જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટી પારદર્શિતા અને ગતિશીલતા લાવવાના હેતુથી એક જ ઝાટકે પગલાં
પ્રતિનિધિ | ગોધરા | તા. 13
પંચમહાલ જિલ્લા પંચાયત તંત્રમાં આજે મોટો વહીવટી ફેરફાર જોવા મળ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટી પારદર્શિતા અને ગતિશીલતા લાવવાના હેતુથી એક જ ઝાટકે જિલ્લાના ૨૯ તલાટી-કમ-મંત્રીઓની બદલીના આદેશો જારી કરવામાં આવતા વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
ખાસ કરીને એક જ ગ્રામ પંચાયતમાં ૫ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા તલાટીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. લાંબા સમયથી એક જ જગ્યાએ રહી કથિત રીતે ‘ઇજારાશાહી’ ભોગવતા તલાટીઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઘોઘંબા અને કાલોલ તાલુકા રડારમાં
જિલ્લા વિકાસ અધિકારીના હુકમ મુજબ ગોધરા, મોરવા હડફ, કાલોલ, હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાના તલાટીઓને બદલીનો સામનો કરવો પડ્યો છે. જેમાં સૌથી વધુ અસર ઘોઘંબા અને કાલોલ તાલુકામાં જોવા મળી છે.
તાલુકાવાર બદલીનો આંકડો:
ઘોઘંબા : ૧૧ તલાટી
કાલોલ : ૦૮ તલાટી
હાલોલ : ૦૪ તલાટી
ગોધરા : ૦૩ તલાટી
મોરવા હડફ : ૦૨ તલાટી
જાંબુઘોડા : ૦૧ તલાટી
લાંબા સમયથી જમાવટ ધરાવતા તલાટીઓ ખસેડાયા
આ બદલીઓમાં ઘોઘંબા અને કાલોલ તાલુકામાં ૧૦ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા ૩ તલાટીઓ તેમજ ૯ વર્ષથી એક જ જગ્યાએ રહેલા ૩ તલાટીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લા ૭થી ૮ વર્ષથી ફરજ બજાવતા કુલ ૧૪ તલાટીઓને પણ અન્યત્ર બદલી કરવામાં આવી છે.
એક સાથે ૨૯ તલાટીઓની બદલી થતા જિલ્લાના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે અને સમગ્ર જિલ્લામાં વિવિધ તર્ક-વિતર્ક શરૂ થયા છે. જોકે, જિલ્લા પંચાયત તંત્ર દ્વારા આ કાર્યવાહી ને વહીવટી સુધારણા અને પારદર્શિતાની દિશામાં લેવાયેલું મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહી છે.