ચૂંટણીના ચાણક્યની ક્ષમતા આજકાલ કસોટીના એરણ પર ચડેલી છે. કોંગ્રેસ પાર્ટીના નવા તારણહારરૂપે નિખરી રહેલા જાણીતા સ્ટ્રેટેજીસ્ટ પ્રશાન્ત કિશોર કોંગ્રેસમાં આવું આવું થઇ રહ્યા છે. કોંગ્રેસે તો એમને રાબેતા મુજબ શરૂઆતમાં તો બહુ ભાવ નહોતો આપ્યો ને એને લીધે પાર્ટીએ ઘણું સહન કરવું પણ પડ્યું છે, પરંતુ હવે પાર્ટીને બ્રહ્મજ્ઞાન લાદ્યું હોય એમ પક્ષના સંગઠન માળખામાં એક સમયે એહમદભાઇ પટેલ જે સ્થાન પર બિરાજમાન હતા એ સ્થાન પર પ્રશાન્ત કિશોરને બેસાડવાનાં ચક્રો તેજસ એક્સ્પ્રેસ કરતાંયે વધુ ગતિએ તેજ બનેલાં છે.
પ્રશાન્ત કિશોરના કોંગ્રેસ પ્રવેશ માટે 29 મી એપ્રિલની મુદત અપાઇ રહી છે. પાર્ટીમાંના જી-23 જૂથના સળવળાટને લીધે પાર્ટીના હિતેચ્છુઓને પાર્ટીનો હવે કાયાકલ્પ કરવાની ઉતાવળ ચડેલી છે. 137 વર્ષ જૂની પાર્ટી પોતાની નાઇલાજ બીમારીનો ઇલાજ શોધવા મથી રહી છે. પ્રશાન્ત કિશોરનો કોંગ્રેસપ્રવેશ થયા બાદ ગુજરાત જેવા રાજ્યમાં કોંગ્રેસની અટકીને પડેલી કેટલીક ગતિવિધિઓ આગળ ધપશે એવી હવા ઊભી થયેલી છે. એમાં ખાસ તો પાટીદાર ફેક્ટર માટે સૌની નજર લેઉવા પાટીદાર આગેવાન નરેશભાઇ પટેલના સંભવિત કોંગ્રેસપ્રવેશ પર મંડાયેલી છે.
નરેશભાઇ રાજકારણમાં આવશે? ક્યારે આવશે? અને કઇ પાર્ટીમાં જોડાશે? એની અટકળો એટલી બધી ચાલી છે કે છેલ્લા ઘણા દાયકાઓમાં કોઇ નેતાને માટે ચાલી ન હોય, છતાં કંઇ જ ડેવલપમેન્ટ થતું નથી. ભાજપે શરૂઆતમાં નરેશભાઇને કમલમમાં ખેંચવા માટે ઘણા દાણા નાખી જોયા, પણ નરેશભાઇ ભાજપના ધારવા કરતાં વધુ હોંશિયાર નીકળ્યા. એમાં તો આમઆદમી પાર્ટીવાળા કેટલાક ઉત્સાહીઓ તો એવાં અર્થઘટન પણ કરી રહ્યા છે કે હજુ તો નરેશભાઇ રાજકારણમાં આવ્યા જ નથી ને છતાં ભાજપને આટલી છક્કડ ખવડાવી રહ્યા છે, તો રાજકારણમાં આવ્યા બાદ કોનું શું યે કરશે! એટલે જ આમઆદમી પાર્ટીની તાલાવેલી વધેલી છે કે નરેશભાઇ અમારી (ઝાડુવાળી) ટોપી પહેરી લે.
પરંતુ બધો મદાર પેલા પ્રશાન્તભાઇ પર છે. જ્યારથી નરેન્દ્રભાઇએ વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડ્રોસ આધનોમનું નામ તુલસીભાઇ પાડ્યું છે ત્યારથી ગુજરાતના સંદર્ભવાળા તમામ બિનગુજરાતી મિત્રોના નામની આગળ ‘ભાઇ’ શબ્દ લગાડવાનું પ્રચલન વધી પડ્યું છે. એ રીતે જોઇએ તો પ્રશાન્તભાઇ કોંગ્રેસમાં આવે એની સાથે સાથે નરેશભાઇ પણ કોંગ્રેસમાં આવે એવો તખ્તો ગોઠવાયાનું મનાય છે. પરંતુ પ્રશાન્તભાઇની ગોઠવણ જેટલી લંબાતી (ઠેલાતી) જાય છે, તેમ તેમ હાર્દિક પટેલ જેવા તરવરિયા નેતાઓની અકળામણ વધતી જાય છે.
કહે છે કે હાર્દિકભાઇ તો આ ગરબડમાં ને ગરબડમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહેવાના નિર્દેશો આપવા લાગેલા છે. (ભલે ને ભાજપમાંના એક જૂથે પાટીદાર આંદોલનનો બદલો લેવા હાર્દિકને કોઇ પણ રીતે ભીડવવાના વ્યૂહ ગોઠવી રાખેલા હોય!) હમણાં ભાજપનાં એમણે વખાણ કરતાં ભાજપમાંના કંઇક પાટીદાર નેતાઓની આંખો પહોળી થવા લાગી છે. છેવટે તો સૌના રાજકીય અસ્તિત્વનો સવાલ હોય છે, હાર્દિકભાઇ હોય, નરેશભાઇ હોય કે પ્રશાન્તભાઇ, પરંતુ ભાજપ સ્ટ્રેટેજીકલી બધાયને એક જ લાકડીએ હાંકવા માગે છે. નરેન્દ્રભાઇના 19,20 અને 21 મી ના ત્રણ દિવસના ધમાકેદાર કાર્યક્રમોને જોતાં ગુજરાતનો ભાજપીજન ખુશખુશાલ છે. એમને તો બધ્ધું મુમકીન જ લાગવા બેઠું છે. નરેન્દ્રભાઇએ ગઇ 18 મી એપ્રિલે વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કર્યું. 19 મી એ બનાસકાંઠામાં ડેરીના નવા સંકુલ અને બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણકર્યું. જામનગરમાં WHO ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું ભૂમિપૂજન કર્યું.
20 મી એ આદિવાસી વિસ્તાર દાહોદમાં રોજગારી, માળખાકીય સુવિધા, સ્કિલ ડેવલપમેન્ટ, વીજળી-સિંચાઇ સહિતની પાયાની સુવિધાઓ, લોકોમોટિવ એન્જિનના કારખાનાનું આધુનિકીકરણ સહિત 22000 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ કર્યું. ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું. નરેન્દ્રભાઇએ આમ શિક્ષણ, યુવાનો, આરોગ્ય, આયુર્વેદપ્રચાર, આદિવાસી કલ્યાણ વગેરે જેવાં કોર સેક્ટર્સ પર ગુજરાતની આગામી ચૂંટણીના સંદર્ભે બરાબર ફોકસ કર્યું. ત્રણ દિવસના એમના રોકાણ દરમિયાન ભાજપના અન્ડર કરન્ટ્સને પણ એમણે પારખ્યા હશે ને તેના જરૂરી ઇલાજ પણ એમણે એમની સ્ટાઇલથી કર્યા જ હશે.
જો કે એના વિષે તો ચૂંટણીના નગારે ઘા પડશે પછી જ કંઇક ખબર પડશે, પરંતુ ભાજપ માટે તો નરેન્દ્રભાઇએ ચૂંટણીનું રણશિંગુ અત્યંત આયોજનબદ્ધ રીતે ફૂંકી દીધું છે. કોંગ્રેસ પાર્ટી પ્રશાન્ત કિશોરની તાજપોશીની રાહ જોઇને બેઠેલી છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધીનું વર્ચસ્વ રહે એ માટે પણ પ્રશાન્ત કિશોરને લાવવામાં આવી રહ્યાની ગણતરી મંડાયેલી છે. નવી દિલ્હીમાં પ્રશાન્ત કિશોરનું કંઇક ગોઠવાય તો ગુજરાતમાં કોંગ્રેસનાં આયોજનો આગળ ધપે. નરેશભાઇનો પ્રવેશ સંભવિત બને. હાર્દિક પટેલ ભાજપમાં જતાં અટકે. શંકરસિંહ બાપુ પણ પાછા ટનાટન મોડમાં આવી જાય. પરંતુ આમાં સવાલ એ છે કે કાગળ પરની યોજનાઓને વાસ્તવિકતાની ધરતી પર ઉતારવાની કોંગ્રેસની ક્ષમતા છે ખરી।
દેશનાં મોટાં ગણાતાં ઉત્તર પ્રદેશ, આંધ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ જેવાં રાજ્યોમાં કોંગ્રેસ આજે મુખ્ય વિપક્ષ પણ રહેલો નથી. પંજાબમાં તો હમણાં ભારે હાર એણે ખમવી પડી છે. બાકી રાજસ્થાન અને છત્તીસગઢમાં જ એની ફુલ ફ્લેજ્ડ રાજ્ય સરકારો છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એ સરકારના જુનિયર ભાગીદારનો દરજ્જો ધરાવે છે. આ સંજોગોમાં પ્રશાન્તભાઇ જેટલા વહેલા કોંગ્રેસપ્રવેશ કરે એના પર ગુજરાત કોંગ્રેસની ચૂંટણીરચનાનો મદાર જણાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.