વડોદરા :ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતી આગામી ૨ ફેબ્રુઆરીએ વડોદરામાં ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાવાની છે. આ મહોત્સવની પૂર્વભૂમિકા રૂપે રવિવાર સાંજે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બી.એ.પી.એસ.) દ્વારા સુરસાગર તળાવ ખાતે આયોજિત વિશિષ્ટ વૈદિક કાર્યક્રમએ વડોદરા શહેરને ઐતિહાસિક ક્ષણોની સાક્ષી બનાવી દીધું.
માત્ર ૬ થી ૧૪ વર્ષની વયના ૬૫૨ બાળકો અને ૬૪૦ બાલિકાઓ – એમ કુલ ૧૨૯૨ બાળ વિદ્વાનોએ ૩૧૫ સંસ્કૃત શ્લોકો ધરાવતા સત્સંગ દીક્ષા ગ્રંથને કંઠસ્થ કરી વૈદિક ઋત્વિજોની માફક યજ્ઞવિધિ કરી, ઉપસ્થિત મહાનુભાવો અને શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધા.
સાંજના ચાર વાગ્યે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સાવિત્રીબેન ઠાકુર તથા પ્રખર શિક્ષણવિદ તેજલબેન અમીનના આગમન પ્રસંગે નાની વિદુષી બાલિકાઓએ સ્વાગત–અભિવાદન કરી તેમને મુખ્ય યજ્ઞકુંડ સુધી દોરી ગયા. સ્વાગત બાદ સમગ્ર પરિસરમાં વૈદિક શાંતિપાઠનું સમૂહ ગાન ગુંજી ઉઠ્યું.
મુખ્ય યજ્ઞકુંડ ખાતે યજ્ઞદીપ પ્રજ્વલન સાથે ફુગ્ગાઓને ગગનમાં છોડવામાં આવ્યા અને એકસાથે ૨૯૨ યજ્ઞકુંડોમાં ૧૨૯૨ બાળકો દ્વારા યજ્ઞનો આરંભ થયો. માત્ર બાળકો દ્વારા આયોજિત આ મહાયજ્ઞે અનોખું કીર્તિમાન સર્જ્યું.
યજ્ઞની પૂર્ણાહુતિ દરમિયાન સંસ્થાના સદગુરુ સંત ત્યાગવલ્લભ સ્વામી સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડૉ. હેમાંગભાઈ જોષી, વિધાયક યોગેશ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ બાળકો સાથે આહુતિ અર્પણ કરી.
અંતે ૫૦૦ દિવેટવાળી ભવ્ય મહાઆરતી, શિવ તાંડવ નૃત્ય અને દરેક યજ્ઞકુંડ પાસે મશાલધારી યુવાનોની હાજરીએ સમગ્ર સુરસાગર પરિસરને અલૌકિક આધ્યાત્મિક વાતાવરણથી તરબોળ કરી દીધું. આ રીતે સુરસાગર તળાવ સાચા અર્થમાં “સંસ્કૃતિના સૂરનો સાગર” બની ઊભર્યું.