તંત્રના તપાસ અહેવાલ સામે વિકાસ કમિશનરને પુનઃ રજૂઆત
(પ્રતિનિધિ) ગોધરા, તા. 11
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગામે અમલમાં આવેલી નળ સે જળ યોજનામાં થયેલી ગેરરીતિઓ છુપાવવાના પ્રયાસોના આક્ષેપ સાથે તંત્ર દ્વારા રજૂ કરાયેલા તપાસ અહેવાલ સામે અરજદાર કાનાભાઈ પરમારે વિકાસ કમિશનર અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને પુનઃ રજૂઆત કરી છે. રજૂઆતમાં તંત્રના અહેવાલમાં કરાયેલા દાવાઓને તથ્યવિહોણા ગણાવી સજ્જડ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

અરજદારે જણાવ્યું છે કે અહેવાલમાં ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે પાણી લેવાની ના પાડી હોવાનું જણાવાયું છે, જે માટે સંબંધિત ગ્રામજનોના સોગંદનામા રજૂ કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં, તંત્રના અહેવાલમાં સ્વીકારાયું છે કે સંપ સુધી પાઈપલાઈન નેટવર્ક ઉપલબ્ધ નથી, તેમ છતાં રેકોર્ડમાં પાણીનું પંપિંગ ચાલુ દર્શાવાતા ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
યોજનામાં ઉપયોગ માટે ફાળવવામાં આવેલી આંગણવાડી અને પંચાયત ઘર પાસેની મોટરો સ્થળ પરથી ગાયબ હોવાની બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસની માંગ કરાઈ છે. સાથે જ, જૂના પંચાયત ઘરમાં લાંબા સમયથી પડેલી પાઈપોના જથ્થા તથા બિનવારસી સિમેન્ટની ગુણીઓ કોની છે તેની તપાસ કરી સરકારમાં જમા લેવા રજૂઆત કરવામાં આવી છે.

અરજદારે વધુમાં જૂના કૂવાને પૂરી દેવાની જગ્યાએ તેને સાફ કરી કાર્યરત કરવાની તેમજ બોરની ઊંડાઈ સંબંધિત દસ્તાવેજો મુજબ ભૌતિક ચકાસણી કરવાની માંગ કરી છે. સમગ્ર પ્રકરણમાં કોઈ નિષ્પક્ષ ટેકનિકલ એજન્સી દ્વારા તપાસ કરી, જો ટેકનિકલ ખામીઓ સામે આવે તો જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ માગ ઉઠાવવામાં આવી છે.
રિપોર્ટર: આશિષ બારીયા