Madhya Gujarat

પેટલાદમાં સાયકલની આડમાં 16 લાખનો વિદેશી દારૂ પકડાયો

પેટલાદ : આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ધર્મજ – તારાપુર રોડ પર વોચ ગોઠવી દંતેલી ગામ પાસે બળદેવ હોટલ સામેથી મિનીટ્રક ભરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, મિની ટ્રકમાં સાયકલના બોક્સના પેકીંગની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. આ મિનીટ્રક હાલ ધર્મજ ચોકડીથી આગળ બલદેવ હોટલ સામે હોટલના પાર્કીંગમાં ઉભી છે. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી તાત્કાલિક બલદેવ હોટલના પાર્કીંગમાં તપાસ હાથ ધરી હતી.

જેમાં મિનિટ્રક મળી આવતાં તેની કેબીનમાં બેઠેલા ચાલકની અટક કરી પુછપરછ કરતાં તે સુરીન્દરસિંઘ ઉર્ફે સોની નવાબસિંગ ચૌહાણ (સરદારજી) (રહે. ન્યુ ગ્રીન સીટી, પટીયાલા, પંજાબ) હોવાનું જણાવ્યું હતું. સુરેન્દરસિંઘે બિલ્ટ્રી રજુ કરી તેમાં સાયકલ પેકીંગ બોક્સ હોવાનું જણાવ્યું હતું. આથી, શંકા આધારે તાડપત્રી ખોલી તલાસી લેતા તેમાં સાયકલના બોક્સ પાછળ છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

આથી, તુરંત સુરિન્દરસિંઘની અટક કરી હતી. બાદમાં પેટલાદ કોલેજ ચોકડી પોલીસ લાઇનમાં મિનીટ્રક લઇ જઇ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો. જેની ગણતરી કરતાં જુદી જુદી બ્રાન્ડની 385 પેટી કિંમત રૂ.16,68,960 મળી આવી હતી. આ અંગે એલસીબીએ કુલ રૂ.41,57,241નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સુરિન્દરસિંઘની પુછપરછ કરતાં તેને આ માલ પંજાબથી ભરી આપ્યો હતો. જોકે, આ અંગે બન્ને બાજુ તેને ફક્ત મોબાઇલ નંબર જ આપવામાં આવ્યાં હતાં. જે અંગે પોલીસે સુરીન્દરસિંઘ સહિત બે મોબાઇલ ધારક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top