*મૃતક મહિલાના પતિએ ફતેપુરા પોલીસમાં લેખિત ફરિયાદ આપી: લાશને પી.એમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાઈ*
સુખસર: ફતેપુરામાં આવેલ વરદાન હોસ્પિટલ અવાર-નવાર વાદવિવાદોમાં ઘેરાતી આવેલ છે. આ હોસ્પિટલમાં ત્રણેક મહિનાના સમયગાળામાં ચાલુ સારવાર દરમિયાન સગર્ભા મહિલાઓના મોત નીપજી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તાજેતરમાં ત્રણેક મહિના અગાઉ ફતેપુરા તાલુકાના એક ગામની મહિલાનું આજ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાનમાં મોત નીપજવાની ઘટના સમી નથી ત્યાંજ ફરી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.જેના પગલે તબીબની લાયકાતના આધારે સારવાર કરવાની પદ્ધતિ સામે આક્ષેપ થઈ રહ્યા છે. જ્યારે મૃતક મહિલાના પરિવારજ નો ના આક્ષેપ મુજબ સગર્ભા મહિલા ને 16 કલાક સુધી દવાખાનામાં દવા સારવાર આપ્યા બાદ જ્યારે તેનું મોત નીપજ્યું ત્યારે સારવારમાં બેદરકારી રાખી છેલ્લા સમયે અન્ય દવાખાના રિફર કરવાનું વરદાન હોસ્પિટલના ડોક્ટરે જણાવી ફરાર થઈ જતા ફતેપુરા તાલુકામાં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બનવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના વાંગડ ગામના અશ્વિનભાઈ નારસિંગભાઈ પારગીના ગત દોઢેક વર્ષ અગાઉ ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ગામના મીનાક્ષીબેન સાથે લગ્ન થયા હતા.તેઓના સુખી દાંપત્ય જીવન દરમિયાન મીનાક્ષી બેનના પેટમાં પાંચ માસનો ગર્ભ ઉછરી રહ્યો હતો.અને તેમની સારવાર ફતેપુરા ખાતે આવેલ વરદાન હોસ્પિટલના ડોક્ટર હિતેશ પટેલ પાસે કરાવવામાં આવી રહી હતી. આ દરમિયાન સગર્ભા મહિલાને 25 એપ્રિલ 2024 ના રોજ વહેલી સવારે ગુપ્ત ભાગે લોહીનો પ્રવાહ ચાલુ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા ફતેપુરા ખાતે આવેલ વરદાન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.અને રાત્રિના આઠેક વાગ્યાના અરસા સુધી મીનાક્ષીબેન તંદુરસ્ત હતા.તેમજ સારી રીતે વાતચીત પણ કરી શકતા હતા. ત્યારબાદ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ડોક્ટર હિતેશ પટેલ દ્વારા મહિલાના પતિને બોલાવીને જણાવેલ કે,તમારી પત્નીને વધુ સારવાર માટે બીજા હોસ્પિટલ ખાતે લઈ જવાની જરૂરત છે તેમ કહીને મહિલા ને પોતાના હોસ્પિટલમાંથી અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવા માટે દર્દીના પતિને ગાડીની વ્યવસ્થા કરી આપી હતી.તે વખતે આ મહિલાને ગાડીમાં બેસાડવા માટે લઈ જવા મહિલાને ઉઠાડતા આ મહિલા હાલીચાલી કે બોલી શકતી ન હતી.અને શ્વાસ પણ લેતી ન હોય મહિલાના પતિને શક જતાં આ બાબતે ડોક્ટરને જાણ કરી ત્યારે તે સમયે ડોક્ટરને મહિલાનું મોત થયું હોવાની જાણ થતા ડોક્ટર સહિત દવાખાનાનો સ્ટાફ અન્ય દર્દીઓને રેઢા મૂકી ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ મૃતક મહિલાના સ્વજનો કરી રહ્યા છે.
જોકે ઉપરોક્ત બાબતે તબીબની બેદરકારીથી મહિલાનું મોત નીપજ્યું હોવા અંગેના આક્ષેપ સાથે રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જઈ મૃતક મહિલાના પતિએ લેખિત ફરિયાદ આપતા ફતેપુરા પોલીસ એકશનમાં આવી હતી.જે બાદ ઘટનાની ગંભીરતા સમજીને ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ દ્વારા તાત્કાલિક પગલાં લઈ ફતેપુરા પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખીને તેમજ ફતેપુરા મામલતદારની ટીમ સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.અને લાશનું પંચનામુ કરીને લાશને પી.એમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી ફરાર ડોક્ટરને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.તેમજ હાલ ફતેપુરા પોલીસે જાણવા જોગ નોંધ લઇ મૃતક મહિલાના મોતનુ કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
*સારવાર દરમિયાન મહિલાનું મોત થતા વરદાન હોસ્પિટલના ડોક્ટર સહિત સ્ટાફ ફરાર થયો:અન્ય ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી*
નોંધનીય બાબત છે કે ફતેપુરાના વરદાન હોસ્પિટલના ડોક્ટર હિતેશ પટેલ દવાખાનામાં અન્ય દાખલ દર્દીઓને મૂકીને સ્ટાફ સાથે ફરાર થઈ જતા દવાખાનામાં દાખલ દર્દીઓની માવતર હોસ્પિટલના તબિયત ડોક્ટર ગૌરવ બરજોડ દ્વારા સારવાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.અને જરૂર જણાય તો પોતાને કોઈ પણ સમયે કોન્ટેક્ટ કરવા અને સમયસર સારવાર મેળવવા દર્દીના સગાઓને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ગુરૂવાર રાત્રિના ફતેપુરા વરદાન હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની અમોને જાણ થતા તાત્કાલિક અમો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં મૃતક મહિલાના પરિવાર તરફથી આક્ષેપ કરવામાં આવતો હતો કે, ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નીપજ્યું છે.જે રજૂઆત સાંભળતા અમોએ લાશનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી બાદ લાશને પી.એમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી છે.હાલ જે ઘટના બની છે તે કેવી રીતે બની છે તે કહી શકાય નહીં.પી.એમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવી શકે.
*(જે.બી.તડવી,પી.એસ.આઇ,ફતેપુરા પોલીસ સ્ટેશન)*
ફતેપુરાના વરદાન હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન સગર્ભા મહિલાનું મોત થતાં ડોક્ટર સહિત સ્ટાફ ફરાર થયો
By
Posted on