એક દિવસ ગુરુજીએ આશ્રમમાં કહ્યું, ‘પ્રવચન અને ઉપદેશો બહુ થયાં. આજે એક બીજી જ પ્રતિયોગિતા રાખીએ.’ બધા શિષ્યો રાજી થઈ ગયા અને શું પ્રતિયોગિતા છે તે જાણવા ઉત્સુક બન્યા.ગુરુજીએ કહ્યું, ‘આવતી કાલે વહેલી સવારે આપણે દોડવાની હરીફાઈ રાખીશું.પણ તે માત્ર દોડવાની હરીફાઈ નહિ હોય.શારીરિક અને માનસિક તાકાતની પણ હરીફાઈ હશે.આ દોડવાની હરીફાઈમાં જે પોતાના ખભા પર મોટા મોટા પથ્થરનો બોજ ઉપાડીને દોડશે અને સૌથી વધારે પથ્થરોનો બોજ ઉપાડીને પ્રતિયોગિતા પૂર્ણ કરશે તે વિજેતા ગણાશે.’
પ્રતિયોગિતા વિષે જાણ થતાં જ બધા શિષ્યો તૈયારીમાં લાગી ગયા અને પીઠ પર પથ્થર બાંધીને, હાથમાં અને માથા પર પથ્થર ઉપાડીને બધા દોડવાનો અભ્યાસ કરવા લાગ્યા.વધુ પથ્થર ઉપાડીને લગભગ કોઈ બહુ લાંબા અંતર સુધી દોડી શકતું ન હતું પણ બધાની કોશિશ જારી હતી. વહેલી સવારે બધા ભેગા થયા.ગુરુજી આવ્યા અને થોડી વારમાં પ્રતિયોગિતા શરૂ થવાની ઘોષણા કરી. ગુરુજીએ કહ્યું, ‘તમારે દોડવાની દોડ પૂરી કરવાની છે અને વધુમાં વધુ બોજ ઉપાડીને પૂરી કરવાની છે. જે કોઈ અધવચ્ચે દોડ છોડી દેશે તે રદબાતલ ગણાશે, માટે સમજી વિચારીને પથ્થરનો એટલો જ બોજ લેજો, જે ઉપાડીને આખી દોડ પૂરી કરી શકો.’
દોડ શરૂ થઇ.બધાએ પોતાની તાકાત કરતાં વધારે જ પથ્થરો પીઠ પર ..હાથમાં ..માથા પર ઉપાડ્યા અને બસ હજી ગણતરીનાં પગલાં માંડ્યાં ત્યાં તો કોઈનો પગ લથડ્યો…કોઈ બેસી પડ્યું …કોઈ ધીમે ધીમે આગળ વધ્યું, પણ મોઢે ફીણ આવી ગયા.બધા પરસેવે રેબઝેબ થઈ ગયા. પણ હજી અડધો રસ્તો બાકી હતો અને બધાની શક્તિ જવાબ દઈ રહી હતી. ગુરુજીએ ફરી જાહેર કર્યું, શિષ્યો તમે જયાં છો ત્યાંથી ભાર ઓછો કરી આગળ વધી શકો છો.બધા થોડા પથ્થર નીચે મૂકવા લાગ્યા.દોડવાની તાકાત તો રહી ન હતી એટલે થોડા પથ્થર લઇ ચાલવા લાગ્યા; થોડા આગળ વધ્યા પણ હવે આગળ એક ડગ પણ ભરી શકાય તેવી તાકાત રહી ન હતી.પરંતુ બધા જ રસ્તામાં થાકીને હારીને બેસી ગયા. કોઈ દોડ પૂરી કરી ન શક્યું.
ગુરુજીએ હવે આ પ્રતિયોગિતા રાખવાનું ખરું કારણ સમજાવતાં કહ્યું, ‘આ જીવન એક દોડ છે અને જે વધારે ને વધારે બોજ લઈને જીવનમાં દોડે છે તે થાકી જાય છે અને હારી જાય છે.પછી તે બોજ ક્રોધનો હોય કે વેરનો …તે બોજ નફરતનો હોય કે ઈર્ષ્યાનો કે પછી તે બોજ અભિમાનનો હોય કે ખોટા અહમનો કે વ્હેમનો..બોજ હંમેશા થકવી નાખે છે અને આગળ વધતાં અટકાવે છે માટે હંમેશા જીવનમાં બોજ વિના આગળ વધવું.’ ગુરુજીએ જુદી રીતે જીવન જીવવાની સમજ આપતો ઉપદેશ આપ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.