National

બાળકોનાં સર્વાંગી વિકાસ માટે… પેરન્ટ્સ શું કરી શકે?

મિત્રો, ગયા અંકમાં આપણે જોયું અને અનુભવીએ પણ છીએ કે વિશ્વ પેનડેમીકમાં બાળકોનો સર્વાંગી વિકાસ ખોરંભે પડયો છે. બાળકો પણ કુટુંબમાં, આજુબાજુમાં ઘટતી ઘટનાની નકારાત્મક અસરોની ઝપેટમાં આવી જ જાય છે. બાળકોમાં થોડેવત્તે અંશે હિંસા- શાબ્દિક અને અશાબ્દિક બંને તથા વિવિધ માનસિક આરોગ્યની સમસ્યાઓ જોવા મળી રહી છે. બાળકોમાં વધુ ગુસ્સો, ચીડિયો સ્વભાવ, કોઇ પણ કાર્ય માટે ઓછી તત્પરતા  જોવા મળી રહી છે. એક અંદાજ અનુસાર ૨૦ વર્ષથી નીચેની વસ્તી આપણી કુલ વસ્તીના ૪૧ %  છે. આ જ સંખ્યા સ્કૂલમાં જતાં બાળકોનો નિર્દેશ પણ કરે છે. ભારતમાં ૨૦-૨૧ દરમ્યાન ૧.૫ મિલિયન શાળાઓ ૩૧૫ દિવસ માટે બંધ રહી કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન. UNESCO ના અંદાજીત રીપોર્ટ પ્રમાણે નીચી આવકવાળા દેશોમાં માત્ર ૫૦ % વિદ્યાર્થીઓ / બાળકો ડીજીટલ શિક્ષણ મેળવી શકયાં છે. જેમાં શહેરોનાં બાળકોની ટકાવારી વધુ હોવાની શકયતા છે અને ગામડે જયાં ઇલેક્ટ્રિક  સપ્લાય તથા ઇન્ટરનેટની સુવિધા અનિયમિત હોવાથી શીખવાની પ્રક્રિયામાં વધુ મુશ્કેલીઓ ઊભી થતી હોય.

આંગણવાડી કેન્દ્રો જે બાળકોમાં શિક્ષણનો પાયો નાંખી મજબૂત બનાવે છે તે પણ ઘેરી અસરમાં છે અને બાળકોમાં કુપોષણ તથા શારીરિક તેમ જ માનસિક વિકાસના માપદંડો ઘણા જ ઓછા વિકસી રહેલા છે અથવા તો વિકાસના માપદંડો અને વિકાસની વચ્ચે ખાઇ વધી રહેલી છે. ત્યારે WHO, UNICEF, GOIએ બાળકોના વિકાસ માટે Home-based parent Participation learning during School Closure and beyond માટે ખૂબ જ સરળ ભાષામાં ગાઇડલાઇન પૂરી પાડી છે.

* મંત્રાલયના કહેવા પ્રમાણે ‘ઘર જ સૌ પ્રથમ શાળા હોઇ શકે’ અને માતા-પિતા જ સૌ પ્રથમ શિક્ષક હોઈ શકે.’ વાતમાં ઘણું જ તથ્ય છે. કુટુંબ સામાજિકીકરણનું મહત્ત્વનું અંગ છે. બાળક આ દુનિયામાં આવે પછી સૌ પ્રથમ કુટુંબના સભ્યો – ખાસ કરીને ‘મા’થી જ દુનિયા શરૂ થતી હોય છે. પછી એમાં બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ ઘરના અન્ય સભ્યો બહેન, દાદા-દાદી, કાકા-કાકી વગેરેનો સમાવેશ થતો જાય છે.

  • * નવી શિક્ષણનીતિમાં, બાળકની ઉંમરના પ્રમાણે શિક્ષણના સ્ટેજ નકકી કરાયા છે જેમાં
  • (1) 3-8 વર્ષ – ફાઉન્ડેશન સ્ટેજ
  • (2) 8 – 11 વર્ષ – પ્રીપેટરી સ્ટેજ અને
  • (3) 11 – 14 વર્ષ – મિડલ સ્ટેજ
  • (4) 11-18 વર્ષ તરુણથી યુવાવસ્થા દરમ્યાન વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ બતાવવામાં આવી છે. જે પ્રવૃત્તિ માતા-પિતા શિક્ષિત ન હોય તો પણ કરાવી શકાય છે.

* માતા-પિતાને NEP – 2020  ગાઇડલાઇન ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી છે.

* પહેલાં તો માતા-પિતાએ બાળકનું રૂટિન બનાવવું રહ્યું જેમાં બાળકનાં વિચાર – સંમતિ પણ હોવા જોઇએ. બાળક પર કોઇ પણ જબરદસ્તી ન કરતાં એની સાથે વાતો કરી, સમજાવટ કરી એનો શિક્ષણકાર્ય તેમ જ રમવાનો સમય નકકી કરવો. સમય નકકી કર્યા પ્રમાણે અમલ પણ  કરવો રહ્યો અને કરાવવો રહ્યો.

* રમવાના સમયમાં ખેલકૂદને પ્રાધાન્ય આપી T.V. તથા ફોનનો ઉપયોગ નહીંવત કરે તેનું ધ્યાન રાખવું કેમ કે બાળક online ભણે છે તો mobile internetનો ઉપયોગ આવડી જાય છે. જો વધુ ઉપયોગ થાય તો શારીરિક તથા માનસિક નુકસાન થાય છે.

* બાળકો સાથેની વાતચીતમાં હકારાત્મક ભાષાનો ઉપયોગ કરવા પર ભાર અપાયો છે.

રવિનાનું બાળક ધો. 2 માં online ભણે છે. ગણિતમાં કે સ્પેલિંગમાં ભૂલ થાય તો રવિના ‘તને આટલું દેખાતું નથી’ વાકયનો ઉપયોગ વારંવાર કરે છે. આપણે સૌ જાણીએ છીએ આજે covid-19 ના લોકડાઉનના લીધે આર્થિક, કૌટુમ્બિક સમસ્યાઓ વકરી છે પણ એનો મતલબ બાળકને ટોક-ટોક કરવાનું અને નકારાત્મક વાકયો કહ્યાં કરવાનાં તો નહીં જ ને.

* માતા-પિતા જ બાળકોનાં રોલમોડેલ હોય છે.

તો તમારી દરેકે – દરેક પ્રવૃત્તિ માટે તમારે સજાગ રહેવાની જરૂર પડે કેમ કે તમે કહેશો તે કરતાં તમે જે કરશો તે પ્રમાણે બાળક અનુકરણ કરશે માટે વાણી, વર્તન અને વિચારોની બાળકો પર ઊંડી અસર પડશે એવું સતત વિચારીને હળવાશભર્યું વાતાવરણ સર્જવાનો પ્રયત્ન કરવો.

* કુટુંબમાં દરરોજ એક કાર્ય કે પ્રવૃત્તિ એવી હોવી જોઇએ જેમાં ઘરના બધા સભ્યો ભાગ લે. TV – અને સોશ્યલ મીડિયાના ભરડામાં તો જમવાનું- ખાસ કરીને રાતનું ટી.વી.ની સામે જ પતી જતું હોય છે. સીરિયલના બ્રેકમાં પણ અવાજ ચાલુ રખાતો હોય અથવા તો બીજી ચેનલ પર પહોંચી જવાતું હોય છે. આમાં આખા દિવસનો સૌ સભ્યો વચ્ચે સંવાદ થતો નથી હોતો માટે બીજી અન્ય પ્રવૃત્તિ વિશે વિચારતા પહેલાં સૌ સાથે જમે અને ટીવી બંધ હશે તો દરેક સભ્યનાં દિલોદિમાગ એકબીજા સાથે આદાનપ્રદાન કરતાં હશે અને તંદુરસ્ત વાતાવરણનો માહોલ ઊભો થઇ જશે. અન્ય પ્રવૃત્તિ ઉદાહરણરૂપે, ગાર્ડનની પ્રવૃત્તિ કે સફાઇની પ્રવૃત્તિ – અઠવાડિયાને અંતે પણ રાખી શકાય છે. ‘we feeling’ નો અદ્‌ભુત અનુભવ થશે.

* સોશ્યલ મીડિયામાં આવતી હકારાત્મક વાર્તા, ગીતો તેમ જ સત્યઘટના બાળકોને વાંચી સંભળાવીએ જેથી સારા વિચારોની રોપણી થાય, ચારિત્ર્ય બળવાન થાય.

મિત્રો નાની – નાની ક્રિયાથી શરૂઆત કરજો, હકારાત્મક પરિણામ ચોકકસ મળશે.

Most Popular

To Top