Vadodara

પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ

વડોદરા શહેરમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોય છે. ત્યારે આજે સવારે શહેરના મુખ્ય માર્ગ ગણતા બે બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા. આ ટ્રાફિક જામનો મેસેજ મળતાં સ્થાનીક પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમો પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી.

વડોદરા શહેરનો મુખ્ય માર્ગ ગણાતો અને દિવસ ભર વાહનોથી ધમધમતો પંડ્યાબ્રિજ પર સવારે ભારે ટ્રાફિકજામ થયો હતો. પંડ્યાબ્રિજ પર મોડી રાત્રે એક ટ્રક બંધ પડી જતાં તેને ન હટાવતા આ સ્થિતી ઉદભવી હતી. આ બ્રિજ પરથી નોકરિયાત અને અનેક વાહનચાલકો સવારે 2 કિલોમીટર જેટલો ભારે ટ્રાફિકના કારણે અટવાયા હતાં. આ અંગેના મેસેજ મળતાની સાથે ટ્રાફિક શાખાની ટીમો તાત્કાલીક ઘટનસ્થળે પહોંચી ટ્રાફિક સંચાલનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટ્રાફિકને હળવો કર્યો હતો. બીજી તરફ શહેરના હરીનગરબ્રિજ પર ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે ત્રણ કાર એકબીજા સાથે ટકરાઈ હતી, જેના કારણે બ્રિજ પર ભારે ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. આ અકસ્માતના મેસેજ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ આ અકસ્માતમાં એક કારને ભારે નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતના પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top