ફતેપુરા તેમજ દાહોદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
દાહોદ તા 4 વિનોદ પંચાલ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે મંગળવારે મૂડી રાતે એક હડકાયા કૂતરાએ ભયંકર આતંક મચાવ્યો હતો. હડકાયા કૂતરાના આતંકની આ ઘટનામાં ૨૨થી વધુ ગ્રામજનોને મોઢા, ચહેરા તથા હાથ પર બચકાં ભરવામાં આવ્યા હતા. હડકાયા કુતરાએ આ હુમલો મોડી રાત્રે ઊંઘમાં સૂતેલા લોકો પર કર્યો હતો. જેના કારણે ગામમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ હડકાયા કૂતરાએ ઘરમાં ઘૂસીને સુતેલા લોકોને નિશાન બનાવ્યા હતા. ગામના રહેવાસી સુરપાલ પારંગી એ જણાવ્યું કે અચાનક ક્યાંકથી આવેલું હાડકાયું કૂતરું ઘરમાં ઘૂસી આવ્યું અને સુતેલા લોકોને મોઢા પર તેમજ હાથે ભચકાં ભરીને ભાગી ગયું હતું. આ ઘટનાથી ગામમાંથી ચીસાચીસ અને અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.

હડકાયા કૂતરાના હુમલાનો ભોગ બનેલા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ફતેપુરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ ગંભીર ઇજાઓ ધરાવતા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. કેટલાક દર્દીઓની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર ઘટના બાદ ઘુઘસ ગામમાં ભારે દહેશત અને રોષનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોએ પ્રશાસન પાસે હાડકાયા શ્વાનને તાત્કાલિક પકડીને નાશ કરવા તેમજ ગામમાં રેબીઝ વિરોધી રસીકરણ કેમ્પ યોજવાની માંગ કરી છે. જો કે, પ્રશાસન દ્વારા હજી સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.