હેપ્પી નવરાત્રિ….
નવરાત્રિમાં તમારું તન જ નહીં મન પણ ખુશીથી નાચી ઊઠે એવી અંતરની શુભેચ્છાઓ….
કોરોના પછીની આ નવરાત્રિ માટે સહુ કોઇ રોમાંચક છે. પગ તમારા થનગનાટ કરતા હશે… પરંતુ આ લખાય છે ત્યારે શહેરમાં કોરોનાના કેસો વધવાના વાવડ છે. સો… બી કેરફૂલ… નવરાત્રિની બેદરકારી દિવાળીમાં ભારે ન પડે એ વાતનું ધ્યાન અવશ્ય રાખવું પડશે કારણ કે નવરાત્રિ કરતાં દિવાળી સાથે અનેક લોકોનાં આશા – અરમાન જોડાયેલાં છે. દિવાળી બગડશે તો આખું વરસ બગડશે.
બીજું, આ વર્ષે શેરીગરબાની રમઝટ જામશે. મોટાં આયોજનોમાં બોલિવૂડ મ્યુઝિક અને ડાન્સની ભેળસેળ થતી હોવાથી ગરબાનું સામ્રાજય અંત સુધી ભાગ્યે જ રહે…. છેલ્લે લોકો વલ્ગર ગીતોનાં તાલે બેકાબૂ બનીને ઝૂમવા માંડે ત્યારે માતાનાં ગરબા અને ભકિત બંને અપમાનિત થતાં હોય એવું મહેસૂસ થતું. આ વરસે અંત સુધી ગરબાને માણવાનો ચાન્સ છે. ગરબા એ માત્ર ગીત-સંગીત કે નૃત્ય નથી. એમાં આપણું ગ્રામ્ય જીવન, લોકજીવન અંતરની ઉછળતી ઊર્મિઓ, પ્રાર્થના – ભકિત, પ્રેમ અને રોમાન્સ જેવી અનેક બાબતો ધબકે છે. અનેક નવા ગુજરાતી કલાકારોને એનાં દ્વારા ઓળખ મળી છે. એને સાચવવાની આ વર્ષે જે તક મળી છે એને ઝડપીએ અને આપણી ગુજજુ સંસ્કૃતિને વધુ વેગવાન બનાવીએ. ત્રીજું, નવરાત્રિ એ નારીશકિતની ઉજવણીનો અવસર છે. આ નારીશકિતને બળ આપવા માટે આપણે શું કરીએ છીએ? શું માત્ર માતાની આરતી-પૂજા કે ગરબાથી નારીશકિતને બળ મળી જશે? ના, એ માટે નકકર પ્રયાસો કરવા જ પડે અને એની શરૂઆત આ વર્ષે નવરાત્રિમાં નવ સંકલ્પ લઇને કરીએ.
પહેલો સંકલ્પ છે કોઇ પણ સ્ત્રીને એનાં બાહ્ય રૂપરંગ જોઇને ઉતારી ન પાડીએ. બ્યૂટીના ભ્રામક ખ્યાલે આજે અનેક સ્ત્રીઓ ‘બોડી શેમીંગ’ ફીલ કરે છે અને હતાશામાં સરે છે અને ખુદને સુંદર બનાવવાના ધમપછાડામાં સમય, શકિત અને નાણાંનો વ્યય કરે છે… સો… આપણી દૃષ્ટિ બદલીએ. બીજો સંકલ્પ છે દીકરા અને દીકરીને એકસમાન ગણવાનો. દીકરીને એનો હકક, તક અને અધિકાર મળે એ માટે પ્રયત્નશીલ રહેવાનો. હા, દીકરીને ઉત્તેજન આપવામાં દીકરાને અન્યાય ન થાય એ પણ ધ્યાનમાં રાખીએ. કોઇ પણ સ્ત્રી આગળ વધતી હોય તો ટાંટિયા ન ખેંચીએ. બલકે પ્રોત્સાહન આપીએ. પછી એ સ્ત્રી તમારી પડોશણ હોય કે વહુ, દીકરી હોય. એ થયો ત્રીજો સંકલ્પ.
સ્ત્રીનાં સન્માનને હાનિ પહોંચાડતી કોઇ પણ પ્રવૃત્તિમાં ન જોડાઇએ એ ચોથો સંકલ્પ. એમને લગતાં જોકસ, કમેન્ટ અને ખોટી ટીકા-ટિપ્પણીથી દૂર રહીએ. પાંચમા ક્રમે આવે છે સ્ત્રી તરીકે સ્ત્રીની દોસ્ત બનવું દુશ્મન નહીં. એને સંબંધોમાં હરીફ ગણવાને બદલે પરસ્પર પૂરક બનીએ…. અને સાથ – સહકારની ભાવના વિકસાવીએ. છઠ્ઠો સંકલ્પ છે સ્ત્રીને એનાં સપનાં સાકાર કરવાની તક આપીએ. સ્ત્રી હોવાને કારણે આ કરી શકે અને આ ન કરી શકે એવી માન્યતાથી મુકત થઇ એને પાંખ અને આકાશ બંને આપીએ. સ્ત્રીનાં શોષણનું મહત્ત્વનું કારણ છે એની પરાધીનતા. તેથી એ પરાધીનતાની બેડી તોડી સ્વાવલંબી બને એના પર ભાર મૂકીએ. માત્ર આર્થિક સ્વાવલંબન નહીં પરંતુ નિર્ણયો લેવાનું, ના પાડવાનું અને પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરવાની સ્વાધીનતા મળે એવું વાતાવરણ ઊભું કરીએ એ આઠમો સંકલ્પ.
સ્ત્રી દુ:ખી થાય, હેરાન -પરેશાન થાય છે કારણ કે એ અન્યાય સહન કરે છે, કયારેક શાંતિ જાળવવા તો કયારેક સંઘર્ષ ટાળવા એ સ્થિતિને શરણે જાય છે તેથી સામી વ્યકિતનો અન્યાય કરવા માટેનો હોંસલો વધારે બુલંદ બને છે. તેથી નવમો સંકલ્પ અન્યાય અને અત્યાચારનો વિરોધ કરવો એ છે. જયાં સુધી આ પ્રકારના સંકલ્પો દ્વારા સ્ત્રીને શકિતમાન બનાવવાના પ્રયાસો ન થશે, સ્ત્રી સશકત બની સમાજ નિર્માણનાં, રાષ્ટ્રનિર્માણના દરેક પ્રયાસોમાં ન જોડાશે ત્યાં સુધીમાં શકિતની પૂજા અધૂરી રહેશે. માને ખુશ કરવા માટે પહેલાં આપણી આજુબાજુની સ્ત્રીઓને એનાં આભ આપીએ… જો આમ કરીશું તો વગર પૂજાએ મા શકિત આપણા પર પ્રસન્ન થશે અને આપણી ઇચ્છાઓને ફળીભૂત પણ કરશે. – સંપાદક