Business

ફોતરાં-ચિંતન

મથાળાના બે અર્થ થાયઃ ફોતરાં જેવું ચિંતન અથવા ફોતરાં વિશે ચિંતન. તેમાંથી પહેલા અર્થ વિશે સુજ્ઞ ગુજરાતી વાચકો જાણે છે. ઓર્ગેનિક ખાણીપીણીને લીધે ફોતરાના ગુણ સમજેલા કેટલાક લોકો તો માને છે કે એવા ચિંતનની ફોતરાં સાથે સરખામણી કરવામાં ફોતરાંનું અપમાન થાય છે. બીજી તરફ અનેક વાંચનારાને (પહેલા પ્રકારના) ફોતરાં-ચિંતનનું એટલું બંધાણ થઈ ચૂક્યું છે કે હસતાં હસતાં નહીં તો ટીકા કરતાં કરતાં પણ તે ફોતરાં-ચિંતન વાંચે છે ને ‘હવે પહેલાં જેવું નથી રહ્યું’—એવો અહેસાસ વધુ એક વાર કરીને સંતોષ માને છે.

ફોતરાં-ચિંતનની સરખામણીમાં અસલી ફોતરાંની વાત જુદી છે. જેમ કે, સિંગનાં કે ચણાનાં ફોતરાં. સીતાફળના પ્રેમી હોય એવા દરેક જણને એકાદ વાર તો વિચાર આવ્યો જ હશે કે બિયાં વગરનાં સીતાફળ કેમ નથી આવતાં? એવી જ રીતે, ઉદારીકરણ પહેલાંના યુગમાં સિંગ-ચણા ખાતી વખતે ઘણા ખરાને એકાદ વાર તો એવો વિચાર આવ્યો જ હશે કે ‘અત્યારે ભગવાન પ્રસન્ન થઈને કંઈક માગવાનું કહે તો હું માગું, હે ભગવાન, આ સિંગ-ચણાનાં ફોતરાં કાઢી આપો.’ આ લાગણીમાં અતિશયોક્તિ છે, પણ તે સાવ બિનપાયાદાર નથી. ફોતરાંવાળી ખારી સિંગ કે ફોતરાંવાળા ચણા ખાવા બેઠેલા જણની મનોદશા જરા કલ્પી જુઓ. તેની 90 % શક્તિ, તેનું 90 % ધ્યાન સિંગ કે ચણાને રક્ષણાત્મક આવરણ પૂરું પાડતાં ફોતરાંનો નિકાલ શી રીતે કરવો તેમાં હશે. હથેળીમાં સિંગ કે ચણા ભરેલા હોય પણ એક-એક દાણો ફોતરું કાઢીને, તપાસ્યા વિના મોંમાં મૂકી ન શકાય—જેમ, એરપોર્ટ પર સિક્યોરિટીવાળો એક-એક જણને બધા બેગબિસ્તરા કઢાવીને તપાસ્યા વિના અંદર આવવા ન દે.

કપ અને હોઠ વચ્ચેના અંતરની જેમ, ફોતરાવાળા ખાદ્યપદાર્થ અને મોં વચ્ચે પણ બસ હાથ ચલાવવા જેટલું જ અંતર હોય ત્યારે ફોતરાં વચ્ચે આડા હાથ દઈને ઊભાં રહે છે—જાણે સિંગ-ચણાની તે છેલ્લી સુરક્ષાહરોળ હોય. એવા સમયે અધીરા કે ઝીણવટના પ્રેમી ન હોય એવા લોકો ફોતરાં કાઢવાની ઝંઝટમાં પડ્યા વિના, સીધેસીધા ખાવાની શરૂઆત કરી દે છે. એ દૃશ્ય જોઈને આગ્રહી લોકોનો જીવ કકળે છે. તે બોલી ઊઠે છે, ‘અરે, અરે. ફોતરાં તો કાઢવાં હતાં? એમ ને એમ જ…?’ ખાનાર બોલવાને બદલે કામ કરવામાં માનતા હોય તો તેમને આવી ચોખલિયાગીરીનો જવાબ આપવામાં રસ પડતો નથી. જવાબો આપવામાં સમય બગાડવાને બદલે તે ફોતરાંયુક્ત સિંગ-ચણાના બીજા બે-ત્રણ ફાંકડા મારવાનું વધારે પસંદ કરે છે.

 પરંતુ ફાંકડા મારવા બેસી જનારામાંથી કેટલાંક વિચારશીલ ટાઇપના હોય છે. તે મોંમાં ઓરેલા સિંગ-ચણા ચાવતાં ચાવતાં, ફોતરાં કાઢવાનો અનુરોધ કરનારને સમજાવે છે, ‘જુઓ, તમારી લાગણી સાથે હું સંમત છું. સૈદ્ધાંતિક રીતે તમારી વાત ખોટી છે એવું નથી પણ તમે વિચાર કરો. આપણે જ્યાં બેઠાં છીએ ત્યાં હું ફોતરાં કાઢવા બેસું તો શું થાય? હથેળીમાં સિંગ (કે ચણા) લઈને હું મસળવાનું ચાલુ કરું એટલે હમણાં ફોતરાં જુદાં પડી જાય પણ પછી હું હથેળીમાં ફૂંક મારીશ તો એ બધાં ફોતરાં પતંગિયાં બનીને આપણી આજુબાજુ ઊડવા લાગશે. ત્યારે તમે જ મને ઠપકો આપશો—અને ડસ્ટબીન વાપરવાનું તો આપણી સંસ્કૃતિમાં કહ્યું નથી. ડસ્ટબીન પાશ્ચાત્ય પ્રથા છે. સરવાળે, ફોતરાં કાઢીને પછી તમારા જેવા ઘણાને નારાજ કરવા એના કરતાં ફોતરાં કાઢ્યા વિના તમને એકને નારાજ કરવા, એ વિશ્વશાંતિ માટે વધારે લાભદાયી નથી? શું કહો છો?’

આવું ગહન ચિંતન સાંભળીને ફોતરાં કાઢવાના આગ્રહી માથું ખંજવાળવા લાગે છે. બીજા પ્રકારના વિચારશીલો બે ડગલાં આગળ વધીને સામેવાળાને તેમના અજ્ઞાન બદલ શરમમાં નાખતાં કહે છે, ‘ઓહો, એનો અર્થ એ થયો કે તમને ખબર નથી લાગતી.’ આવું સાંભળીને ફોતરાં નહીં કાઢ્યાની ટકોર કરનાર મૂંઝાય છે. તે સ્વસ્થતા પાછી મેળવે તે પહેલાં જ ફોતરાભેર બુકડો મારી ગયેલો જણ કહે છે, ‘જુઓ, તમે એ તો માનો છો ને કે કોઈ પણ વસ્તુ કૃત્રિમ કરતાં કુદરતી સ્વરૂપે વધારે સારી? જેમ કે, ખાતર. રસાયણ કરતાં સેન્દ્રીય વધારે સારું કે નહીં?’ સામેવાળો ન છૂટકે હકારમાં ડોકું ધુણાવતાં સવાલ પાછળ રહેલો તર્ક સમજવાની કોશિશ કરે છે પણ તે પોતાના પ્રયાસમાં આગળ વધી શકે તે પહેલાં દલીલનો ઉત્તરાર્ધ આવે છે, ‘ફોતરાં એ તો અસલી ચીજ છે-ગુણકારી કુદરતી તત્ત્વ છે.

 તમે કોઈ દિવસ સાંભળ્યું કે ઘોડાએ ચણા ખાતાં પહેલાં ફોતરાં કઢાવ્યાં? અને ફોતરાંવાળા ચણા ખાવાથી તેની તબિયત શબ્દાર્થમાં ઘોડા જેવી રહે છે કે નહીં?  તેનો અર્થ શો થયો? એ જ કે ઘોડા જેવી તબિયત રાખવી હોય તો ચણા ને બીજું આવું જે કંઈ હોય તે ફોતરાં સાથે ખાવ. ફોતરાં ઓર્ગેનિક છે, કુદરતી છે, સત્ત્વશીલ છે… આપણે અન્ન તપસ્યાના એ મુકામે પહોંચવાનું છે, જ્યાં આપણે સિંગ-ચણા કાઢી નાખીને ફક્ત ફોતરાં ખાઈએ અને દુનિયા સમક્ષ ઉપદેશથી નહીં પણ આચરણથી ફોતરાંનું મહત્ત્વ સ્થાપિત કરીએ.’ આ વાતમાં વજન ઉમેરવા માટે ‘અમેરિકાની એક યુનિવર્સિટીના સર્વેમાં જાણવા મળ્યું હતું કે… અથવા ‘આયુર્વેદમાં લખ્યું છે કે…’ એવા ટેકા મૂકી શકાય કેમ કે, પોસ્ટ-ટ્રુથ યુગમાં ફોતરાં સત્ય છે ને સિંગ-ચણા મિથ્યા.

Most Popular

To Top