Charotar

ભાજપ અને કોંગ્રેસના OBC-ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર

ખેડા લોકસભાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ

ભાજપ-કોંગ્રેસના ડમી ફોર્મ પરત ખેંચાતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે

ભાજપના દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસના કાળુસિંહ ડાભી વચ્ચે સીધી ટક્કર

(પ્રતિનિધિ) નડિયાદ, તા.22

ખેડા લોકસભા બેઠક માટે ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. ત્યારે નિયત સમય મુજબ સોમવારે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. આ વખતે માત્ર ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા અને હવે ચૂંટણી જંગમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને અપક્ષ ઉમેદવારો મળી કુલ 12 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જે પૈકી મુખ્ય રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે તે નિશ્ચિત છે. જેમાં બંને મુખ્ય પક્ષના ઉમેદવારો ઓબીસી એટલે કે અધર બેકવર્ડ કાસ્ટમાંથી આવે છે.

ભારતીય જનતા પાર્ટીના ડમી ઉમેદવાર અપૂર્વ પટેલ અને કોંગ્રેસના ડમી ઉમેદવાર ચંદ્રશેખર ડાભીએ પોતાના મુખ્ય ઉમેદવારોના ફોર્મ મંજૂર થઈ જતા પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. જેથી હવે રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે સીધી ટક્કર થશે. ભાજપે દેવુસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે, જેની સામે કોંગ્રેસે કાળુસિંહ ડાભીને ચૂંટણી જંગમાં મોકલ્યા છે. ત્યારે આ બંને દિગ્ગજો વચ્ચે સીધી ટક્કરમાં આગામી 7 મેના રોજ જ્યારે મતદારો મતદાન કરશે, ત્યારે તેમના ભાવિનો ફેંસલો થશે. ક્ષત્રિય બાહુલ ખેડા લોકસભામાં આ વખતે ઓબીસી-ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. ભારતીય જનતા પાર્ટીના દેવુસિંહ ચૌહાણ એ કાંઠાગાળાના ઓબીસી ક્ષત્રિય નેતા છે, જે કાંઠાગાળામાં મહેમદાવાદથી માંડી માતર, ધોળકાના પટ્ટામાં ચૌહાણ મતદારોનું પ્રભુત્વ છે. જ્યારે એકસમયે આઝાદી પહેલા ઘોડાસર સ્ટેટ કહેવાતુ હતુ અને આ ઘોડાસર સ્ટેટમાં ડાભી રાજા હતા. આ ડાભી રાજાના વારસોએ આઝાદી બાદ ઘોડાસર સ્ટેટનો ગુજરાત રાજ્યમાં વિલય થયો અને લોકસભાની ચૂંટણીમાં આ ઘોડાસર સ્ટેટના રાજા ફૂલસિંહજી ડાભી કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા. હાલ કોંગ્રેસે જે-તે સમયના ઘોડાસર સ્ટેટના ક્ષત્રિયો પૈકીના કઠલાલના કાળુસિંહ ડાભીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. કાળુસિંહ ડાભી પણ ઓબીસી ક્ષત્રિય છે. ત્યારે હવે ખેડા લોકસભા બેઠક પર આ બંને ઓબીસી ક્ષત્રિય નેતાઓ વચ્ચે ચૂંટણી જંગ જામશે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ડમી ઉમેદવારો સિવાય એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ નથી. જેથી 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

Most Popular

To Top