બોડેલી,:;
બોડેલી શહેરમાં સોનુ-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સોનુ ચમકાવી આપવાના બહાને છેતરપિંડી કરતી ઠગ ટોળકી સક્રિય બની હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ગંગાનગર સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના વૃદ્ધ દંપતીને નિશાન બનાવી બે ઇસમોએ તરકટ રચી સોનાના દાગીના લઈને ફરાર થતા વિસ્તારમાં ચકચાર મચી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરની ગંગાનગર સોસાયટીમાં વૃદ્ધ દંપતી ઘરે એકલા હતા તે દરમિયાન એક ઇસમ વાસણ ઘસવાનું લિક્વિડ વેચવા આવ્યો હતો. તેણે પોતે કંપનીમાંથી આવ્યો હોવાનું કહી વિશ્વાસમાં લઈ પહેલા પિત્તળનો લોટો તથા ચાંદીના દાગીના ચમકાવી બતાવ્યા.
ત્યારબાદ વૃદ્ધ મહિલાએ પહેરેલી સોનાની બંગડી જોઈ તેને પણ ચમકાવી આપવાની વાત કરી. બ્રશ ન હોવાનું કહી તેણે બીજા એક ઇસમને બોલાવ્યો. બંનેએ સોનાની બંગડી લિક્વિડથી ધોઈ તેમાં હળદર નાખી ડબ્બામાં મૂકી આપી અને 20 મિનિટ બાદ કાઢવા જણાવ્યું. વહેલી કાઢશો તો બંગડી કાળી થઈ જશે એવી વાત કરી બંને ઇસમો ત્યાંથી ફરાર થઈ ગયા.
થોડા સમય બાદ ડબ્બું ખોલતા અંદર રહેલી બંગડી અત્યંત પાતળી થઈ ગયેલી જોવા મળી. તપાસ કરતાં 6 તોલાની બંગડીમાંથી આશરે ત્રણ તોલા જેટલું સોનુ ગાયબ હોવાનું સામે આવ્યું, જેને જોઈ પરિવાર ચોંકી ઉઠ્યો. ત્રણ તોલા સોનાની છેતરપિંડી થયાની જાણ થતાં વૃદ્ધ દંપતીના પુત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલ બોડેલી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. વૃદ્ધોને નિશાન બનાવી કરાયેલી આ છેતરપિંડીથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
રિપોર્ટર: ઝહીર સૈયદ