Godhra

પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ

મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલયથી નાયબ કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવા સૂચના અપાઈ

પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક સ્થળ તપાસ કરી ઓનલાઈન અહેવાલ રજૂ કરવા ગાંધીનગરથી આદેશ

પ્રતિનિધિ ગોધરા તા.31
ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં સરકારની નલ સે જળ યોજનામાં થયેલી મોટાપાયે અનિયમિતતાઓ અને સરકારી નાણાંના વ્યય અંગે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તપાસના સૂચનો આપવામાં આવ્યા છે. ગામના જાગૃત નાગરિક કાનાભાઈ રામાભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરને આ મામલે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરી ઓનલાઈન અહેવાલ રજૂ કરવા સૂચના અપાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મુખ્યમંત્રીને મોકલવામાં આવેલી આ ફરિયાદમાં રજુઆત કરવામાં આવી છે કે પઢીયાર મુખ્ય ગામમાં યોજના હેઠળ મંજૂર થયેલા કૂવા અને સંપની કામગીરી વર્ષોથી અધૂરી છોડી દેવામાં આવી છે. પાઈપલાઈનનું યોગ્ય જોડાણ ન મળવાને કારણે ગ્રામજનો આજે પણ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. આ યોજના માટે સરકારી ખર્ચે ખરીદવામાં આવેલો પાઈપોનો મોટો જથ્થો પંચાયતના મકાનમાં વણવપરાયેલો પડી રહ્યો છે જેના કારણે મકાનનો અન્ય કોઈ કામ માટે ઉપયોગ થઈ શકતો નથી, એટલું જ નહીં કિંમતી સિમેન્ટ યોગ્ય જાળવણીના અભાવે પથ્થર બની જતાં સરકારી મિલકતનો ભારે બગાડ થયો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

પંચાયત પાસે બનેલો નવો કૂવો હાલ ગંદકી અને દારૂની પોટલીઓથી ભરેલો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સફાઈ કરવામાં આવતી નથી. જે જનતાના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખીલવાડ સમાન છે.

આ સમગ્ર પ્રકરણમાં લોકશાહીના મૂળભૂત અધિકાર સમાન શુદ્ધ પીવાના પાણીથી વંચિત રાખવામાં આવ્યા હોવાની રજુઆત કરી અરજદારે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. સાથોસાથ એવી પણ વિનંતી કરવામાં આવી છે કે આ તપાસ પ્રક્રિયામાં તેમને રૂબરૂ સાથે રાખીને જ સ્થળ તપાસ કરવામાં આવે જેથી સ્થળ પરની વાસ્તવિકતા અને પુરાવાઓ તપાસ ટીમ સમક્ષ રજૂ કરી શકાય. મુખ્યમંત્રી કાર્યાલયના સૂચનો બાદ હવે આ પ્રકરણમાં કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તેના પર આખા તાલુકાની નજર મંડાયેલી છે.

રિપોર્ટર: આશિષ બારીયા

Most Popular

To Top