નાનકડી દસ વર્ષની રોશની અને તેનાં બીઝી બિઝનેસ મેન પપ્પા,શ્યામ ત્રિવેદી.પપ્પા આમ તો બહુ બીઝી રહે,પણ વહાલના દરિયા સમી દીકરીને બહુ વ્હાલ કરે અને દરેક રજાને દિવસે વહેલી સવારે તેની જોડે સાઈકલીંગ પર અચૂક જાય.બીઝી હોય તો પણ.આગલી રાત્રે મોડા આવ્યા હોય અને થાક્યા હોય તો પણ.દીકરી જોડે સાઈકલીંગ પર જવાનો નિયમ ન તૂટે. રજાના દિવસે રોશની પોતાની અને પપ્પાની સાઇકલ લઇ તૈયાર હતી.મમ્મી સમજાવતી હતી,દીકરા પપ્પા કાલે રાતે બહારગામથી આવ્યા છે..થાકી ગયા હશે તો જલ્દી નહિ ઊઠે.તું પછી જજે સાઈકલીંગ પર…..પણ હજી રોશની કંઇક કહે તે પહેલાં શ્યામ …તૈયાર થઇ આવ્યો અને બોલ્યો, “અરે અમારી બાપ –દીકરીની અપોઈન્ટમેન્ટ ફિક્સ હોય છે તેમાં કોઈ બદલાવ ન થાય.”મમ્મી હસી……શ્યામ અને રોશનીની બાપ દીકરીની જોડી સાઈકલીંગ પર નીકળી.
દર વખતની જેમ રોશનીની સાઈકલ આગળ હતી અને શ્યામ તેનું ધ્યાન રાખતો તેની પાછળ પાછળ આવતો હતો. સાઈકલીંગ કરતાં કરતાં બંને તેમના ફેવરીટ સ્પોટ પર પહોચ્યાં અને બેઠા.રોશનીએ પપ્પા શ્યામને પૂછ્યું, “પાપા ,એક વાત પૂછું? તમે તો એકદમ સારા સાઇકલિસ્ટ છો, છતાં તમે કેમ આટલું ધીમે ચલાવી હંમેશા મારી પાછળ રહો છો?” શ્યામે દીકરીને વ્હાલ કરતાં કહ્યું, “એટલા માટે કે હું તું જ્યાં જાય ત્યાં પાછળ રહી તારું ધ્યાન રાખી શકું.
રોશનીએ કહ્યું, “પણ પાપા હું તો નાની છું. કદાચ આગળ રસ્તામાં ખોટો વળાંક લઇ લઉં તો ….” શ્યામે કહ્યું, “વાંધો નહિ હું તારી સાથે જ છું… તારી પાછળ હું પણ તે વળાંક લઈશ અને આપણે કદાચ નવો રસ્તો શોધી લઈએ.” રોશનીએ કહ્યું, “પાપા ,હું ફાસ્ટ સાઈકલીંગ કરતાં કરતાં બહુ આગળ નીકળી જાઉં અને ક્યાંક ભૂલી પડી ખોવાઈ જાઉં તો …” શ્યામ તેને ભેટી પડતાં બોલ્યો, “ના બેટા ,હું તારી સાથે જ રહીશ અને મારી નજરોથી ક્યારેય દૂર નહિ થવા દઉં.દૂરથી પણ તારું ધ્યાન રાખીશ.”
આ વાત પપ્પા શ્યામ અને તેમની દીકરી રોશની વચ્ચેની ભલે હોય, પણ જરા વિચાર કરજો,બધા પપ્પા આવા જ હોય….જીવનભર દીકરીને બહુ પ્રેમ કરે.તેની ઈચ્છા પૂરી કરવા સતત તૈયાર રહે.જીવનમાં દરેક સમયે તેની પાછળ રહી ટેકો આપે.ક્યાંક ભૂલ થાય તો પણ સાથ ન છોડે અને દૂરથી પણ સતત દીકરીનું ધ્યાન રાખે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.