Vadodara

બેનરો ઋત્વિજ જોષીના ઈશારે લગાવાયા હતા : કાર્યકરોએ વટાણા વેર્યા 

  • ભાજપાના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર વોર મામલે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોષીને નોટિસ
  • કોંગ્રેસ પ્રમુખને નિવેદન લેવા માટે નોટિસ પાઠવવામાં આવી

ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટ વિરુદ્ધ શહેરના કારેલીબાગ વિસ્તારમાં વિવિધ સ્થળોએ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે સીસીટીવીના આધારે 3 યુવાનોની અટકાયત કરી હતી જેઓની પૂછપરછમાં તેઓએ કોંગ્રેસના શહેર પ્રમુખના ઈશારે આ પોસ્ટર લગાવ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે કોંગ્રેસના પ્રમુખને નોટિસ પાઠવી છે. અને નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યા છે.

મંગળવારની રાતે શહેરના કારેલીબાગ વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા રંજનબહેન ભટ્ટના વિરુદ્ધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જેમાં ભાજપાના ઉમેદવાર સામે ભ્રષ્ટચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિવાદિત સ્લોગનો પણ લખવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે વારસિયા પોલીસ દ્વારા  સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી તેમાં દેખાતા હરીશ ઓડ અને ધ્રુવીત  વસાવાની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં તેઓએ આ પોસ્ટર શહેર પ્રમુખ ઋત્વિજ જોષીના ઈશારે લગાવ્યા હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે વારસિયા પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખને નોટિસ મોકલી છે અને તેઓનું નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યા છે.

તો શહેરના ખિસકોલી સર્કલ ખાતે પણ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી અને ભાજપાના પ્રદેશ અધ્યક્ષને નિશાન બનાવવામાં આવ્યા હતા. જે કિસ્સામાં પણ અટલાદરા પોલિસે 3 વ્યક્તિઓની અટકાયત કરી છે. જેઓની પૂછપરછમાં પણ કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોષીનું નામ બહાર આવ્યું છે. જેમાં પણ તેઓનું નિવેદન લેવામાં આવશે.

પોસ્ટર વિવાદમાં હાલ સુધી કુલ 6 વ્યક્તિઓની અટકાયત

શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લગાવવાના મામલે વારસિયા અને અટલાદરા પોલીસ દ્વારા હાલ સુધીમાં કુલ 6 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. વારસિયા પોલીસે બુધવારે બે યુવાનો હરીશ ઓડ અને ધ્રુવીત  વસાવાની અટકાયત કરી હતી જે કેસમાં વધુ એક યુવાન ફાલ્ગુન સોરઠિયાની પણ અટકાયત કરવામાં આવી છે. તો ખિસકોલી સર્કલ પાસે લાગેલા પોસ્ટરમાં અટલાદરા પોલીસે કોંગ્રેસના 3 કાર્યકરોની અટકાયત કરી છે. જેમાં રાકેશ ઠાકોર, હર્ષદ સોલંકી અને નીતિન પઢિયારનો સમાવેશ થાય છે.

Most Popular

To Top