પ્રથમવાર બોડેલી ખાતે યોજાયેલી સામાન્ય સભામાં 700 મંડળીઓના પ્રતિનિધિઓ અને 3500 દૂધ ઉત્પાદકો જોડાયા
ગુજરાતમાં સર્વાધિક શ્રેષ્ઠ ભાવ આપતી ડેરી તરીકે બરોડા ડેરીએ નોંધાવ્યો સુવર્ણ અધ્યાય
વડોદરા, બોડેલી, નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલ્હાદપુરા ખાતે બરોડા ડેરી પ્લાન્ટ પર, બરોડા ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર 68મી વાર્ષિક સાધારણ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરને દૂધ ઉત્પાદકો તથા મંડળીઓ માટે “ઇતિહાસ રચનારો નિર્ણય” તરીકે ગણવામાં આવી રહ્યો છે.

કાર્યક્રમની શરૂઆત બરોડા ડેરીના એમ.ડી. દ્વારા સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ પ્રમુખ દિનુ મામાએ એજન્ડા મુજબ કામગીરી આગળ ધપાવી હતી. સમગ્ર સભા દરમિયાન આશરે 700 જેટલી દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ અને 3500 જેટલા દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.
સભાનું સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ રહ્યું ભાવ ફેરની જાહેરાત. બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, ડેરીના દૂધમાં સરેરાશ ફેટ 5.8 ટકાનો છે, જે ગુજરાતની અન્ય ડેરીઓની સરખામણીએ નોંધપાત્ર ઊંચો ગણાય છે. તેમણે ઉદાહરણ આપતાં સમજાવ્યું હતું કે 5.8% ફેટ ધરાવતી ડેરી જ્યારે પ્રતિ કિલો ફેટ 873 રૂપિયા ભાવ આપે છે, ત્યારે 4.99% ફેટ ધરાવતી ડેરીએ તો 1014 રૂપિયા પ્રતિ કિલો ફેટ ભાવ આપવો પડે. આ આંકડાઓના આધાર પર ઉપપ્રમુખએ સ્પષ્ટ કર્યું કે બરોડા ડેરી દૂધ ઉત્પાદકોને શ્રેષ્ઠ ભાવ આપી રહી છે.
આ વખત બરોડા ડેરીએ 105 કરોડ રૂપિયાના રેકોર્ડ ભાવ ફેરની જાહેરાત કરી, જે ટૂંક સમયમાં સીધી મંડળીઓને ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક જાહેરાત બાદ તમામ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો.

આ સિવાય પણ સાધારણ સભામાં આશરે 10 જેટલા મહત્વપૂર્ણ ઠરાવો લોકમત દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો.
આ રીતે બોડેલીના અલ્હાદપુરા ખાતે યોજાયેલી બરોડા ડેરીની 68મી વાર્ષિક સાધારણ સભા, ડેરીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક પાનાં તરીકે નોંધાઈ છે.