Godhra

ફાયર જવાને સમયસૂચકતા દાખવી મોટી ગેસ દુર્ઘટના ટાળી પરિવારનો બચાવ કર્યો

ફાયર કર્મી કલ્પેશ વાઘેલાની સમયસૂચકતાથી પરિવારના 5 સભ્યોનો બચાવ

પ્રતિનિધી ગોધરા તા.18

ગોધરાના વાવડી બુઝર્ગમાં ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકતા ફરજ પરથી પરત ફરતા ફાયર જવાને સમયસૂચકતા દાખવી મોટી દુર્ઘટના ટાળી પરિવારનો આબાદ બચાવ કર્યો હતો.
ગોધરા શહેરના દાહોદ હાઈવે પર આવેલા વાવડી બુઝર્ગના બાપુનગર વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ હતી. જોકે, ફરજ પરથી પરત ફરી રહેલા ફાયર બ્રિગેડના જવાનની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને પરિવારના ચારથી પાંચ સભ્યોનો આબાદ બચાવ થયો હતો.
બનાવની વિગત એવી છે કે, બાપુનગરમાં રહેતા મુકેશગીરી રામગીરી ગોસ્વામીના ઘરે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા પરિવારજનોમાં નાસભાગ અને બૂમાબૂમ મચી ગઈ હતી. આ સમયે ગોધરા ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા કલ્પેશભાઈ વાઘેલા પોતાની નોકરી પૂર્ણ કરી સંતરામપુર ઘરે જઈ રહ્યા હતા. પેટ્રોલ પંપ પાસે તેઓને આગની જાણ થતાં અને બૂમાબૂમ સાંભળતા જ તેઓ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા.
કલ્પેશભાઈએ જોખમ ખેડીને પણ સળગતા સિલિન્ડરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી તેમણે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડનો કાફલો આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી સિલિન્ડરને ઘરની બહાર કાઢ્યો હતો.

Most Popular

To Top