Charchapatra

પ્રાદેશિક ભાવના અને રાષ્ટ્ર

વિભિન્નતામાં એકતા સિધ્ધ કરવા સંકુચિત પ્રાદેશિક ભાવના છોડવી રહી. વધુ વિકાસ, વધુ ન્યાય અને વધુ આત્મીયતાને ધ્યાનમાં લઇ,  ભારતમાં ભાષાવાર રાજયોની રચના કરવામાં આવી, જેથી વિવિધ પરંપરા, વિવિધ ભાષા, વિવિધ સાંસ્કૃતિક ઓળખ, વિવિધ પ્રાદેશિક અસ્મિતા જળવાઇ રહે. દુર્ભાગ્યે કેટલાંક રાજયો તેમની સીમા અંગે વિવાદ ચલાવે છે, જાણે વિદેશ સાથેની સરહદ બાબતે તંગદિલી ચાલતી હોય, તે રીતે અશાંતિ સર્જે છે. હિંસક આચરણ પણ કરે છે. સારું છે કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ છે અને રાજયોને સંપૂર્ણ સ્વાયત્તતા આપવામાં આવી નથી. એક જ દેશમાં બે રાજયો વચ્ચે ચાલતો વિવાદ ડામી દેવો જોઇએ.

હાલમાં આસામ અને મેઘાલયમાં લોકો અને ખાનગી વાહનોની અવરજવર પર રાજય તરફથી  પ્રતિબંધ મૂકાયો હતો. ઇન્ટરનેટ સેવા પર પણ પ્રતિબંધ લદાયો હતો. દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓ પ્રભાવિત થઇ હતી. અસામાજિક તત્ત્વોને તો તોડફોડ અને આગજનીનો મોકો મળી જાય છે. પોલીસતંત્ર માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું મુશ્કેલ બને છે. પ્રવેશબંધી માટે બેરીકેટેડ લગાડવાની ફરજ પડે છે. ડીઝલ, પેટ્રોલ જેવાં ઇંધણો લઇ જતાં વાહનો માટે પરિવહન સ્થગિત થઇ જાય છે. મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવાય છે. સોશ્યલ મીડિયા અને મેસેજીંગ એપનો દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે.

આસામ અને મેઘાલયની વચ્ચે આઠસો ચોર્યાસી પોઇન્ટના કિલોમીટરની લાંબી આંતરરાજય સરહદને અડીને આવેલા બાર વિસ્તારોમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ઘણી વાર પરિસ્થિતિ એવી વણસે છે કે જુદા જુદા વિસ્તારોમાં કર્ફયુ લાદવાની ફરજ પડે છે. અન્ય રાજયો જેવાં કે ગુજરાત – મહારાષ્ટ્ર વચ્ચે બેલગામ મુદ્દે, કર્ણાટક – મહારાષ્ટ્ર વચ્ચે ક્રિષ્ણા – કાવેરી મુદ્દે, તામિલનાડુ – કર્ણાટક વચ્ચે વિવાદ ચાલ્યા કરે છે. આઝાદી વેળાનાં રજવાડાં વચ્ચે ઘર્ષણ સમજી શકાય, રાજાઓ વચ્ચેનાં યુદ્ધો સમજી શકાય, પણ આ તો સ્વતંત્ર, પ્રજાસત્તાક, રાષ્ટ્રમાં બને તો રાષ્ટ્રીય એકતા જ જોખમાય. ધર્મ અને ભાષાના ઝઘડા પણ કદી થવા ન જોઇએ. પરપ્રાંતી ભેદભાવ પણ દૂર થવા જોઇએ. યાદ રહે ભારતની પડખે આવેલા ચીન, પાકિસ્તાન જેવા દેશો રાષ્ટ્રની કમજોરી પારખી ભારતને કનડવાનું શરૂ કરી દે એમ છે. રજવાડાં નાબૂદીની સરદાર પટેલની દેશસેવા, શાંતિ-પ્રગતિની નહેરૂજીની સાચી દિશા પર ભારતીયોએ ધ્યાન આપી રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાની પવિત્ર ફરજ છે અને તેનું પાલન થાય તો જ ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ સાર્થક થાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સ્ટ્રીટ ડોગ ફ્રી સીટી કયારે?
ગુજરાતમાં 156 સીટો પર કબજો કરી ભાજપ સરકારે ખૂબ જ મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી જે જરૂરી હતું. ખેર!  રખડતાં કૂતરાની સમસ્યા ગુજરાતના દારૂબંધી જેવી અટપટી બનાવી દીધી હોય તેમ જણાય છે. રખડતાં ઢોર અને કૂતરાંઓથી આબાલવૃધ્ધ પરેશાન છે. તેનાથી ડરી ડરીને ઘરની બહાર નીકળવું પડે તેવી પરિસ્થિતિ કેટલીક જગ્યાઓ પર છે. જેમ દારૂબંધી ગુજરાતમાંથી નાબૂદ નથી કરી શકાતી તે રીતે રખડતાં ઢોર અને કૂતરાંઓની સમસ્યાનું નિરાકરણ કરવા પાછળ બહુ મોટું અર્થતંત્ર કામ કરતું જણાય છે. દારૂબંધીમાં તો અર્થતંત્ર મજબૂતીથી કામ કરતું હોઈ શકે, પણ આ રખડતાં કૂતરાં અને ઢોરોમાં શું અર્થતંત્ર હોઈ શકે? તે સામાન્ય નાગરિક સમજી શકતો નથી. કાશ્મીરને કાયદાની ચુંગાલમાંથી મુકત કરી શકાય છે તો આ રખડતાં કૂતરાઓ ઢોરને કેમ રખડતાં રાખવામાં આવે છે? જૂની છતાં નવી બનેલ સરકાર રખડતાં કૂતરાઓ અને ઢોરોથી સુરત શહેરને અને રાજયને મુકત કરે તેવી મતદાતાઓની લાગણી છે.
સુરત            – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top