ભગવાનનો એક ભક્ત હતો. આખો દિવસ પોતાનું કામ કરે, સતત ભગવાનનું નામ લે અને પોતે શ્રીમંત ન હતો છતાં દરેક લોકોની બનતી મદદ કરવા તૈયાર રહે.ન તેના મનમાં કોઈ સ્વાર્થ હતો અને ન કોઈ કપટ.તે હંમેશા વિચારતો કે કાશ દુનિયામાં બધાં લોકો એવાં થઈ જાય કે બધા ભગવાનને બહુ પ્રેમ કરે, તેમની ભક્તિ કરે અને બધા એકબીજા પ્રત્યે પણ પ્રેમ અને દયાભાવ રાખે તો સાચે જ આ દુનિયામાં કોઈ તકલીફ અને પરેશાની ન રહે. એક દિવસ રાત્રે ભગવાનનું નામ લેતાં લેતાં તે ભક્ત સૂઈ ગયો અને તેના નાનકડા કમરામાં ચારે બાજુ દૈવી પ્રકાશ ફેલાઈ ગયો.પ્રકાશને કારણે ભક્તની આંખ ખૂલી. તેણે જોયું કે એક દેવદૂત હાથમાં સોનાનો ચોપડો લઈને ચાંદીની કલમથી તેમાં કંઇક લખી રહ્યો હતો.ભક્તે હિંમત કરી દેવદૂત પાસે જઈને પૂછ્યું , ‘પ્રણામ, તમે અહીં શું કામ આવ્યા છો અને આ તમે શું લખો છો ?’દેવદૂતે તેની સામે જોયું અને કહ્યું, ‘હું ભગવાનનો દૂત છું અને પૃથ્વી પર ફરી ફરીને શોધી શોધીને સારા સજ્જન ભક્ત લોકોનાં નામની યાદી બનાવી રહ્યો છું.’
ભક્તના મનમાં આશા જાગી કે હું ભગવાનની આટલી ભક્તિ કરું છું એટલે ચોક્કસ મારું નામ ભગવાનને પ્રેમ કરતા ભક્તોમાં હશે.તેણે દેવદૂતને પૂછ્યું કે ‘શું ભગવાનને બહુ પ્રેમ કરતાં લોકોની યાદીમાં મારું નામ છે?’દેવદૂત કંઈ બોલ્યા નહિ, પણ ડોકું ધુણાવીને ના પાડી.ભક્ત નિરાશ થઇ ગયો.થોડી વાર રહીને તેણે યાદી બનાવવામાં વ્યસ્ત દેવદૂતને પૂછ્યું , ‘આ સૃષ્ટિમાં રહેતાં લોકોને અને દરેક જીવને પોતાના ગણી પ્રેમ કરનાર લોકોની કોઈ યાદી છે?’દેવદૂતે હા પાડી.ભક્તે ઉત્સાહમાં આવી કહ્યું, ‘એમાં તો મારું નામ ચોક્કસ હશે ખરું ને?’દેવદૂતે ફરી ના પાડી અને ભક્ત નિરાશ થઈ ગયો.દેવદૂત પોતાનું કામ કરી ગયા.
ભક્તને ઊંઘ ન આવી, પણ તે ભગવાનનું નામ લેતો રહ્યો.બીજે દિવસે રાત્રે ફરી તેજોમય પ્રકાશ ફેલાયો અને દેવદૂત આવ્યા.ભક્તે ઊઠીને પ્રણામ કર્યા.દેવદૂતે કહ્યું, ‘આજે હું ભગવાન જે ભક્તોને પોતે બહુ પ્રેમ કરે છે તેવા લોકોની ખાસ યાદી બનાવી રહ્યો છું.’દેવદૂતની વાત સાંભળી પણ ભક્ત કંઈ બોલ્યો નહિ.દેવદૂત બોલ્યા , ‘કેમ ચૂપ છે? આજે તારે જાણવું નથી કે તારું નામ આ યાદીમાં છે કે નહિ.’ભક્ત કંઈ બોલે તે પહેલાં દેવદૂતે તે યાદી તેની તરફ ફેરવી. ભક્તની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.તે કંઈ બોલી શક્યો નહિ, કારણ ભગવાન પોતે જે ભક્તોને બહુ પ્રેમ કરે છે તે ભક્તોની યાદીમાં સૌથી પહેલું નામ
તેનું હતું. ઈશ્વરને એટલો અને એવો પ્રેમ કરો,સાચી ભક્તિ કરી કે તમે ઈશ્વરને ગમો અને તે તમને ચાહે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.