એક દિવસ સ્વામી રામકૃષ્ણ પરમહંસ મંદિરમાં મા કાલીની મૂર્તિ સામે હંમેશની જેમ પ્રાર્થના કરી રહ્યા હતા અને આજે પણ સંપૂર્ણપણે માતાની ભક્તિમાં મગ્ન થઈને સમાધિસ્થ થઈ ગયા હતા. આજુબાજુનું ભાન ભૂલીને તેઓ સંપૂર્ણ રીતે માતામય બનીને માતા સાથે વાતો કરતા. તો થોડી વાર ધ્યાનમગ્ન થઈ જતા તો થોડી વારમાં તેમની આંખોમાંથી પ્રેમ અશ્રુ ખરતાં.આ અનન્ય ભક્તની ભક્તિને બધા પ્રણામ કરતા. એક ચિત્રકાર માતાના મંદિરમાં દર્શન માટે આવ્યો. તેને સ્વામીજીની આ સમાધિસ્થ અવસ્થા જોઈ તેમની ભક્તિસભર મુદ્રાને તેણે ચિત્ર રૂપે દોરવાનું નક્કી કર્યું અને તે રોજ સ્વામીજી મંદિરે આવે ત્યારે મંદિરે આવી તેમની ભાવસભર ભક્તિમય મુદ્રાઓનું નિરીક્ષણ કરતો અને પછી તેને ચિત્રમાં દોરતો.થોડા દિવસોના નિરીક્ષણ અને મહેનત બાદ ચિત્રકારે સ્વામી રામકૃષ્ણ પરમહંસનું આબેહુબ પૂર્ણ કદનું ચિત્ર દોર્યું.
ચિત્રકાર સ્વામીજી પાસે ગયો અને ધીમેથી કહ્યું, ‘સ્વામીજી મને ખબર છે, આપ પરમ સંત છો અને કોઈની કોઈ ભેટ સ્વીકારતા નથી છતાં મારે તમને એક ભેટ આપવી છે. કૃપા કરી તેનો અસ્વીકાર કરતા નહિ.’સ્વામીજી, કંઈ બોલ્યા નહિ.ચિત્રકારે તેને સ્વામીજીની હા સમજી અને તે ભાર ગયો અને પૂર્ણ કદનું સ્વામીજીનું પોતે દોરેલું ચિત્ર સફેદ કપડાથી ઢાંકીને અંદર લઈને આવ્યો અને સ્વામીજી સમક્ષ ચિત્ર મૂકી કપડું હટાવવા વિનંતી કરી. સ્વામીજીએ ચિત્ર પરથી કપડું હટાવ્યું અને જોયું તો આબેહુબ પોતાનું ચિત્ર ….મુખ પર ભક્તિમય સમાધિના ભાવ…સ્વામીજી થોડી વાર સુધી ચિત્રને જોતા રહ્યા અને પછી ઊભા થઈને તેમણે પોતાના ચિત્રના પગ પાસે માથું નમાવીને પ્રણામ કર્યા.
આજુબાજુ હાજર બધા જ આવું વર્તન જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા.એક શિષ્યે ધીમેથી પૂછ્યું, ‘ગુરુજી, આ શું? આપ ભગવાનની છબી કે ચિત્રને પ્રણામ કરો તો સમજાય પણ તમે પોતે તમારા જ ચિત્રને શું કામ પ્રણામ કરો છો? પોતાની છબીને જ પગે લાગવાનો અર્થ શું છે ?’ સ્વામીજી હસ્યા, ફરીથી ચિત્રને બીજી વાર પ્રણામ કર્યા અને પછી બોલ્યા, ‘મેં આ ચિત્રને પ્રણામ કર્યા તેની પાછળ બે કારણો છે. એક તો ચિત્રકારની કલાને મેં પ્રણામ કર્યા છે અને આ ચિત્રમાં હું છું …એવો ભાવ મારા મનમાં છે જ નહિ. આ ચિત્રમાં જે છે તેના ચહેરા પર ભક્તિમાં લીન સમાધિસ્થ ભાવ છે તે સુંદર ભાવને તે સમાધિને મેં પ્રણામ કર્યા છે.’બધાએ સ્વામીજીની ભક્તિ અને નમ્રતાને પ્રણામ કર્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે