Entertainment

પૂજામાં જોશ હી જોશ

કયારેક એ ફરક પર પણ ધ્યાન જવું જોઈએ કે હિન્દી ફિલ્મોમાં કામ કરતી હિન્દી ક્ષેત્રની યા મુંબઈની અભિનેત્રીઓ હિન્દી ભાષાની ફિલ્મોમાં જ કામ કરી શકે છે. જ્યારે સાઉથથી આવનારી અભિનેત્રીઓ કમસે કમ ચાર-પાંચ ભાષાની ફિલ્મોમાં કરી શકે છે. બીજું ધ્યાન એ પણ જવું જોઈએ કે સાઉથની આજની અભિનેત્રીઓ સામાન્યપણે કોઈ ને કોઈ વિષયમાં ગ્રેજ્યુએટ થઈને આવી છે. હિન્દી ફિલ્મોમાં અભિનેતા હજુ કદાચ એવી ડિગ્રીમાં માનતા નથી પણ અભિનેત્રીઓ તો માને છે. આનો એક ફાયદો એ પણ છે કે ફિલ્મોમાં મળતું કામ અટકી જાય તો તે અભિનેત્રી સ્વયં કોઈ જોબ કરી શકે છે. બીજો ફાયદો એ પણ ખરો કે ફિલ્મના બિઝનેસને તે વધારે સારી રીતે સમજી શકે છે અને તેથી તેના અપ-ડાઉન્સ સમજીને સ્વસ્થ રહે છે. પૂજા હેગડે તુલુ, હિન્દી, ઈંગ્લિશ અને મરાઠી ભાષા એકદમ સહજ રીતે બોલી શકે છે અને તેલુગુ બોલવાની જરૂર પડી તો બહુ ઓછા વખતમાં શીખી ગઈ હતી. તે મુંબઈની કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલી છે. હા, હિન્દી ફિલ્મનાં પ્રેક્ષકો સામે ‘મોહેં-જો-દરો’ની નિષ્ફળ અભિનેત્રી તરીકે પહેલી ઓળખ ઊભી થઈ. હકીકતે એ ફિલ્મ નિષ્ફળ ગઈ હતી, પૂજા નહીં. પણ વહાણ ડૂબે તો મુસાફર પણ ડૂબે પણ વહાણ ડૂબવાના કારણે મુસાફર ડૂબ્યા એ ભેદ સ્પષ્ટ નથી કરાતો. ખેર! પૂજા માટે એ નિષ્ફળતા તો ‘મોહેં-જો દરો’ કાળ જેટલી જ જૂની થઈ ગઈ છે. ફિલ્મજગતમાં નિષ્ફળતા કે સફળતા, કશું લઈને આગળ વધાતું નથી. આવનારી ફિલ્મ જ વધારે મહત્ત્વની હોય છે. પૂજાએ તમિલ સુપર હીરો ફિલ્મ ‘મુગામુડી’થી શરૂઆત કરે, જેના નિર્માતા રોની સ્ક્રુવાલા અને સિદ્ધાર્થ રોય કપૂર હતા. એ પહેલી ફિલ્મ ખૂબ સફળ રહી હતી અને પછી તરત તેલુગુમાં નાગ ચૈતન્યની હીરોઈન તરીકે કામ કરેલું. પછી આવી ‘મુકુંદા’ આ ત્રણે ફિલ્મોએ તેને સફળતા આપી અને સાથે જ આત્મવિશ્વાસ આપેલો. સાઉથની ફિલ્મોમાં કામ કરનાર દરેક કલાકાર ફિલ્મના વ્યવસાય અને શિષ્ટને વધુ સારી રીતે સમજે છે. પૂજાને આ ત્રણ ફિલ્મ પછી ‘ઋતિક જેવા સ્ટાર સાથે, આશુતોષ ગોવારીકરની ‘મોહે-જો-દરો’ ફિલ્મ મળેલી. હિન્દી ફિલ્મોને એક સારી અભિનેત્રી મળી રહી હતી, પણ તરત એવું ન બન્યું. આ ફિલ્મ માટે તેણે ત્યારે મણી રત્નમની ફિલ્મ ગુમાવવી પડેલી. ખેર, પછી તો ફિલ્મની નિષ્ફળતાએ તેને સાઉથમાં વધુ કામ કરવાનું જોશ આપ્યું. અલ્લુ અર્જુન, જુનિયર એનટીઆર, મહેશ બાબુ વગેરે સાથે વધુ કામ કરવા સાથે તે હિન્દીમાં સાવધાનીથી કામ કરતી રહી. જો કે તેમાં ‘હાઉસફુલ-4’, પ્રભાસ સાથે જ ‘રાધે શ્યામ’, ‘સરકસ અને સલમાન ખાન સાથેની ‘કિસી કા ભાઈ કિસીકી જાન’ હતી પણ આ ફિલ્મોથી હિન્દી ફિલ્મોનો તેનો પહેલો તબક્કો પૂરો થયો છે. •

Most Popular

To Top