હાલમાં લગભગ મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો તેમના લોન ખાતેદારોના ખાતામાં દર મહિને વ્યાજ ઉધારે છે (વસૂલે છે) જયારે તેમના બચત ખાતેદારોના ખાતામાં દર ત્રણ મહિને વ્યાજ જમા આપે છે. જો બેંકો લોન ખાતેદારોના ખાતામાં દર મહિને વ્યાજ ઉધારે છે તો તેના બચત ખાતેદારોના ખાતાઓમાં પણ દર મહિને વ્યાજ જમા આપવું જોઇએ. હમણાંથી ટી.વી. ઉપર એક ખાનગી બેંક તેની જાહેરાતમાં તેના બચત ખાતેદારોના ખાતામાં દર મહિને વ્યાજ જમા આપતી હોવાનું અને ખાતેદારોને ખાતામાં રૂપિયા જમા કરાવવામાં સ્લીપ ભરવાની ઝંઝટમાંથી પણ મુકિત આપતી હોવાનું તેમજ ખાતેદારોને રૂપિયા જમા કર્યા અંગેની પાવતી આપતી હોવાનું જણાવે છે.
જે આવકાર્ય ગણાય. આવી સેવા અન્ય બેંકો માટે અનુકરણીય પણ છે. વિદેશોમાં કેટલીક બેંકો તેના ગ્રાહકોને બેંકિંગ સેવા સિવાય અન્ય સેવાઓ પણ આપતી હોય છે જેમકે મેડિકલ સેવા. આપણા દેશમાં એ દિવસો બહુ દૂર નથી કે બેંકો-બેંકો વચ્ચે હરીફાઇ (સ્પર્ધા) વધશે ત્યારે આપણે ત્યાં પણ બેંકોએ બેંકિંગ સેવા સિવાય અન્ય સેવાઓ આપવા પણ તૈયારી રાખવી પડશે. હાલ તો કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા અપાતી સેવાઓ અંગે ગ્રાહકોમાં અસંતોષ અને તીવ્ર કચવાટની લાગણી છે ત્યારે આવી બેંકોએ હાલથી જ ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવા કટિબધ્ધ થવાની જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે