સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 2024 થી 2027 માં હેલ્થની કાળજી રાખવાનો સમય
€નિલેશ મોદી
ટ્રેડમાર્ક અવાજ, હાઇટ, વ્યક્તિત્વ અને તીવ્ર આંખોએ અમિતાભ બચ્ચનને 1970ના દાયકામાં ‘એન્ગ્રી યંગ મેન’ બનાવ્યા. ફિલ્મ ઝંજીરથી તેમણે પાછું વળીને જોયું નથી. એમણે હિન્દી સિનેમાનો ચહેરો બદલી નાખ્યો. જ્યારે તેમણે પોતાની પ્રોડક્શન કંપની ABCL શરૂ કરી ત્યારે તેના પર ભારે દેવું થઈ ગયું. આશ્ચર્યજનક રીતે ‘કૌન બનેગા કરોડપતિ ‘ ટીવી શો થી ફરી પાછા ટોપ પર આવી ગયા. લંડનમાં મેડમ તુસાદમાં તેનું વેક્સ મોડેલ પ્રદર્શિત કરનાર તે પ્રથમ એશિયન અભિનેતા પણ હતા. 1984માં ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. અત્યાર સુધીમાં એમને 16 ફિલ્મ ફેર એવોર્ડ અને છ નેશનલ એવોર્ડ જીત્યા છે. તેમને આ સદીના મહાનાયક તરીકે ઓળખવામાં આવે છે.
શ્રી અમિતાભ બચ્ચનજી ની કુંડલી કુંભલગન છે. ચંદ્ર તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં છે. આ કુંડળીમાં બુધ આઠમા સ્થાનમાં ઉચ્ચ અવસ્થામાં છે અને ગુરુ છઠ્ઠા સ્થાનમાં ઉચ્ચ અવસ્થામાં છે. જે એમને વાણી પર પ્રભુત્વ આપે છે. બીજાની લાગણી દુભાઈ નહીં એનો પૂરેપૂરો ખ્યાલ રાખે છે. અહીં ગુરુ 11 માં સ્થાનનો સ્વામી બનીને છઠ્ઠા સ્થાનમાં હોવાથી તેમણે રાજનીતિ અને સમાજસેવા માં પણ કામ કરેલું છે અને એક એક્ટર તરીકે પણ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મેળવેલી છે.
શનિ ચોથે હોવાથી આવા લોકો અમુક બાબતમાં અંતર મુખી હોય છે અને શનિની પૂર્ણ દ્રષ્ટિ દસમા સ્થાન પર પડતી હોવાથી વેપારની બાબતમાં નસીબ સાથ આપતું નથી. સાદી ભાષામાં કહું તો રોકાણ વગરનો એટલે કે ઇન્વેસ્ટમેન્ટ વગરનો વેપાર એમને વધારે શુભ ફળ આપે છે. આ કુંડળીમાં ચંદ્ર ભાગ્ય સ્થાનમાં છે જેથી કરીને એવું કહી શકાય કે જન્મસ્થળથી દૂર એમનો ભાગ્યોદય થાય અને દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવે. આઠમા સ્થાનમાં ચાર ગ્રહો સાથે છે જેને કારણે ઘણી વખત મોટા લાભ થાય. આ એક પ્રવજ્યા યોગ હોવાથી આધ્યાત્મિક વિકાસ પણ ખૂબ સારો થાય. ઉંચનો ગુરુ પ્રવજ્યા યોગ અને ધર્મભાવમાં ચંદ્ર હોવાથી ધર્મ વિશે એક પોતાની આગવી સમજ ધરાવતા હોય. સપ્તમ ભાવમાં સિંહ રાશી નો રાહુ હોવાથી અહીં ભાગીદારીમાં વ્યવસાય કરવો મુશ્કેલ છે. અહીં સૂર્ય આઠમાં સ્થાનમાં ખાડામાં હોવાથી અને શનિ ચોથા ઘરમાં હોવાથી છાતી સંબંધિત અથવા હૃદય સંબંધિત કોઈ સમસ્યા ભવિષ્યમાં થઈ શકે છે. આઠમા સ્થાનમાં સૂર્યમંગળ નો અંગારક હોવાથી અને છઠ્ઠે ગુરુ ખાડામાં હોવાથી પાચનતંત્રની સમસ્યા પણ થઈ શકે છે. પરંતુ ગુરુ છઠ્ઠે અને ઊંચનો હોવાથી વ્યક્તિ રોગ સામે વિજય મેળવે અને પોતાના હરીફો સામે પણ વિજય મેળવે. અધૂરામાં પૂરું આ કુંડળીમાં ગુરુ વર્ગોત્મી છે જેથી કરીને ગુરુના શુભ ફળમા વધારો થાય છે. એમણે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડી હતી અને ભારે બહુમતીથી જીત્યા હતા તથા સમાજસેવાના ઘણા કામો સાથે હજી પણ જોડાયેલા છે.
આ કુંડળીની મુખ્ય વિશેષતા એ છે કે ગુરુ અને બુધ બંને ઉચ્ચ અવસ્થામાં છે. ગુરુ જ્ઞાનનો કારક છે અને બુધ બુદ્ધિનો કારક છે અને આ બાબત શ્રી અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વમાં દેખાઈ આવે છે આ બંને ગ્રહોની અસરને કારણે એમની ડાયલોગ ડીલેવરી પણ ખૂબ જ લોકપ્રિય છે. કોણ કહી શકે કે આ વ્યક્તિને રેડિયો માટે ન્યુઝ રીડર ના ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કરવામાં આવ્યા હતા અને અત્યારે આ જ વ્યક્તિનો અવાજ દુનિયાભરમાં પોતાનો જાદુ ફેલાવે છે. સિલસિલા મૂવી માં ‘રંગ બરસે’ ગીતમાં પ્લેબેક સિંગર તરીકે અમિતાભનો પોતાનો અવાજ છે. મિ.નટવરલાલ, બાગબાન અને લાવારીસ તથા બીજા ઘણા મુવી માં પ્લે બેક સિંગર તરીકે એમનો પોતાનો અવાજ છે.
1971 થી 1990 સુધી શ્રી અમિતાભ બચ્ચનની શનિ ભગવાનની મહા દશા હતી. અહીં શનિ ભગવાન લગ્નેસ છે અને ચોથે સુખ સ્થાનમાં બિરાજમાન છે. આ મહા દશામાં એક થી એક હીટ મુવી એમણે આપી છે. 1973 માં જંજીર પિક્ચરથી એમણે હિટ મુવી આપવાની શરૂઆત કરી અને પછી પાછું વળીને જોયું નથી. લાંબા સમયનો બ્રેક લીધા પછી 2000 ની સાલમાં કોન બનેગા કરોડપતિ અને શાહરુખ ખાન સાથેની મોહબતે મુવી થી ફરી પાછા લાઈમલાઈટમાં આવ્યા.
2001 માં એમને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો. આ સમય દરમિયાન માં બુધમાં રાહુની અંતદશા હતી. એમની શુક્રની મહા દશા 2014 થી 2034 સુધી છે આ મહાદશા દરમિયાનમાં 2015માં એમને પદ્મવિભૂષણ એવોર્ડ મળ્યો અને 2018 માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો. નજીકના સમયમાં 2024 થી 2027 માં હેલ્થની કાળજી રાખવી પડે એવો સમય છે.