Vadodara

પૂરમાં થયેલા નુકસાન સામે પૂરતું વળતર મળ્યું નથી, વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ વડાપ્રધાનને પત્ર લખ્યા

*શહેરની વિશ્વકુંજ સોસાયટીના રહીશો દ્વારા પુરપ્રકોપ દરમિયાન નુકસાન બાબતે 60 લોકોએ રાવપુરા જીપીઓ થકી પ્રધાનમંત્રીને પત્ર લખી મોકલ્યા*

*સો લોકોએ પત્રો લખ્યા છે, લોકોનો આક્રોશ ખાળવા માટે લાખોના નુકસાન સામે માત્ર રૂ.પાંચ હજાર આપી પુરપીડિતો સાથે જાણે મજાક કરી છે*

*વોર્ડ-3 ના લોકોએ ગણેશોત્સવ દરમિયાન કાઉન્સિલરોના પ્રવેશ પર મનાઇ ફરમાવતા અહીં રસોડું તોડી બદલો લીધો છે*

(પ્રતિનિધિ) વડોદરા તા. 28


શહેરમાં ગત મહિને તા. 26 થી 29 ઓગસ્ટ દરમિયાન કુદરતી તથા માનવસર્જિત પૂર આવ્યું હતું. શહેરને સ્માર્ટ બનાવવાની વાતો કરતા પાલિકાના સ્માર્ટ શાશકો પદાધિકારીઓ દ્વારા વિશ્વામિત્રી નદીનું લેવલ જાળવવાને બદલે લોકોને તથા ઘણાં વિસ્તારોમાં તો એલર્ટ સાયરન વિના જ પાણી છોડી દેવાતાં શહેર આખામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી તેવા સમયે જે તે વિસ્તારના રાજકીય નેતાઓ તથા નગરસેવકો લોકોની તકલીફ સમયે ન દેખાતા શહેરીજનોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો હતો. જેને કારણે ધારાસભ્યો, નગરસેવકો તથા પાલિકાના પદાધિકારીઓને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. ઇલેક્શન વોર્ડ નં.3માં આવેલ વિશ્વકુંજ સોસાયટીના લોકોએ ગણેશોત્સવ દરમિયાન પંડાળમા નગરસેવકોના પ્રવેશ પર મનાઇ ફરમાવી હતી જેના કારણે વિશ્વકુંજ સોસાયટીમાં રસોડાની દિવાલ પાલિકા તંત્ર દ્વારા દૂર કરવાની પેરવી કરતા સોસાયટી ના રહીશોએ જાતે જ દબાણો દૂર કર્યા હતા ત્યારે શનિવારે વિશ્વકુંજ સોસાયટીના રહિશોએ દેશના વડાપ્રધાનને પત્ર લખ્યા છે જેમાં પ્રમુખ કલ્પેશ નાયકે જણાવ્યું હતું કે, શહેરમાં માનવસર્જિત પૂરથી લોકોને લાખોનુ નુકસાન થયું છે જેના કારણે લોક આક્રોશ છે . જેને ખાળવા સરકારે માત્ર રૂપિયા પાંચ હજાર ની સહાયતા કરી છે જ્યારે ઘણાં લોકોને આ સહાયતા પણ નથી મળી ત્યારે સમગ્ર બાબતે સોસાયટીના સો લોકોએ પોસ્ટકાર્ડ લખ્યા છે જેમાંથી શનિવારે રાવપુરા જીપીઓ મારફતે 60 પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને લખીને મોકલ્યા છે.

Most Popular

To Top