10 ફાયર ફાઈટરે સાડા ત્રણ કલાકમાં કાબૂ મેળવ્યો
કેમિકલ કંપનીમાં અચાનક લાગી આગ, મેજર કોલ જાહેર
સદનસીબે કોઈ જાનહાનિ નહીં, ભારે નુકસાન
ધડાકાથી આસપાસના વિસ્તારમાં ફેલાયો ભય

અંકલેશ્વર,ભરૂચ, તા.8
અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી GIDC માં રવિવારે સવારે એક ભીષણ આગની ઘટના બની હતી. પાનોલી GIDCમાં આવેલી ‘ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ’ નામની કેમિકલ કંપનીના પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા 5 થી 10 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો. આગની જાણ થતાં જ પાનોલી, અંકલેશ્વર અને ભરૂચના વિવિધ ફાયર સ્ટેશનોની 10થી વધુ ફાયર એન્જિન ત્યાં દોડી ગયા હતા.
ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ, પાણીની સાથે મોટા પ્રમાણમાં ફોમ (Foam)નો ઉપયોગ કરીને લગભગ સાડા ત્રણ કલાકની કામગીરી બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, રવિવારની રજા હોવાના કારણે કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ઓછી હતી, જેથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગને કારણે કંપનીનો પ્લાન્ટ, મશીનરી અને કાચો માલ બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી લાખો રૂપિયાના નુકસાનનો અનુમાન લગાવી રહ્યા છે.
આગ દરમિયાન થયેલા પ્રચંડ ધડાકાઓને કારણે આસપાસના રહીશો અને અન્ય ઉદ્યોગકારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સાવચેતીના ભાગરૂપે આસપાસની અન્ય કંપનીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.