈ પટેલને અને બક્ષીપંચ મોરચાની જવાબદારી ગણપતસિંહ રાઠોડને સોંપવામાં આવી છે. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે રવિભાઈ પરમાર અને અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ ભીલની નિમણૂક કરવામાં આવી છે. લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ફૈયાઝઅલી સૈયદની પસંદગી કરવામાં આવી છે. સમગ્ર નિમણૂકોમાં નડિયાદના પૂર્વ પ્રમુખ અને પાલિકાની વિવિધ કમિટીઓના પૂર્વ ચેરમેનોને પ્રાધાન્ય મળતા જિલ્લાના રાજકારણમાં નડિયાદનું પ્રભુત્વ ફરી એકવાર સાબિત થયું છે.