Vadodara

પૂર્વ વિસ્તારમાં જય મહાકાળી ફ્લેટ આવાસના મકાનોમાં ગટર પાણીની વિકટ સમસ્યા

વિફરેલી મહિલાઓએ વહીવટી વોર્ડ 4ની ઓફિસે મોરચો માંડી હલ્લો મચાવ્યો

આવનારી ચૂંટણીમાં વોટ નહિ આપી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

( પ્રતિનિધિ )વડોદરા,તા.16

વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રારંભેથી શરૂ થયેલી પાણી ડ્રેનેજની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા જય મહાકાળી ફ્લેટ્સ આવાસના મકાનોમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરો અને પાણી પ્રશ્ને અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવતા વહીવટી વોર્ડ નંબર ચારની કચેરીએ મહિલાઓએ મોરચો માંડી હલ્લાબોલ કર્યું હતું.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અને વિકસિત વડોદરાની વાતો કરાતી હોવા છતાં શહેરના પૂર્વ વિસ્તારમાં ગટર તથા પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાડી વિધાનસભાના ચૂંટણી વોર્ડ નંબર 4 માં આવેલા જય મહાકાળી ફ્લેટ આવાસના મકાનોમાં ઘણા સમયથી ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત હોવાથી રહીશો ભારે પરેશાન થઈ ઉઠ્યા છે. વારંવાર રજૂઆત છતાં સ્થાનિક કાઉન્સિલરો કોઈ કાર્યવાહી કરતા નથી. મહિલાઓએ આક્ષેપ કર્યા હતા કે, વોટ લેવા માટે તો રાત દિવસ અમારે ઘેર આવનારા નેતાઓ આજે ગટર અને પાણીની સમસ્યામાં અમારી પૂછપરછ કરવા પણ આવતા નથી. ત્યારે, વિફરેલી મહિલાઓએ વહીવટી વોર્ડ નંબર–4ની ઓફિસે મોરચો માંડ્યો હતો, જ્યાં રજૂઆત સાંભળનાર અધિકારી પણ હાજર નહીં હોવાથી મહિલાઓ રોષે ભરાઈ હતી અને મહિલાઓએ કોર્પોરેટરો વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. લાંબા સમયથી ચાલતી સમસ્યાને કારણે લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે અને તંત્રે તાત્કાલિક કામગીરી કરે તેવી માગ ઉઠી રહી છે.

ચૂંટણી હોય ત્યારે વોટ લેવા બધા જ ફરકે છે પણ અમારા કામો થતા નથી

ગટરો ભરાઈ ગઈ છે. અડધો પગ ગરકી જાય એટલી ગંદકી થઈ ગઈ છે. પિન્કીબેન કે અજીતભાઈ કોઈ આવતું નથી, ઓફિસ પર જઈએ છે, તો આવી અને માત્ર સાફ-સફાઈ કરીને જતા રહે છે, પછી સાંજે એવી ને એવી જ પરિસ્થિતિ સર્જાય છે. પહેલા સવારમાં ઉભરાતી હતી હવે બંને ટાઈમ ગટરો ઉભરાઈ રહી છે. અમે બધા ખૂબ જ હેરાન થઈ ગયા છે. જમવાનું પણ હવે ભાવતું નથી, લોકો બીમાર પણ એટલા પડ્યા છે. આજે પણ ઓફિસમાં આવ્યા પણ કોઈ અધિકારી હાજર નથી. ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા છે. મેલેરિયા કોલેરા જેવા બધાને રોગો થયા છે અને મચ્છરોનો પણ ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે. પણ કોઈ જોવા જ આવતું નથી. ચૂંટણી હોય ત્યારે વોટ લેવા બધા જ ફરકે છે પણ અમારા કામો થતા નથી : રોહિણીબેન રાઠોડ

Most Popular

To Top