- ટીડીઓ જીતેશ ત્રિવેદી પાલિકાના કેટલાક અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોના માનીતા છે?
- 11 મહિના માટેનું એક્સ્ટેંશન પણ સરકારે આપ્યું કે પાલિકાના અધિકારીઓએ જાતે?
વડોદરા મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર જીતેશ ત્રિવેદીના પી.એ. લાંચ લેવાના કિસ્સામાં ઝડપાયા હતા. રૂ. 1.50 લાખની લાંચ લેતા તેઓ રંગેહાથ ઝડપાયા બાદ ફરિયાદમાં સીધે સીધો આક્ષેપ જીતેશ ત્રિવેદી સામે કરવામાં આવ્યો હતો. આ વાતને ચાર મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છતાં તેઓ સામે હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે તેઓને કોણ છાવરી રહ્યું છે? શું અધિકારીઓ અને ચૂંટાયેલા આગેવાનોના તેઓ માનીતા છે કે કેમ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર જીતેશ ત્રિવેદીના પી.એ. ચાર મહિના અગાઉ . રૂ. 1.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. જેમાં ફરિયાદમાં પણ સીધે સીધો આક્ષેપ જીતેશ ત્રિવેદી સામે કરવામાં આવ્યો છે. ત્યારે જીતેશ ત્રિવેદી 31 ઓગષ્ટના રોજ નિવૃત્ત થઇ ચુક્યા છે તેઓને 11 મહિના માટે પુનઃ નિયુક્તિ આપવામાં આવી છે. જો કે આ નિયુકિત રાજ્ય સરકારની દરમિયાનગીરીથી કરવામાં આવી છે કે પછી પાલિકાના અધિકારીઓએ પોતાની રીતે જ કરી દીધી છે તે પણ એક ચર્ચાનો વિષય છે. ટાઉન ડેવલપમેન્ટ શાખા અગાઉ પણ અનેકવાર વિવાદોમાં આવી ચુકી છે જેમાં નવા બાંધકામોમાં 40 ટકા જમીન કપાત ઉપર રહેમ નજર, ગેરકાયદે બાંધકામને સત્તાવાર કરવાની પેરવી કરવી ઉપરાંત પાલિકાની જ માલિકીના કેટલાક પ્લોટ ઉપર વ્યાવસાયીકરણ માટે ઉભા કરાયેલ પ્લોટ સામે કોઈ કાર્યવાહી ન કરવી જેવા અનેક મુદ્દે વિવાદોમાં આવ્યું છે.દર 10 વર્ષે ડેવલપમેન્ટ પ્લાન રિવાઇઝ થતો હોય પરંતુ તેમાં પણ ટેક્નિકલ જોગવાઈઓ કરી બિલ્ડરને ફાયદો કરાવવો,જેવા મુદ્દાઓ ઉપર વિવાદ સર્જાઈ ચુક્યો છે. તો પાલિકાની માલિકીનો એક પ્લોટ કે જેના પર સોસાયટીના રહીશો દ્વારા કોમર્શિયલ હોલ બનાવી દેવામાં આવ્યો હતો અને તેને ભાડે આપી નાણાં વસુલવામાં આવતા હતા જે પણ આ જ વિભાગની રહેમ નજર હેઠળ થઇ રહ્યું હતું. પાલિકાને વ્યાપક નુકસાન થાય અને પોતાને ફાયદો થાય તે પ્રકારનું કામ આ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ પણ થયા છે છતાં વિભાગના વડા તરીકે તેઓને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જોવા જેવી વાત તો એ છે કે ફરિયાદમાં પી.એ. દ્વારા સીધે સીધો આક્ષેપ કરવામાં આવ્યો હતો છતાં ન તો પોલીસ વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં વી ન તો પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ ઈન્કવાયરી મુકવામાં આવી. અને જીતેશ ત્રિવેદીને રીતસરના છાવરવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે. ત્યારે પાલિકાને પણ જે લોકોના બદલે અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓને ફાયદો પહોંચાડે તેવા અધિકારીની જરૂર હોય તે રીતે વર્તન કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જીતેશ ત્રિવેદીના 111 મહિના પૂર્ણ થવામાં પણ હવે એક બે મહિના જ બાકી છે ત્યારે પાલિકા તેઓના રિટાયર્મેન્ટમાં કોઈ તકલીફ ન પડે તે પ્રકારનું પ્લેટફોર્મ ઉભું કરવા માગતું હોય તેમ લાગી રહ્યું છે.