ચોમાસામા ધોવાઈ ગયેલા સરકારી ડાઇવર્ઝનની કામગીરી હજુ શરુ કરવામાં આવી નથી, સ્થાનિકોમા રોષ જોવા મળી રહ્યો છે
ગુજરાત મિત્ર….જેતપુરપાવી
છોટાઉદેપુર જિલ્લા ના જેતપુરપાવી પાસે ભારજ નદીમા બ્રિજ તુટી જવાથી સરકાર દ્વારા ચાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ડાઇવર્ઝન બનાવામાં આવ્યું હતું. જે પ્રથમ ચોમાસામા પહેલાજ વરસાદી પાણીના વહેણમા ધોવાઈ ગયું હતું ત્યાર બાદ એક પછી એક એમ ચાર વખત જનતા ડાઇવર્જન બનાવવામાં આવ્યું. તેવામા સુખી જળાશયમાંથી પાણી છોડવાની ફરજ પડતા સાવચેતીના ભાગરૂપે આ ડાઇવર્ઝન બંધ કરાયું હતું. ત્યાર બાદ ફરી આજે પાંચમી વખત સ્થાનિક યુવાઓ દ્વારા જનતા ડાઇવર્જન બનાવીને ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
જનતા ડાઇવર્જન બનવાથી છોટાઉદેપુર જિલ્લા સહીત સમગ્ર ગુજરાત, મધ્ય પ્રદેશ,ના રાહદારીઓને ભારે મુશ્કેલીઓમાંથી છુટકારો મળ્યો હતો. આ જનતા ડાઇવર્જન બનવાથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ બોડેલી તેમજ વડોદરા ખાતે દવાખાનાના કામથી જતા લોકો તેમજ નોકરી ધંધા અર્થે રોજ અપડાઉન કરતા લોકો અને સ્થાનિક જનતાને 30 થી 35 કિલોમીટરના ધક્કામાંથી છુટકારો મળ્યો હતો. સ્થાનિક લોકોમાં એ વાતે જોર પકડ્યું છે કે જો સ્થાનિક યુવાઓ 24 થી 48 કલાકમાં જનતા ડાયવર્ઝન બનાવી શકતા હોય તો તંત્ર દ્વારા ડાયવર્ઝન કેમ બનાવવામાં નથી આવી રહ્યું એ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.