સાંસદ રાજપાલસિંહ જાદવના પ્રયત્નો સફળ
કાલોલ | તા. 25-02-2026
પંચમહાલ લોકસભા વિસ્તારના સાંસદ રાજપાલસિંહ જાદવના અથાગ પ્રયાસોને અંતે સફળતા મળી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ગોધરા–લુણાવાડા–મોડાસા રેલવે લાઇનના સર્વે માટે સત્તાવાર મંજુરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયને લઈને સમગ્ર પંચમહાલ જિલ્લામાં ખુશીની લાગણી વ્યાપી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી માંગ રહેલી આ રેલવે લાઇન હવે હકીકત તરફ આગળ વધી રહી છે. સાંસદ રાજપાલસિંહ જાદવના સતત અનુસંધાન અને રજૂઆતોના પરિણામે આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજુરી મળતા વિસ્તારના લોકોને ભવિષ્યમાં ઉત્તમ રેલવે સેવાઓનો લાભ મળશે.
આ સમાચાર મળતા જ સ્થાનિક નાગરિકો અને સાંસદના સમર્થકોએ રાજપાલસિંહ જાદવને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ રેલવે પ્રોજેક્ટના અમલીકરણથી પંચમહાલ વિસ્તારનો સર્વાંગી વિકાસ ઝડપી બનશે, રોજગારની નવી તકો ઊભી થશે તેમજ મુસાફરી વધુ સુગમ બનશે.
વિસ્તારના આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિકાસ માટે આ રેલવે લાઇન એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિપોર્ટર: આશિષ બારીયા