Columns

ભગવાન બન્યા દરજી

એક દિવસ ખૂબ પ્રેમથી જીવે જીદ કરી કે ભગવાન આજે તો તમે મને કપડાં સીવી આપો તો જ હું તે પહેરીને પૃથ્વી પર જાઉં, નહિ તો નહિ જાઉં.ભગવાને કહ્યું, ‘જીવ, તું નીચે પૃથ્વીલોક પર જઈને તારા માપના તને ગમતાં કપડાં સિવડાવી લેજે. મારાં સીવેલાં તને નહિ ગમે.’ પણ જીવે જીદ ન છોડી. ભગવાન તેની પ્રેમભરી જીદ સામે ઝૂક્યા અને કહ્યું, માત્ર એક કપડું સીવી દઈશ અને દરજી બની તેને માટે કપડું સીવવા લાગ્યા.

પછી જીવે વધારે કપડાંની જીદ કરી.ભગવાને ઘણાં કપડાં સીવ્યાં, પણ જીવને ઓછાં પડે.કોઈક ટૂંકા લાગે.કોઈક લાંબા લાગે.કોઈનો રંગ ન ગમે, તો કોઈ ડીઝાઈન.ખિસ્સું નાનું પડે…બે ખિસ્સાં ઓછાં પડે.ભગવાન કોલર વિનાનું બનાવે તો જીવ કહે મને તો કોલર ઊંચો રાખવાનો શોખ છે.’આમ દરેક વાતમાં ભગવાનનાં સીવેલાં કપડાંમાં જીવને વાંધો પડે. જીવ હવે રિસાઈ ગયો અને બોલ્યો, ‘પ્રભુ, તમે જાણી જોઇને મારા માટે આવાં મને ન ગમે તેવાં કપડાં સીવો છો.જે ગમે છે તે ટૂંકાં પડે છે.જે થાય છે તે ગમતાં નથી.’

ભગવાન હસ્યા અને બોલ્યા, ‘જીવ, મેં તો તારી જીદ માની, બાકી મેં તો તને કહ્યું જ હતું કે મારાં સીવેલાં કપડાં તને નહિ ગમે. તું પૃથ્વી પર જ અને તારાં ગમતાં કપડાં કોઈ બીજા દરજી પાસે સીવડાવજે, સમજ્યો.મેં તારાં કપડાં સીવીને તને ઘણી સમજ આપવા માંગી હતી, પણ તારે સમજવું જ નથી.’ જીવ બોલ્યો, ‘શું સમજ પ્રભુ ,સાચે જ મને કંઈ સમજાયું નથી.’ભગવાન બોલ્યા, ‘જીવ સૌથી પહેલાં તારી ઈચ્છાઓ …મેં તારી એક કપડું સીવવાની ઈચ્છા માટે હા પાડી તો તેં બીજાં ઘણાં માંગ્યાં.તે સીવ્યાં તો હજી તને વધુ ને વધુ જ જોઈતું હતું.

કોઈક ટૂંકા લાગ્યા.કોઈક લાંબા લાગ્યા.કોઈનો રંગ ન ગમ્યો તો કોઈ ડીઝાઈન.જીવનમાં આમ જ તારી ઇચ્છાઓ ક્યારેય માપમાં રહેશે નહિ.જેટલું કપડું તેટલો ડગલો– તે નિયમ તું ભૂલી ગયો અને વધુ ને વધુ માંગતો ગયો.તને મેં જીવનમાં જે આપ્યું તે તને ગમશે નહિ અથવા ઓછું જ પડશે. એક ખિસ્સું બનાવ્યું કે થોડું સાથે લઈને ચાલવાનું પણ તને તો વધારે ને વધારે ખિસ્સા જોઈએ છે કારણ તારે બધું ભેગું લઈને ચાલવું છે. તારી લાલચનો કોઈ અંત નથી.મેં કોલર ન બનાવી અને તેં કહ્યું મને ઊંચા કોલરનો શોખ છે કારણ તેમ કરવામાં તારો અહમ પોષાય છે.જીવનમાં વધુ પડતી ઈચ્છાઓ , લાલચ ,અભિમાનથી દૂર રહીશ તો સુખી થઈશ એ યાદ રાખજે.’ભગવાને એક ટેલર બનીને જીવને જીવન જીવવાની રીત સમજાવી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top